Thu Jun 18 2026

Logo

બળાત્કાર અને ‘બળજબરી’થી ધર્માંતર: મધ્ય પ્રદેશના મૌલાનાનું નાગપુર પોલીસ સમક્ષ આત્મસમર્પણ

2026-06-18 17:56:47
Author: Yogesh D Patel
Article Image

નાગપુર: સંરક્ષણ દળના જવાનની ભૂતપૂર્વ પત્ની પર બળાત્કાર તેમ જ બળબજરીથી ધર્માંતરના કેસમાં ફરાર મધ્ય પ્રદેશના મૌલાનાએ નાગપુર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. 
આરોપી હઝરત મધ્ય પ્રદેશના છીંદવાડા જિલ્લાના તામિયાનો રહેવાસી છે, જે મહારાષ્ટ્રની સીમા પર છે. આરોપીએ બુધવારે રાતે અહીંના સોનેગાંવ પોલીસ સ્ટેશનમાં શરણાગતી સ્વીકારી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

અમે વિવિધ ટીમો તૈયાર કરી હતી અને આરોપીની શોધ ચલાવી રહ્યા હતા. અમારા અધિકારીઓ અનેક દિવસથી તામિયામાં ધામા નાખીને તેને શોધી રહ્યા હતા. દબાણ વધતાં આખરે આરોપીએ શરણાગતી સ્વીકારી હતી. મૌલાના પર સંરક્ષણ દળના જવાનની ભૂતપૂર્વ પત્નીનું બળજબરીથી ધર્માંતર કરવાનો અને તેના નિકાહ કરાવવાનો આરોપ છે.આ કેસના મુખ્ય આરોપી અયાઝ તાજ માદરે (26) અને સહ-આરોપી આમિર મહેમૂદ શેખ (30) અગાઉથી પોલીસ કસ્ટડીમાં છે. અમે હઝરતને કોર્ટમાં હાજર કરીશું. આ કેસમાં હઝરતની ભૂમિકા સમજવાનું બહું મહત્ત્વનું છે. કથિત ધર્માંતર કઇ રીતે કરાવવામાં આવે છે તે અંગે વધુ માહિતી ભેગી કરવા તેની પૂછપરછ જરૂરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન અયાઝ અને આમિર શેખની કસ્ટડી પૂરી થતી હોવાથી તેમને કોર્ટમાં હાજર કરાયા હતા અને તેમની પોલીસ કસ્ટડી 21 જૂન સુધી લંબાવવામાં આવી હતી.પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ દરમિયાન જપ્ત કરાયેલા મોબાઇલ ફોન, સિમ કાડર્સ, સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.થોડા દિવસ અગાઉ પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હવે પોલીસ ખંડણી, વાંધાજનક વીડિયોનો પ્રસાર અને મહિલા પર નશીલા પદાર્થના ઉપયોગ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ગુનો ચોક્કસ ક્યારે બન્યો તે હજી સ્પષ્ટ નથી, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)