પેરિસ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. G7 સમિટમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની આકરી ટીકા કરી અને કહ્યું કે ઇઝરાયેલ દ્વારા લેબનાનમાં કરવામાં આવેલા હુમલા બિનજરૂરી હતા. ટ્રમ્પની નેતન્યાહુ પ્રત્યેની નારાજગી એ હદે વધી ગઈ છે કે તેમણે ઇઝરાયેલી વડાપ્રધાનને 'ક્રેઝી' કહી દીધા છે. G7 શિખર સંમેલન દરમિયાન ટ્રમ્પે ત્યાં સુધી કહી દીધું કે તેમના વિના ઇઝરાયેલનું અસ્તિત્વ જ ન હોત. ટ્રમ્પે આ વાત G7 શિખર સંમેલન દરમિયાન કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથેની વાતચીતમાં કહી હતી.
તેમણે કહ્યું કે ઇઝરાયેલના અસ્તિત્વ અને તેની સુરક્ષામાં અમેરિકાની ભૂમિકા નિર્ણાયક રહી છે. તેમના નેતૃત્વ વિના ઇઝરાયેલની સ્થિતિ નબળી થઈ શકતી હતી, કારણ કે અન્ય કોઈ રાષ્ટ્રપતિ એવા પગલાં ભરવા તૈયાર નહોતા જે તેમણે (ટ્રમ્પે) ભર્યા હતા.
લેબનાન પર નેતન્યાહુને આપી ચેતવણી
અમેરિકી રાષ્ટ્રપતિએ નેતન્યાહુને લેબનાનમાં ઇઝરાયેલના હુમલાઓને લઈને વધુ સાવચેતી રાખવા જણાવ્યું. ટ્રમ્પે કહ્યું કે આ હુમલાઓથી ઈરાન સાથે શાંતિ સમજૂતીના પ્રયાસો પર અસર પડી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે નેતન્યાહુ સાથે તેમના સંબંધો હજુ પણ સારા છે, પરંતુ તેમણે તેમને વધુ સંયમ રાખવાની સલાહ આપી.
તેમણે વધુમાં કહ્યું કે તેમણે ઇઝરાયેલને સલાહ આપી હતી કે હિઝબુલ્લાહને કંટ્રોલ કરવાની જવાબદારી સીરિયાને સોંપવામાં આવે, અને તેમનું માનવું છે કે “સીરિયા કદાચ આ કામ વધુ સારી રીતે કરી શકે છે.”
ગયા વર્ષ સુધી નેતન્યાહુ પોતે ટ્રમ્પને 'વ્હાઇટ હાઉસમાં ઇઝરાયેલના સૌથી મોટા મિત્ર' ગણાવી ચૂક્યા છે. બંનેએ મળીને ઈરાન સામે સંઘર્ષ શરૂ કર્યો હતો. પરંતુ હવે ટ્રમ્પ ઈરાન સાથે ડીલ કરવા માટે આતુર છે. આ ડીલ શુક્રવારે જિનીવામાં થવાની છે.
નેતન્યાહુ પર નારાજગીનું કારણ સ્થાનિક રાજકારણ પણ છે. અમેરિકામાં યુદ્ધને પસંદ કરનારા લોકો ઓછા છે અને ગેસોલિન (પેટ્રોલ)ના ભાવ વધી ગયા છે. ટ્રમ્પ પર દબાણ છે કે તેઓ યુદ્ધનો અંત લાવે.
લેબનાન અને હિઝબુલ્લાહ સામેની કાર્યવાહીની ગતિ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે આ સંઘર્ષ ઘણો લાંબો ખેંચાઈ રહ્યો છે. તેમના મતે, આ વિલંબથી વ્યાપક પ્રાદેશિક સમજૂતી અને ખાસ કરીને ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત પર નકારાત્મક અસર પડી શકે છે. જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું કે ઈરાનની સરખામણીમાં લેબનાનનો સંઘર્ષ નાની બાબત છે.