લોકપ્રિય વેબ સિરીઝ ફોર મોર શોર્ટ્સ પ્લીઝથી ઘર-ઘરમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી માનવી ગાગરૂએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક એવા કાળી સચ્ચાઈનો પર્દાફાશ કર્યો છે, જેને સાંભળીને સૌ કોઈ હેરાન રહી ગયા છે. ઈન્ડસ્ટ્રીમાં કોઈ પણ જાતના ગોડફાધર વગર પોતાની ઓળખ બનાવનારી માનવીએ તેના કરિયરના શરૂઆતના દિવસોમાં વેઠવી પડેલી 'કાસ્ટિંગ કાઉચ'ની દર્દનાક અને ચોંકાવનારા અનુભવો શેર કર્યા છે.
એક્ટ્રેસ માનવી ગાગરૂએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ કિસ્સો થોડા વર્ષો પહેલાંનો છે અને જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે સ્ટ્રગલ કરી રહી હતી. એક દિવસ તેને એક અજાણ્યા પ્રોડ્યુસર કે ઓડિશન કોર્ડિનેટરનો ફોન આવ્યો. ફોન કરનાર વ્યક્તિએ તેને એક વેબ સિરીઝની ઓફર કરી અને બજેટ વિશે વાત કરવાનું શરૂ કર્યું.
માનવીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે સામે વાળી વ્યક્તિએ તેને કહ્યું કે અમે આ રોલ માટે તને એક લાખ રૂપિયા આપીશું. માનવીએ જ્યારે બજેટ ઓછું હોવાનું કહ્યું, ત્યારે તે વ્યક્તિએ એક એવી શરત મૂકી જે સાંભળીને માનવીના હોશ ઊડી ગયા. ફોન કરનારે કહ્યું, જો તું આ બજેટમાં તૈયાર હોય તો તારે 'કોમ્પ્રોમાઈઝ' કરવું પડશે.
'કોમ્પ્રોમાઈઝ' શબ્દ સાંભળતા જ માનવી ભારે ગુસ્સે થઈ ગઈ હતી. તેણે આ ઓફરને સ્વીકારવાને બદલે સામે વાળી વ્યક્તિને બરાબરનો પાઠ ભણાવ્યો. માનવીએ ફોન પર જ તેને જોરદાર ખખડાવી નાખી અને કહ્યું કે તમારી હિંમત કેમ થઈ મને આવી ઓફર આપવાની? તમે જે વેબ સિરીઝ બનાવી રહ્યો છે તે તમારી પાસે જ રાખ, મારે આવું કોઈ કામ નથી જોઈતું. આટલું કહીને માનવીએ ગુસ્સામાં ફોન કાપી નાખ્યો હતો.
આ કિસ્સો શેર કરતા માનવીએ જણાવ્યું હતું કે, એ સમયે હું ખૂબ જ ડરી ગઈ હતી અને ધ્રૂજી રહી હતી, પરંતુ તેણે પોતાના સ્વાભિમાન સાથે કોઈ બાંધછોડ ન કરી. બોલીવૂડમાં મી-ટુ મૂવમેન્ટ બાદ ઘણા કલાકારો પોતાની સાથે થયેલાં આવા દુર્વ્યવહાર વિશે ખુલીને વાત કરી રહ્યા છે, જેમાં માનવીનો આ ખુલાસો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.