Sun Jul 12 2026

Logo

આંસુભરી યે ડગર જીવનપથ કી... રંગરંગની રુદનકળા!

2026-07-12 08:45:10
Author: Sanjay Chhel
Article Image

મિજાજ મસ્તી - સંજય છેલ

ટાઇટલ્સ: 

આંખમાં આંસુ ન હોત તો આત્મામાં મેઘધનુષ ક્યાંથી થાત? (છેલવાણી)
‘એક આંસુ બની ગયું ચંદ્ર,
આંખો થઈ ગઈ ભૂરી ભૂરી,
ને સાગરનાં તળિયે છીપલાં શોધવા ચાલ્યું...
પાંપણના ભીના કિનારા,
ધુમાડા બની ગયા છેવટે તોયે દુખ રહી ગયું ભૂખ્યું.’

આ કવિતા દંતકથા સમાન ક્રિકેટર સચિન તેંડુલકરના કવિ પિતા રમેશ તેંડુલકરની છે.

સામાન્ય રીતે રવિવારે આપણે હળવા મૂડમાં હોઇએ પણ આંસુ વિશે હળવા થવાય એવી વાતો કરીએ. આંસુ એક અલગ જ વિષય કે અધ્યાય છે. કમબખ્ત જિંદગી કાંદા જેવી છે. આપણે એનાં એક એક પડ ઉખેડતાં જવાનું અને રડતાં જવાનું. બંગાળી લેખક જ્યોતિર્મય દત્તના નાટકમાં એક સંવાદ આવે છે કે ભગવાન બુદ્ધને આ જન્મની પ્રેમિકામાં, ગયા જન્મની પ્રેમિકાનાં ચહેરાનાં આંસુ દેખાતાં! 

ખરેખર તો રડવાથી મોટું કોઇ હથિયાર નથી. આ વાત સાસરામાં રિસાયેલી સ્ત્રીઓ, ચૂંટણી વખતે રિઝવવા નીકળેલા નેતા અને ફિલ્મ રિલીઝ વખતે અભિનેતાઓ બરોબર સમજે છે.

આંસુ, એક એવી ચાવી છે કે જેનાંથી ભલભલાં તાળાં ખૂલી જાય. પબ્લિકનાં દિલનાં દરવાજા પણ ઉઘડી જાય!. ઘણાંયે લેખકો-કવિઓ કરુણરસને વાપરી વાપરીને કરિયર બનાવે છે. ભાઈ-બહેનનાં મળવા-બિછડવાનાં ‘ભરત-મિલાપ’ ટાઈપનાં દૃશ્યોવાળી સત્યકથાઓ તો ગોડાઉન ભરાઈ જાય એટલી બધી છે. પતિ-પત્ની કે પ્રેમિકાઓનાં વિરહમાં રડીરડીને કવિ-લેખકોએ એટલાં કાગળ કાળાં કર્યાં છે કે અમને થાય છે કે જગતનાં બધાં જંગલ એ કાગળો બનાવવામાં જ અડધાં થઈ ગયાં હશે. 

આ બધા વચ્ચે મૃત્યુ પણ પાછી એવી જ ઘટના છે જે સૌથી ફાસ્ટ અને ઇન્સ્ટંટ સૌને રડાવી મૂકે છે. કોણ જાણે કેમ પણ નરસિંહ મહેતાનાં ‘કુંવરબાઈનાં મામેરા’ની વાત વાંચી કે જોઈને અમને હંમેશાં રડવું આવે છે.

ગુજરાતી કવિ નરસિંહરાવ દીવેટીયાએ સ્વજનોનાં મૃત્યુ પછી ખૂબ કરુણ કાવ્યો લખેલાં અને ‘આ વાદ્યને કરુણરસ વિશેષ ભાવે!’ એવું કૈંક કહેલું. મહાન શાયર ગાલિબનાં અગિયાર સંતાનો મરી ગયેલાં અને લખેલું: ‘દિલ હી તો હૈ ના સંગ-ઓ-ખિસ્ત, દર્દ સે ભર ના જાયે ક્યું?’

કવિઓ કે ચિંતકોની સ્ટાઈલમાં કહીએ તો આસું ક્યારેય ‘મે આય કમ ઇન’ કહીને નથી આવતાં.

અરે, અમે તો કહીએ છીએં કે નેતા કે અભિનેતાઓને રડતાં જોઈને આપણને ધરપત થવી જોઈએ કે- હાશ, હજી એ લોકો નોર્મલ છે! નેતાઓનાં આંસુઓ એવાં કમાલના હોય છે કે કોઇકને રડાવી મૂકે છે તો કોઇકને હસાવી મૂકે છે.

