Mon Jul 27 2026

Logo

પેપર લીકથી માંડી ગુરુકુળની લીકપ્રૂફ વ્યવસ્થા સુધી...

2026-07-27 09:46:00
Author: Mukesh pandya
Article Image

મુકેશ પંડ્યા

ગુરુના માર્ગદર્શન હેઠળ જ્યારે શિષ્ય પૂર્ણત્વને પામે ત્યારે જ સાચી ગુરુપૂર્ણિમા ઉજવી કહેવાય.

પરમ દિવસે ગુરુપૂર્ણિમા છે ત્યારે વૈદિક યુગની ગુરુ-શિષ્ય પરંપરા અને આજના શિક્ષણની સરખામણી કરવી ખરેખર પ્રાસંગિક અને જીવનોપયોગી બની રહેશે. 

તાજેતરમાં જ ગુરુપૂર્ણિમા નિમિત્તે મુંબઈ યુનિવર્સિટી (કાલીના)ના ગુજરાતી પ્રોફેસર ડોકટર હાર્દિક ભટ્ટ (એમ.એ. પી.એચ. ડી) સાથે વાર્તાલાપ કરવાનો મોકો મળ્યો ત્યારે તેમણે વૈદિક યુગની ગુરુકુળ શિક્ષણપ્રથા અને આજની શિક્ષા વ્યવસ્થા વચ્ચે કેવા તફાવત છે એની સુંદર ચર્ચા કરી. 

તેઓ કહે છે કે દર વર્ષે ગુરુપૂર્ણિમા આવે છે. આપણે ગુરુને વંદન કરીએ છીએ, પુષ્પ અર્પણ કરીએ છીએ, પ્રવચનો સાંભળીએ છીએ; પરંતુ ભાગ્યે જ એ પ્રશ્ન પૂછીએ છીએ કે શું આજે આપણા શિક્ષણમાં ગુરુતત્ત્વ બચ્યું છે?

ભારતની પ્રાચીન ગુરુકુળ પરંપરા માત્ર ભણાવવાની પદ્ધતિ નહોતી; તે જીવન જીવવાની કળાનું વિશ્વવિદ્યાલય હતી. ત્યાં શિક્ષણનો હેતુ માત્ર વિદ્વાન બનાવવાનો નહોતો, પરંતુ વિનમ્ર, સંસ્કારી, સંયમી અને જવાબદાર મનુષ્ય ઘડવાનો હતો. આજનું શિક્ષણ જ્ઞાન આપે છે, પરંતુ જીવનનો અર્થ સમજાવતું નથી.

પ્રાચીન ગુરુકુળમાં શિક્ષણનું કેન્દ્ર ગુરુનું વ્યક્તિત્વ હતું; આજે શિક્ષણનું કેન્દ્ર માત્ર ફી અને પાઠ્યક્રમ બની ગયો છે. ત્યાં ગુરુ શિષ્યને માત્ર શાસ્ત્ર જ નહોતો શીખવતો; તે પોતાનું જીવન શીખવતો હતો. આજે શિક્ષક પાસે વિષયનું જ્ઞાન છે, પરંતુ સમયની મર્યાદાઓએ અને આપણી શિક્ષણ તેમ જ સમાજ વ્યવસ્થા એ ગુરુ-શિષ્યના આત્મીય સંબંધને સાવ સંકુચિત કરી દીધો છે.

અત્યારે ‘નીટ ’ પરીક્ષામાં પેપર ફૂટવાને મામલે દેશમાં હોબાળો મચી રહ્યો છે ત્યારે પરીક્ષા લેવા બાબતે તેઓ જણાવે છે કે, ગુરુકુળમાં પરીક્ષા માત્ર  વર્ષના અંતે નહોતી લેવાતી પરંતુ વિદ્યાર્થીનું  દરરોજનું જીવન જ તેની પરીક્ષા હતી. શિષ્યના ગુણ તેની વિનમ્રતા, સેવા, ચારિત્ર્ય  સત્યનિષ્ઠા, મૂલ્યનિષ્ઠા અને સ્વાનુશાસનથી માપવામાં આવતા. આજે સફળતાનું માપદંડ માત્ર ગુણપત્રક, ડિગ્રી અને પેકેજ બની ગયું છે.

