મૂળ મુંબઈના પેસ બોલરે અંતિમ ઓવરમાં રાજસ્થાનને જિતાડ્યુંઃ ચાર વિકેટ લેનાર બિશ્નોઈ મૅન ઑફ ધ મૅચ
નવી દિલ્હીઃ શનિવારે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રૉયલ્સના પેસ બોલર તુષાર દેશપાંડેએ મૅચની અંતિમ ઓવરમાં જે રીતે 10 રન ડિફેન્ડ કર્યા અને ગુજરાતને વિજયથી વંચિત રાખી દીધું એનાથી સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ખૂબ પ્રભાવિત થયો છે અને તેણે કહ્યું છે કે `દેશપાંડેની આ એક ઓવરે ટીમ ઇન્ડિયાના સિલેક્ટરોને વિચારતા કરી જ દીધા હશે. દેશપાંડેએ ભારે પ્રેશરના સમયમાં નિર્ભય થઈને, મગજને શાંત અને કાબૂમાં રાખીને જે રીતે બોલિંગ કરી એ કાબિલે દાદ છે. કૅપ્ટન રિયાન પરાગે 20મી ઓવરની જવાબદારી તેના પર મૂકી અને દેશપાંડેએ પોતાની કરીઅરની બેસ્ટ ઓવર કરીને કૅપ્ટનના વિશ્વાસને યોગ્ય સાબિત કર્યો. આ રીતે 20મી ઓવર સફળતાથી પાર પાડવી એ આસાન કામ નથી. કૅપ્ટન જ્યારે આવો ભરોસો મૂકે ત્યારે ખેલાડી ખૂબ ઉત્સાહિત થઈ જતો હોય છે.'
30 વર્ષનો રાઇટ-આર્મ પેસ બોલર તુષાર દેશપાંડે મૂળ મુંબઈ શહેરનો છે. શનિવારે ગુજરાત સામેની મૅચમાં તેની પહેલી બે ઓવરમાં 20 રન બન્યા હતા અને તેને વિકેટ નહોતી મળી. કૅપ્ટન રિયાન પરાગે તેને એ મૅચમાં 12મી ઓવર પછી 19મી ઓવર સુધી બોલિંગ નહોતી આપી. દેશપાંડેની એ 12મી ઓવરમાં 15 રન બન્યા હતા. એ જોતાં તેને ડેથ ઓવર્સ (છેવટની ઓવર્સમાં) ફરી મોરચા પર લાવવામાં આવે એની સંભાવના નહોતી.
જોફ્રાની 19મી ઓવરમાં ફક્ત ચાર રન
જોકે કૅપ્ટન રિયાન પરાગે 19મી ઓવર તેને આપવાનું નક્કી કર્યું હતું. ત્યારે ગુજરાતે 12 બૉલમાં માત્ર 15 રન કરવાના હતા. જોકે વિકેટકીપર ધ્રુવ જુરેલની સલાહથી પરાગે (Parag) નિર્ણય બદલીને 19મી ઓવર જોફ્રા આર્ચરને અને 20મી ઓવર દેશપાંડેને આપવાનું નક્કી કર્યું હતું અને એ જુગારમાં પરાગ સફળ થયો હતો. જોફ્રાની 19મી ઓવરમાં ફક્ત ચાર રન થયા હતા. હવે 20મી ઓવરમાં દેશપાંડેએ કુલ 10 રન ડિફેન્ડ કરવાના હતા અને ગુજરાતે એ ઓવરમાં 11 રન કર્યા હોત તો વિજય તેમના નામે હોત.
20મી ઓવરમાં શું બન્યું?
જોકે પરાગે દેશપાંડેને 20મી ઓવરની જવાબદારી સોંપી એટલે ઘણાને નવાઈ લાગી હતી. ગુજરાતને આ વખતે પ્રથમ જીતની તલાશ હતી. રાશીદ ખાન ર3 રને અને કૅગિસો રબાડા 21 રને દાવમાં હતો. પ્રથમ બૉલ વાઇડ પડ્યા બાદ પછીના લાગલગાટ ત્રણેય બૉલમાં માત્ર એક-એક રન બન્યા હતા. ચોથો બૉલ ડૉટ-બૉલ હતો અને પાંચમા બૉલમાં રાશીદ ખાન આઉટ થયો હતો. છઠ્ઠા બૉલમાં સાત રનની જરૂર હતી. જો અશોક શર્મા સિક્સર ફટકારી શક્યો હોત તો મૅચ સુપર-ઓવરમાં ગઈ હોત, પણ એ પણ ડૉટ-બૉલ રહેતાં દેશપાંડે (Deshpande)એ રાજસ્થાનને થ્રિલરમાં જિતાડ્યું હતું. રાજસ્થાનના 6/210ના સ્કોર સામે ગુજરાતે આઠ વિકેટે 204 રન કર્યા હતા. ચાર વિકેટ લેનાર રવિ બિશ્નોઈને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
દેશપાંડે અગાઉ દિલ્હી કૅપિટલ્સ તેમ જ ખાસ કરીને ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમ્યો હતો. આ વખતે તેને રાજસ્થાને 6.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને તેણે ટીમને દિલધડક મુકાબલો છ રનથી જિતાડીને વાહ-વાહ મેળવી છે. ડેલ સ્ટેને તેના વિશે કહ્યું, `દેશપાંડેએ ચાર ઇંચના પરફેક્ટ યૉર્કર ફેંક્યા હતા. ત્યાર બાદ તેણે લેન્ગ્થ બૉલમાં રાશીદ ખાનને કૅચઆઉટ કરાવ્યો હતો. આ વખતની એ બેસ્ટ મૅચ હતી.'