મુંબઈ: ભારત (India) અને ઇંગ્લૅન્ડ 2022 તથા 2024ના ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં સામસામે આવી ગયા હતા એટલે આજની (સાંજે 7:00 વાગ્યાથી) સેમિ ફાઇનલની ટક્કર બંને માટે કોઈ નવી વાત નથી. જોકે કહેવાય છેને કે શરૂઆત સારી તો અંત પણ સારો... એ જોતાં આજે ભારતીય ટૉપ-ઑર્ડરે ઇંગ્લૅન્ડ (England)ના અમુક બોલરથી ચેતવું પડશે.

ભારતીય ઓપનર્સમાં અત્યારે વર્લ્ડ નંબર
વન અભિષેક શર્મા કરતાં સંજુ સૅમસેનની વધુ બોલબાલા છે, કારણકે રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 97 રન કરીને સૅમસને જ ભારતને સેમિ ફાઇનલમાં પહોંચાડ્યું હતું. એ જોતાં આજે પહેલાં સૅમસનની વિકેટ બ્રિટિશ બોલર્સ માટે સૌથી મહત્વની બની રહેશે.
ઇંગ્લૅન્ડના પેસ બોલર જોફ્રા આર્ચરે આજે સૅમસનને વહેલાસર વિદાય આપી દેવાની યોજના બનાવી જ રાખી હશે. જોકે રાઈટ-હૅન્ડ બૅટ્સમૅન સૅમસને પણ આર્ચર ઉપરાંત બીજા ઇંગ્લિશ બોલર્સના વીડિયો જોઈ લીધા જ હશે.
બીજું, તિલક વર્મા પણ આર્ચરની બોલિંગ ઍનેલિસિસ બગાડી શકે એમ છે. એમ છતાં આજે ઈશાન કિશને ઑફ-સ્પિનર વિલ જૅક્સથી ખૂબ ચેતવું પડશે.
એનું કારણ એ છે કે વાનખેડેમાં જ ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સના વિલ જૅકસે સનરાઇઝર્સ હૈદરાબાદના ઈશાન કિશનની વિકેટ લીધી હતી. ત્યારે વિલ જૅકસે ફક્ત ચાર બૉલમાં બે રનના ખર્ચે બે વિકેટ મેળવી હતી અને એ દિવસ વિલ જૅક્સ અને કિશન બંનેને યાદ હશે જ.

આજે જો અભિષેક કે સૅમસન વહેલા આઉટ થઈ જશે તો પછીથી કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તિલકે બાજી સંભાળી લેવી જ પડશે. ભારતીય બોલર્સની વાત કરીએ તો જૉસ બટલર ખાસ કંઈ ફૉર્મમાં નથી એટલે અર્શદીપ સિંહ કે જસપ્રીત બુમરાહને તેની સામે ખાસ કોઈ મુશ્કેલી નહીં થાય, પણ ફિલ સૉલ્ટ અને વિશેષ કરીને કેપ્ટન હૅરી બ્રુકથી તો ભારતીય બોલર્સે બહુ ચેતવું જ પડશે.
વાનખેડેની પિચ કદાચ પેસ બોલર્સને વધુ માફક આવે એવી હશે. એમ છતાં સ્પિનર્સની વાત કરીએ તો ઇંગ્લૅન્ડ પાસે આદિલ રાશીદ અને રેહાન અહમદ પણ છે જ્યારે ભારત વતી વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ બ્રિટિશ ટીમનું બેન્ડ બજાવી શકે છે. કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરને આજે રમવાનો મોકો મળે એવી સંભાવના બહુ ઓછી છે.
Sorry @MichaelVaughan #INDvENG #T20WorldCup pic.twitter.com/rIvw2EHGez
— Diptiman Yadav (@diptiman_6450) March 5, 2026
બંને દેશની સંભવિત પ્લેઈંગ ઇલેવન:
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન, ઈશાન કિશન/રિન્કુ સિંહ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.
ઇંગ્લૅન્ડ: હૅરી બ્રુક (કેપ્ટન), જૉસ બટલર, ફિલ સૉલ્ટ, જૅકબ બેથેલ, ટૉમ બૅન્ટન, સૅમ કરૅન, વિલ જૅક્સ, જૅમી ઓવર્ટન, લિઆમ ડૉસન, જોફ્રા આર્ચર અને આદિલ રાશીદ.