નવી દિલ્હીઃ આઈપીએલ 2026માં અત્યાર સુધી 15 મેચ રમાઈ ચુકી છે. જોકે અત્યાર સુધીની મેચની ખાસિયત અનકેપ્ડ ખેલાડીઓ પોતાનો જલવો બતાવી રહ્યા છે. સમીર રિઝવી, અંગક્રશ રઘુવંશી, વૈભવ સૂર્યવંશીએ તમામને પ્રભાવિત કર્યા બાદ મુકુલ ચૌધરી પણ આ લિસ્ટમાં સામેલ થયો છે.
આ વર્ષે આઈપીએલમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવવા મુદ્દે યશસ્વી જયસ્વાલ પ્રથમ ક્રમે છે પરંતુ સમીર રિઝવી અને અંગક્રશ રઘુવંશી પણ વધારે પાછળ નથી. જયસ્વાલે 3 મેચમાં 170 રન બનાવ્યા છે. જ્યારે સમીર રિઝવીએ 3 મેચમાં 160 રન બનાવ્યા હતા. અંગક્રશ રઘુવંશી પણ સારી બેટિંગ કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં 4 મેચમાં 155 રન બનાવીને લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.
વૈભવ સૂર્યવંશી આ લિસ્ટમાં થોડો નીચે છે પરંતુ એક જ ઈનિંગમાં તે બધું સરભર કરી શકે છે. વૈભવે અત્યાર સુધીમાં 3 મેચમાં 122 રન બનાવ્યા છે. જેમાં 10 ચોગ્ગા અને 11 છગ્ગા સામેલ છે. આ દરમિયાન ગઈકાલે મુકુલ ચૌધરીએ પણ કેકેઆર સામે વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે અડધી સદી ફટકારી હતી. પ્રથમ બે મેચમાં તે ખાસ કમાલ કરી શક્યો નહોતો.
એકબાજુ કેમરુન ગ્રીન, રિષભ પંત જેવા ખેલાડીઓ તગડી રકમ લઈને પણ દમદાર દેખાવ કરી શક્યા નથી ત્યાં સમીર રિઝવી, અંગક્રશ રઘુવંશી, વૈભવ સૂર્યવંશી અને મુકુલ ચૌધરી જેવા અનકેપ્ડ પ્લેયર્સ ઓછી કિંમતમાં પણ તેમનો જલવો બતાવી રહ્યા છે. જો આ અનકેપ્ડ ખેલાડીઓ આવું જ પ્રદર્શન શરૂ રાખશે તો ભવિષ્યમાં ટીમ ઈન્ડિયા તરફથી પણ રમતા જોવા મળી શકે છે.
મુકુલ ચૌધરી કોણ છે
મેચમાં એક સમયે કોલકાતાની જીત નિશ્ચિત લાગતી હતી પરંતુ મુકેશ ચૌધરીએ 27 બોલમાં 7 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી અણનમ 54 રન બનાવીને લખનઊને વિજય અપાવ્યો હતો. આઈપીએલ ઓક્શનમાં 21 વર્ષીય મુકુલ ચૌધરી માટે લખનઊએ 2.60 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તે સમયે તમામને આશ્ચર્ય થયું હતું. શરૂઆતની બે મેચમાં પણ પણ તે ખાસ કમાલ કરી શક્યો નહોતો પરંતુ લખનઊ સામે વિસ્ફોટક બેટિંગ કરતાં જ સોશિયલ મીડિયા પર મુકુલ ચૌધરી ટ્રેન્ડ થવા લાગ્યો હતો.
મુકુલ ચૌધરી આક્રમક મિડલ ઓર્ડર બેટ્સમેન છે. તેનો જન્મ 6 ઓગસ્ટ, 2004ના રોજ થયો હતો. તે રાજસ્થાન તરફથી ઘરેલું ક્રિકેટ રમે છે. તેણે અત્યાર સુધીમાં 4 ફર્સ્ટ કલાસ, 5 લિસ્ટ-એ તથા 10 ટી20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ મેચમાં તેણે 17.16ની સરેરાશથી 103 રન બનાવ્યા છે. લિસ્ટ એ ક્રિકેટમાં તેણે 14.20ની સરેરાશથી 71 રન બનાવ્યા છે. ટી20 ક્રિકેટમાં મુકુલે 164.70ના સ્ટ્રાઈક રેટથી 280 રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદી પણ સામેલ છે.
મુકુલ ચૌધરી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025-26માં તોફાની બેટિંગ કરીને ચર્ચામાં આવ્યો હતો. તેણે પાંચ ઈનિંગમાં 57.66ની એવરેજ અને 198.85ના સ્ટ્રાઈક રેટથી 173 રન બનાવ્યા હતા. જેમાં 10 ચોગ્ગા અને 13 છગ્ગા સામેલ હતા. આઈપીએલ 2026 માટે થયેલી હરાજીમાં 30 લાખ રૂપિયા બેઝ પ્રાઈઝ ધરાવતાં મુકુલને લખનઊએ 2.60 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો.