વલો કચ્છ - ગિરિરાજ
ચૈત્ર-વૈશાખના ઓતરા-ચિતરાના તાપથી ધરતી ધખી રહી હોય ત્યાં જેઠ માસના ધોમધખતા બપોર જામે. અષાઢ માસની શરૂઆત થતાં લોકજીવન ઉત્કટ તાપ-ઉકળાટ-હારાથી વલવલાટ કરતું વરસાદની કાગડોળે રાહ જોઈ રહે છે, પરંતુ ઊની લૂ-અને ગયરા વહી રહે અને વરસાદ વરસે નહિ એવા સમયમાં કચ્છ પાણી- પાણી થઈ જાય. આ વખતે તો અધિક જેઠે નફામાં અકળાવ્યા. અલ નીનો ઇફેક્ટથી ગભરાયેલા કચ્છને મન એક જ મુખ્ય ચિંતા હોય અને તે છે, મેહુલિયો. અને તો રંગ રાખી જાય તો તો કચ્છી માડુ મ્હાલે; વરસ્યા વરસ્યા અષાઢીલા મેઘ, ખેડુએ હળોતરા જોતર્યા, મોરા રાજ!
કચ્છે સદીઓની કુદરતી આપત્તિઓની પીડા ભોગવી છે અને તેથી જ મોટી સંખ્યાના કચ્છી રોજીરોટીની ખોજમાં બેવતન બન્યા છે, પરંતુ બેવતન કચ્છીઓની માદરે વતનની ઝંખના-ઝૂરાપો કદાચ તેમને આષાઢી બીજે ભેગા મળી પોતાના શહેર, ગામ, ફળિયા, ગલીની સ્મૃતિ વાગોળવા મજબૂર કરતા હશે. સૂકી ધરાના હેતાળ હૈયા કચ્છ પર મેઘકૃપા થાય’ની મીટ માંડીને બેઠા હોય છે. અહીંના વરસાદને જયારે મંઢો મીં કહેવાતો હોય ત્યારે વિથોણ ગામની જળોત્સવ પરંપરા વિશે વિગતો પણ અગાઉ માણી ચૂક્યા છીએ.
અષાઢી બીજનો ઈતિવાયકા છે કે કચ્છના કેરામાં રાજધાની સ્થાપનાર લાખા ફૂલાણી પૃથ્વીનો છેડો ગોતવા નીકળી પડ્યા હતા, પરંતુ તેમને પૃથ્વીનો છેડો તો ના મળ્યો. તેઓ જ્યારે પાછા કચ્છ આવ્યા ત્યારે તેમણે કચ્છમાં જે હરિયાળીનાં દૃશ્યો જોયાં તે જોઈને તેમને કચ્છી નવા વર્ષ અષાઢી બીજની શરૂઆત કરી હતી. રાજાશાહી સમયમાં કચ્છી પંચાગ બહાર પાડવામાં આવતાં હતાં અને નવા સિક્કાઓનું પણ છાપકામ શરૂ કરવામાં આવતું હતું. રાજવી પરિવાર ભુજને રાજધાની તરીકે ખસેડી ત્યારે ખોડેલી ખીંટીને પ્રતિવર્ષ ખીંટી પૂજન કરીને દરબારગઢમાં પૂજન કરીને નવા વર્ષની ઉજવણી કરે છે.
કચ્છી કવિ તેજે તો લખ્યું છે કે ‘સજન શીરો ગુંટબો, આવઈ અષાઢી બીજ, કરબો પ્રભુ કે વિનંતી, કે વર વરે વસધો બીજ’ કચ્છી માણસ હંમેશાં વરસાદ અને પાણી માટે તલસતો રહ્યો છે ત્યારે આ તલપ કાવ્ય પંક્તિમાં દેખાય છે. અષાઢી બીજના દિવસે જો મેઘરાજા વરસે અને શુકન થાય તો કચ્છી નવા વર્ષની ઉજવણીમાં ચાર ચાંદ લાગી જાય છે. કચ્છીઓ દેશભરમાં વ્યાપ્ત છે, પરંતુ જ્યારે ‘આપાઢી બીજ’ આવે ત્યારે આખો દેશ જાણે કચ્છ ભણી વાટ પકડે, પરંતુ આ આવનજાવન પણ જરા ઓછી થઈ ગઈ હોય એવું લાગે છે.
ઘેરઘેર લાપસીનાં જમણ થતાં, પરંતુ સમય જતાં ઉજવણીમાં ફરક આવ્યો છે, નવા સમયે આ ઉજવણી સોશ્યલ મીડિયામાં વધુ જોવા મળે છે. લોકો એક બીજાને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને પ્રાર્થના કરે છે કે કચ્છડો બારે માસ રહે અને કુદરતની મહેર કચ્છ પર કાયમ રહે તેવી પ્રાર્થના કરવામાં આવતી હોય છે. નવી પેઢીને વતનની યાદનો ઝુરાપો સોંપવો જોઈએ, દુનિયાના કોઈ પણ છેડે વસતો કચ્છી ભલે ઉજવણી કરવા ન આવે પરંતુ જ્યાં છે ત્યાં કચ્છને યાદ કરે તો ઉત્સવપ્રિય નવી પેઢી આ અમૂલ્ય સંસ્કૃતિના જીવંત સંપર્કમાં રહેશે.
આપણે વતન છોડ્યું છે, પણ વતનનો જીવ આપણી ભીતર ધબકે છે. ભૌતિક પ્રગતિની દોડમાં આપણે ગ્લોબલ ભલે બનીએ, પણ આપણા મૂળિયાં (લોકલ) સાથે જોડાયેલા રહેવું એટલું જ જરૂરી છે. અષાઢી બીજનો આ ઉત્સવ માત્ર કૅલેન્ડર બદલવાનો દિવસ નથી, પરંતુ આપણી ‘કચ્છીયત’ને હૃદયમાં જીવતી રાખવાની નમ્ર અરજ છે.