ગયા વર્ષે ‘સિતારે ઝમીં પર’ ફિલ્મનાં પ્રમોશનમાં આમિર ખાને એના છૂટાછેડા અને પારિવારિક વગેરે અનેક અંગત વાતો યાદ કરીને આંસુડાં સાયાર્ં હતાં. જો કે એક વર્ષમાં એ આંસુડાં સૂકાઈ પણ ગયા અને હવે ખુશી ખુશી એણે ત્રીજા લગ્ન પણ કરી લીધાં છે. એટલે રડવું, એક એવી ફોર્મ્યુલા છે જે હંમેશાં સફળ કે પછી પ્રચલિત તો થાય જ છે. કોઈક જાહેરમાં રડીને માન મેળવે છે, કોઈક જાહેરમાં રડીને મજાક બની જાય છે! ઈન શોર્ટ, જાહેરજીવનમાં તો આંસુ ઇન્સ્ટંટ વેંચાય છે!

ઇન્ટરવલ:

મુજ હાસ્યને દિવાનગી લોકો ભલે સમજે,

જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ! (મરીઝ)

નોર્મલી લોકોને હસાવનાર માણસ સદા ખુશખુશાલ હશે એવી ધારણા હોય છે, પણ ના...એવું જરાયે નથી. હસતા માણસના ચહેરા પાછળનાં મોહરામાં અનેક આંસુઓ છૂપાયા હોય છે.

હોલિવૂડના કોમેડિયન અને ફિલ્મ સ્ટાર રોબિન વિલિયમ્સે 2014માં આપઘાત કર્યો હતો. એને બાયપોલર ડિસઓર્ડર નામની માનસિક બીમારી હતી. એને વારેવારે ડિપ્રેશન કે હતાશાના એટેક આવતા. ત્યારે આ ચર્ચા શરૂ થયેલી કે હાસ્ય કલાકારને ડિપ્રેશન કેવી રીતે આવી શકે? એ તો આખી દુનિયાને હસાવે છે! દુનિયાને હસાવનાર જોકરનાં આંસુ કોઈ ને દેખાતાં નથી. કદાચ જોકર આંસુ વહાવીને પણ લોકોને હસાવવા માગે છે. કદાચ આ દોરંગી દુનિયામાં એક જોકરના આંસુ જેવી પવિત્ર વસ્તુ કોઇ નથી. થોડાં વર્ષો પહેલાં રાજસ્થાનના કોઇ ન્યાયાધિશે કહ્યું હતું કે મોર બ્રહમચારી પક્ષી છે અને મોરનાં આંસુ પીને ઢેલ પ્રેગ્નંટ થાય છે! હવે આવાં સામાચારો આવવા માંડે ત્યારે અમારાં જેવાં ગરીબ વ્યંગકાર કે લેખકોની શું જરૂર પડે?

ગમે એટલો પાવરફૂલ માણસ હોય પણ ‘મર્દ કો દર્દ નહીં હોતા’ એવાં ડાયલોગ ફિલ્મમાં જ શોભે. આ ધરતી પર તો રામ અને કૃષ્ણ જેવા દેવતા પણ પોતાની માતાના પ્રેમ સામે રડી પડેલાં તો નેતા શું ચીજ છે? લતા મંગેશકરે ‘અય મેરે વતન કે લોગો’ સ્ટેજ પર ગાયેલું ત્યારે નેહરુજીને રડવું આવી ગયેલું. પુત્ર સંજય ગાંધીના મૃત્યુ વખતે ઇંદિરા ગાંધીએ પણ આંસુ છૂપાવવા કાળાં ગોગલ્સ પહેરીને ચલાવેલું. માતા, ગરીબી અને સંઘર્ષ એ બધાં કમાલનાં તત્ત્વો છે. માને યાદ કરી રડવામાં કવિ લેખકોની જેમ નેતાઓ પણ અપવાદ નથી. ઘણીવાર જ્યારે નેતાઓ સ્ટેજ પર ભાષણોમાં પોતાની વાત કરતાં વારે વારે રડે છે ત્યારે એમનાં વિરોધીઓને એમાં વધુ પડતો ડ્રામા લાગે છે, પણ અમને તો એ બહુ ગમે છે. ભલે પ્રજા માટે નહીં પણ પોતાના માટે તોયે નેતાઓનું દિલ સંવેદનશીલ હોય છે.

ઇનશોર્ટ, કોઈ નેતા-અભિનેતા રડે તો એમાં બહુ શંકા કરવા જેવું નથી, કારણ કે ભલભલા વિદ્વાનો, ફિલોસોફરો અને દેવતાઓ આંસુનાં એટેકથી બચી નથી શક્યાં. આમે ય ભારત ઇમોશનલ દેશ છે. ભક્તો  ભગવાન સામે પોક મૂકીને રડે છે. ભગવાન ખુદ પાછાં અવતાર લઈને માનવીય સંબંધોમાં રડે છે. જે દિવસે આ દેશમાં આંસુ પર ટેક્સ લગાડવાનો શરૂ થઈ જશે ત્યારે ભારતની તિજોરી લબાલબ છલકાઈ જશે!

એન્ડ ટાઈટલ્સ:

આદમ: રડે છે કે કાંદા કાપે છે?

ઇવ : બેઉ.