ટેક્નોલોજીએ શિક્ષણને ઝડપ આપી છે, પરંતુ ઝડપ હંમેશાં ઊંડાણ આપતી નથી. 

અહીં હાર્દિક સરે ‘ગુણ’ શબ્દ વાપર્યો છે એે કેટલો ઉચિત શબ્દ છે. ગુરુકુળમાં શિષ્યના સાંનિધ્યમાં રહી તેના ગુણ -  અવગુણને પારખીને તેનું જીવન કંડારવામાં આવતું. જ્યારે આજે કાગળ પર પરીક્ષા લેવાય છે અને કાગળ પર જ માર્ક આપી દેવાય છે. વિદ્યાર્થીના ગુણ - અવગુણ સાથે આ માર્કશીટને કોઈ લેવા દેવા નથી હોતા. અરે વિદ્યાર્થી અને પરીક્ષકો એકબીજાને જાણતા પણ નથી હોતા. પેપરમાં જે લખ્યું હોય તે સાચું પછી એ ગોખીને લખ્યું હોય કે ચોરી કરીને લખ્યું હોય.

પ્રોફેસર વધુમાં કહે છે કે સાવ એવું નથી કે પ્રાચીન પદ્ધતિમાં બધું જ સંપૂર્ણ હતું અથવા આધુનિક શિક્ષણમાં બધું જ ખોટું છે. પરંતુ આ બન્નેનો યોગ્ય સમન્વય અતિ આવશ્યક છે. આધુનિક વિજ્ઞાન, સંશોધન, ટેક્નોલોજી અને વૈશ્વિક દૃષ્ટિ વિના આજનો વિકાસ શક્ય નથી પરંતુ વિકાસ ત્યારે જ કલ્યાણ બને, જ્યારે તેની સાથે સંસ્કાર અને સત્યનિષ્ઠા અને પ્રામાણિકતા જોડાય.

આજની સૌથી મોટી જરૂરિયાત નવી શિક્ષણ પદ્ધતિ નહીં, પરંતુ શિક્ષણમાં ગુરુકુળના આત્માનું પુન:જાગરણ છે. સ્માર્ટ ક્લાસરૂમ સાથે સંસ્કાર, કૃત્રિમ બુદ્ધિમત્તા સાથે આત્મબુદ્ધિ, અને કારકિર્દી સાથે કર્તવ્યબોધ જોડાશે ત્યારે જ શિક્ષણ સાર્થક અને પૂર્ણ કહેવાશે.

ગુરુપૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે ગુરુ માત્ર પાઠ ભણાવતો નથી; તે જીવનને દિશા આપે છે. શિક્ષક માહિતી આપી શકે, પરંતુ ગુરુ જ ચેતનાને જાગૃત કરી શકે.

વાત તો સાચી છે. અગાઉ  વિદ્યાર્થીના માત્ર આર્થિક ઉપાર્જન જ નહી પરંતુ તેના તન, મન અને આત્માના વિકાસ તરફ ધ્યાન અપાતું હતું. 

તેઓ કહે છે કે ‘શાળાના શિક્ષક આપણને જીવનનિર્વાહ શીખવે છે, જ્યારે ગુરુ જીવનના  નિર્વાહની સાથે સાથે  જીવનના નિર્વાણની કળા પણ શીખવે છે. ડિગ્રી ભૌતિક સફળતા અપાવી શકે, પરંતુ ગુરુતત્ત્વ પાસેથી મળેલી સાચી વિદ્યા જ મનુષ્યને મહાન બનાવે છે.’
અંતે તેઓ ગુરુકુળ વ્યવસ્થા અને આધુનિક શિક્ષણ વચ્ચેના નીચે મુજબના સાત મુખ્ય તફાવતો લખીને આપે છે તે ખરેખર વિચારણીય છે.

