Mon Jul 27 2026

Logo

હિન્દુઓના પવિત્ર ચાર ધામમાંનું એક બદરીનાથ

2026-07-27 10:12:00
Author: Umesh Trivedi
Article Image

 

ઉમેશ ત્રિવેદી

બદરીનાથ મંદિર બદરીનારાયણ મંદિર તરીકે પણ ઓળખાય છે. આ હિન્દુ લોકોની આસ્થાનું મંદિર છે અને અહીં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ઉતરાખંડના ચમૌલી જિલ્લામાં આ મંદિર આવેલું છે. હિમાલયમાં આવેલા પવિત્ર સ્થળમાંનું મંદિર અહીંની આબોહવાને કારણે માત્ર છ જ મહિના ખુલ્લું રાખવામાં આવે છે. એપ્રિલ મહિનાથી અહીં દર્શનની શરૂઆત થાય છે તે નવેમ્બર મહિનાની શરૂઆત સુધી. ત્યાર પછી અહીં પહોંચવું ખૂબ જ મુશ્કેલ હોય છે. અહીં નવેમ્બર મહિનાથી બરફવર્ષા થવા લાગે છે અને પછી તો ચારેતરફ માઇનસ 15થી 20 ડિગ્રી તાપમાન થઇ જાય છે, જેથી અહીં પહોંચવું જ મુશ્કેલ થઈ જાય છે.

આ મંદિર ગઢવાલ હિમાલય પર્વતમાળામાં આવેલું છે અને અલકનંદા નદીના કિનારે છે. એ દરિયા કિનારાની સપાટીથી 3,133 મીટર (આશરે 10,279 ફૂટ)ની ઊંચાઇએ આવેલું છે. આ મંદિરની સામે પર્વત કાયમ હિમાચ્છાદિત હોય છે એટલે અહીં જ્યારે દર્શન ખુલે છે ત્યારે છ મહિના દરમિયાન પણ ખૂબ જ ઠંડી હોય છે.

નવમી સદીમાં એટલે કે આજથી 1,200 વર્ષ પહેલાં આદિશંકરાચાર્યે આ યાત્રાસ્થળની સ્થાપના કરી છે એમ કહેવાય છે. આ મંદિરના ત્રણ ભાગ છે, જેમાં ગર્ભગૃહ, દર્શન મંડપ અને સભા મંડપનો સમાવેશ થાય છે. અહીં નવા ગર્ભગૃહની છત લગભગ 15 મીટર (49 ફૂટ) ઊંચી છે. અહીં અદ્ભુત નકશીકામ જોવા મળે છે, જેમાં સોનાની કારીગરી પણ જોઇ શકાય છે. અહીં (બદરીનારાયણની જે મૂર્તિ છે તે એક જ શાલીગ્રામ (કાળાપત્થર)માંથી કોતરીને તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિ માત્ર એક જ ફૂટની છે. આ મૂર્તિને ચાર હાથ છે, જેમાંથી એક હાથમાં પંચજન્ય શંખ છે અને બીજા હાથમાં સુદર્શન ચક્ર છે. જ્યારે આગળના બે હાથ યોગમુદ્રામાં જોડાયેલા છે. અહીંના સભામંડપમાં કુબેર, ઉદ્ધવ, નર અને નારાયણ, લક્ષ્મીજી, ઘંટાકર્ણ, ભગવાન વિષ્ણુના વાહન ગરૂડ અને નવ દુર્ગાની મૂર્તિઓ છે.

આ બદરીનાથ મંદિરનો વિષ્ણુપુરાણ અને સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે. અહીંની સ્થાનિક લોકવાયકા મુજબ અહીં જે બદરીનારાયણની મૂર્તિ છે એ નારદ દ્વારા સ્થાપવામાં આવી છે. પણ થોડાં વર્ષો પછી અહીં બૌદ્ધ ધર્મની બોલબાલા શરૂ થઇ તો બદરીનારાયણની મૂર્તિ હટાવી લેવામાં આવી અને મંદિર નજીક આવેલાં તૃપ્ત કુંડમાં તે પધરાવી દેવામાં આવી. થોડાં વર્ષો બાદ અહીં આદિ શંકરાચાર્ય આવ્યા અને તેમણે બૌદ્ધધર્મીઓને અહીંથી હાંકી કાઢ્યા અને તૃપ્ત કુંડમાંથી બદરીનારાયણની મૂર્તિ પાછી મેળવીને તેની સ્થાપના કરી હતી.

અહીં રહેલો તૃપ્ત કુંડ પણ એક આશ્ર્ચર્યથી જરાય ઓછો નથી. અહીંનું પાણી અનેક રોગ પર અસર કરે છે એમ કહેવાય છે. આ તૃપ્ત કુંડનું પાણી 55 સેન્ટીગ્રેડ (131 ફેરનહીટ) જેટલું ગરમ જ રહે છે. મંદિરમાં બીજા બે કુંડ પણ આવેલાં છે, જે નારદકુંડ અને સૂર્યકુંડ તરીકે ઓળખાય છે.

