Thu Jun 18 2026

Logo

દિલ્હી સુધી પહોંચ્યો મહારાષ્ટ્રનો રાજકીય ખેલઃ એકનાથ શિંદેનું કદ વધતા NDAનો આંકડો 300 પાર જશે?

2026-06-18 15:13:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈ/નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને દેશના રાજકારણમાં સત્તાના સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળ પછી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર પછી ઉત્તર પ્રદેશ એમ સતત એનડીએનું કદ વધી રહ્યું છે. જોકે, મહારાષ્ટ્રની વાત કરીએ તો લોકસભામાં બેઠકોની ગણતરી અને પક્ષોના પ્રભાવની જે નંબર્સ ગેમ ચાલી રહી છે, તેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદે પાર્ટીને વધુ મજબૂત કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના નેતૃત્વ હેઠળ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની અંદર હવે તેમનું કદ અને પ્રભાવ અગાઉ કરતાં ઘણો વધારે મજબૂત બન્યો છે. શિવસેના (UBT)એ દિલ્હીમાં જે ઈમરજન્સી બેઠક બોલાવી હતી, તેમાં 6 સાંસદ બાગી સાબિત થયા છે. આ સાંસદો એકનાથ શિંદેનો સાથ આપશે એવી અટકળો વચ્ચે નંબર ગેમનું ગણિત પણ સમજીએ.

કેવી રીતે બદલાયો લોકસભાનો ખેલ?

મહારાષ્ટ્રથી શરૂ થયેલ આ રાજકીય ધમાસાણ હવે નવી દિલ્હી સુધી પહોંચી ગયું છે. તાજેતરના રાજકીય ઘટનાક્રમો અને શિવસેના (UBT)માં ચાલી રહેલી આંતરિક ઉથલપાથલ વચ્ચે, એકનાથ શિંદે કેન્દ્ર સરકાર અને ભાજપ હાઈકમાન્ડ માટે મહારાષ્ટ્રમાં સૌથી ભરોસાપાત્ર અને વ્યૂહાત્મક સાથી સાબિત થઈ રહ્યા છે. 

રાજકીય વિશ્લેષકોના મતે, લોકસભામાં ગઠબંધનની સરકાર ચલાવવા માટે દરેક એક બેઠકનું મહત્વ ઘણું વધી ગયું છે. આવા સમયે એકનાથ શિંદે પોતાની સાથે મજબૂત સાંસદોનું સંખ્યાબળ ધરાવે છે, જે કેન્દ્રમાં એનડીએ (NDA) સરકારની સ્થિરતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી તરફ, વિરોધી જૂથ શિવસેના (UBT)માં સાંસદોના અસંતોષ અને તાજેતરની કટોકટીના કારણે ઉદ્ધવ ઠાકરેનો પક્ષ નબળો પડ્યો છે, જેનો સીધો રાજકીય ફાયદો શિંદે જૂથને મળી રહ્યો છે.

NDA હજી પણ વધારે મજબૂત સાબિત થશે

આંકડાની વાત કરવામાં આવે તો, અત્યારે લોકસભામાં એનડીએ 293 સાંસદોનું સમર્થન ધરાવે છે. જેમાં ટીએમસીના બળવાખોર સાંસદોનો ટેકો મળતા સમર્થનની સંખ્યા 300 પાર થઈ જવાની છે. એટલું જ નહીં, પણ હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવની પાર્ટી શિવસેનામાં પણ તિરાડ પડી છે. ઉદ્ધવની પાર્ટીના 6 સાંસદોએ શિવસેના (UBT)નો સાથ છોડવાનું નક્કી કર્યું છે. આ સાંસદો શિંદેની શિવસેનામાં સામેલ થવાની યોજના બનાવી રહ્યાં છે, જો એવું થશે તો શિંદેની પાર્ટીમાં સાંસદોની સંખ્યા 13 થઈ જશે. જેનો સીધો ફાયદો એનડીએને જ થવાનો છે. ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ એનડીએને સમર્થન આપવામાં શિંદેની શિવસેના ચોથા ક્રમે આવી જશે. 

નંબર ગેમમાં એકનાથ શિંદે જૂથનો પ્રભાવ વધશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં હવે પ્રાદેશિક પક્ષોનું મહત્વ વધ્યું છે. બિહારમાં નીતિશ કુમાર અને આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની જેમ જ હવે મહારાષ્ટ્રમાંથી એકનાથ શિંદે પણ એનડીએના મુખ્ય સ્તંભ તરીકે પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. લોકસભાની આ નંબર્સ ગેમ અને કેન્દ્રમાં શિંદેના વધતા પ્રભાવની સીધી અસર મહારાષ્ટ્રમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીઓ પર જોવા મળશે.

વિરોધ વચ્ચે શિંદેએ પોતાના સાથીદારોને એકજૂથ રાખ્યાં

વિરોધ પક્ષો દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગના આક્ષેપો વચ્ચે પણ, એકનાથ શિંદેએ પોતાના સાથીદારોને એકજૂથ રાખવામાં સફળતા મેળવી છે. મહારાષ્ટ્રના નાયબ સીએમ હવે માત્ર રાજ્ય પૂરતા મર્યાદિત નહીં રહેતા નવી દિલ્હીની ગાદી પર બેઠેલી સરકારના સંચાલનમાં પણ એક મહત્વપૂર્ણ 'કિંગમેકર' અને નિર્ણાયક શક્તિ તરીકે સ્થાપિત થઈ ગયા છે.