Wed Sep 02 2026

Logo

મિત્રની હત્યાના કેસમાં આઠ વર્ષ બાદ શખસ નિર્દોષ જાહેર

2026-06-17 17:51:00
Author: Yogesh D. Patel
મિત્રની હત્યાના કેસમાં આઠ વર્ષ બાદ શખસ નિર્દોષ જાહેર

થાણે: થાણે સેશન્સ કોર્ટે 2018માં મિત્રની હત્યા કરવાના આરોપનો સામનો કરી રહેલા 53 વર્ષના શખસને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે. જજ આર.ડી. સાવંતે મંગળવારે સંભાજી હરિભાઉ ધોકરેને નિર્દોષ છોડ્યો હતો.

તપાસકર્તા પક્ષના જણાવ્યા મુજબ 30 જાન્યુઆરી, 2018ના રોજ કલવા વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ નજીક થયેલા વિવાદ દરમિયાન સંભાજી ધોકરેએ રાજેશ ચંદ્રકાંત કદમ પર પથ્થર ફેંક્યો હતો, જેમાં કદમના માથામાં ઇજા થઇ હતી અને 11 ફેબ્રુઆરી, 2018ના રોજ જે. જે. હોસ્પિટલમાં કદમનું મૃત્યુ થયું હતું.

જજે નોંધ્યું હતું કે કોઇ સાક્ષીદાર નહોતા. વધુમાં તપાસકર્તા પક્ષ પોસ્ટમોર્ટમ કરનારા મેડિકલ ઓફિસરની તપાસ કરવામાં નિષ્ફળ ગયો હતો.કોર્ટે પુરાવા તરીકે હોસ્પિટલમાં મૃતક દ્વારા આપવામાં આવેલા નિવેદનને પણ ફગાવી દીધું હતું. નિવેદન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યું નહોતું અને તેને મેડિકલ ઓફિસરનું કોઇ સમર્થન નહોતુ. આથી તેને ડાઇંગ ડેક્લરેશન તરીકે ન ગણી શકાય, એમ કોર્ટે કહ્યું હતું.

પાંચ વર્ષ જેલમાં વિતાવનારા ધોકરે શંકાનો લાભ મળવાને પાત્ર કોર્ટે હોવાનું જણાવ્યું હતું અને તેને તમામ આરોપમાંથી મુક્ત કર્યો હતો. (પીટીઆઇ)