1) શિક્ષણનું લક્ષ્ય - 

ગુરુકુળ: મનુષ્યનું સર્વાંગી ઘડતર, ચરિત્ર, સંયમ, કર્તવ્ય અને આત્મજ્ઞાન.

આધુનિક શિક્ષણ: વ્યવસાય, રોજગાર, સ્પર્ધા અને આર્થિક સફળતા.

2) ગુરુ-શિષ્ય સંબંધ - 

ગુરુકુળ: આત્મીય, પારિવારિક અને જીવનપર્યંત.

આધુનિક શિક્ષણ : મોટાભાગે ઔપચારિક અને વર્ગખંડ પૂરતો.

3) જ્ઞાનની દૃષ્ટિ - 

ગુરુકુળ : જ્ઞાન એટલે જીવન જીવવાની કળા.

આધુનિક શિક્ષણ: જ્ઞાન એટલે માહિતી અને કુશળતા.

4) મૂલ્યાંકન પદ્ધતિ

ગુરુકુળ: જીવન, વર્તન અને આચરણ દ્વારા.

આધુનિક શિક્ષણ : પરીક્ષા, ગુણ અને પ્રમાણપત્ર દ્વારા.

5) જીવનમૂલ્યો

ગુરુકુળ:વિનય, સેવા, નિષ્ઠા, ત્યાગ, સંયમ અને સ્વાનુશાસન.

આધુનિક શિક્ષણ : કાર્યક્ષમતા, સ્પર્ધા અને સિદ્ધિ.

6) શિક્ષણનું માધ્યમ

ગુરુકુળ: નીરીક્ષણ, અનુભવ, પ્રકૃતિ, સંવાદ અને સાધના.

આધુનિક શિક્ષણ : પુસ્તકો, ટેક્નોલોજી અને ડિજિટલ સાધનો.

7)શિક્ષકની ભૂમિકા

ગુરુકુળ: ગુરુ જીવનનો દીપસ્તંભ હતો.

આધુનિક શિક્ષણ : શિક્ષક મુખ્યત્વે વિષય નિષ્ણાત અને માર્ગદર્શક.

અંતે જ્ઞાન અને માહિતી વચ્ચેનો તફાવત જણાવતા તેઓ કહે છે કે ફક્ત માહિતીના વિસ્ફોટ વચ્ચે મનુષ્ય આંતરિક રીતે વધુ અશાંત, અસહિષ્ણુ અને એકલો બનતો જાય છે. કારણ કે માહિતી મગજને સમૃદ્ધ બનાવે છે, જ્યારે સાચુ જ્ઞાન અને મૂલ્યો આત્માને સમૃદ્ધ બનાવે છે.

ગુરુકુળ સમયનું આવું મૂલ્યલક્ષી જ્ઞાન અત્યારે માત્રને માત્ર રોજગાર લક્ષી બની ગયું છે. આવી શિક્ષણ પ્રથામાં ‘લીકેજ’ને સ્થાન મળી જાય છે પરંતુ ગુરુકુળ પ્રથા વિદ્યાર્થીના જીવનને લીકપ્રૂફ બનાવીને સર્વાંગી વિકાસ તરફ દોરી જાય છે. પૂર્ણત્વ તરફ લઈ જાય છે. પહેલા ચારિત્ર્ય ઘડતર અને પછી જ્ઞાન એ ગુરુકુળ પરંપરાનો મોટો સંદેશ હતો એટલે એમાં લીકેજને કોઈ સ્થાન ન હતું. આજના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને રાજકારણીઓએ ગુરુકુળ પ્રથા વિશે પુન: વિચારણા કરવી જ રહી. માત્ર અધકચરુ જ્ઞાન નહીં પરંતુ પૂર્ણતા પ્રાપ્ત થાય એ જ સાચી વિદ્યા.