અહીં વારંવાર હિમપ્રપાત થાય છે અને અહીંનું હવામાન ખૂબ જ અનિશ્ર્ચિતતાથી ભરેલું હોય છે, તેનાં પરિણામે આ મંદિરનો એક વાર ર્જીણોદ્ધાર કરવામાં આવ્યો છે. 17મી સદીમાં ગઢવાલના રાજાએ આ મંદિરનો વ્યાપ વધાર્યો હતો. 183માં ગઢવાલ વિસ્તારમાં ખૂબ જ વિનાશક ધરતીકંપ આવ્યો હતો, ત્યારે આ મંદિરને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ જયપુરના રાજાએ આ મંદિરનો ર્જીણોદ્ધાર કર્યો હતો. પણ પહેલાં જયપુરના રાજાએ આ મંદિરનો ર્જીણોધાર કર્યો હતો. 1870 સુધી આ એક નાનકડું ગામડું જ હતું. અહીં મંદિર અને બીજી 20 જેટલી ઝૂંપડીઓ જ હતી, તે સમયે અહીં દર્શન માટે માત્ર સાતથી 10 હજાર લોકો જ આવતા હતા.

2006ની સાલમાં રાજ્ય સરકારે બદરીનાથની આસપાસ કોઇ પણ પ્રકારના બાંધકામ પર મનાઇ ફરમાવી હતી, જેથી અનધિકૃત બાંધકામ ઊભા ન થાય.

આ મંદિરનો ઉલ્લેખ ભગવતપુરાણ, સ્કંદ પુરાણ અને મહાભારતમાં પણ જોવા મળે છે, જૂન મહિનામાં અહીં બદરી-કેદાર ઉત્સવ મનાવવામાં આવે છે. જેમાં બદરીનાથ અને કેદારનાથ મંદિર સહભાગી થાય છે. આ મહોત્સવ આઠ દિવસ ચાલે છે અને ત્યારે ભારતભરના કલાકારો અહીં પોતાની કલા રજૂ કરવા આવે છે.

શિયાળો શરૂ થતાં જ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આ મંદિર દર્શન માટે છ મહિના બંધ કરવામાં આવે છે. મંદિર બંધ કરવાના સમયે અહીંના અખંડ દિવામાં છ મહિના ચાલે એટલું ઘી પૂરવામાં આવે છે, તે દિવસે ખાસ પૂજા કરવામાં આવે છે અને મંદિરના મુખ્ય પૂજારી બદરીનાથની મૂર્તિ આ મંદિરથૂ 64 કિલોમીટર દૂર આવેલાં જ્યોર્તિમઠમાં લઇ જાય છે. છ મહિના પછી અક્ષયતૃતીયા (અખાત્રીજ)ના દિવસે મંદિર ખોલવામાં આવે છે, ત્યારે મંદિરમાં અખંડ જ્યોતના દર્શન કરીને મૂર્તિની ફરી સ્થાપના કરવામાં આવે છે.

બદરીનાથનું મંદિર ઉત્તર પ્રદેશ સરકારના કાયદા 30/1948 હેઠળ અને કાયદા 16/1939 હેઠળ આરી લેવામાં આવ્યું છે અને આ કાયદાને શ્રી બદરીનાથ અને શ્રી કેદારનાથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

આ મંદિર ઉત્તર ભારતમાં આવેલું છે, પણ આ મંદિરના મુખ્ય પૂજારી રાવલ હોય છે, જે દક્ષિણ ભારતમાં આવેલા કેરળમાંના નામ્બુદિરી બ્રાહ્મણ છે. આ પ્રથા આદિ શંકરાચાર્ય દ્વારા શરૂ કરવામાં આવી છે એમ મનાય છે. આ મંદિરના પૂજારી પાસે સંસ્કૃત ભાષાની આચાર્યની પદવી હોવી જરૂરી છે. આ મંદિરના પૂજારી દરરોજ સવારે ચાર વાગ્યે અભિષેકથી પોતાની સેવાની શરૂઆત કરે છે. આ પૂજીરીએ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. અને એપ્રિલથી નવેમ્બર સુધી તેમને આ સેવા કરવાની હોય છે.

2012થી મંદિરના વહીવટીતંત્રે અહીં દર્શન માટે ટોકનની વ્યવસ્થા કરી છે. આ મંદિરમાં દર્શન કરવા આવનારા યાત્રાળુઓને 15થી 20 સેક્ધડનો સમય ફાળવવામાં આવે છે. દરરોજ અહીં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

બદરીનાથના યુવા મિત્ર મંડળ દ્વારા તાજેતરમાં વસઇમાં બદરીનાથનું મંદિર ખોલવામાં આવ્યું છે, જે ઉત્તરાખંડના બદરીનાથ ધામ જેવું જ હૂબહૂ બનાવવામાં આવ્યું છે.