Wed Jun 17 2026

Logo

ઈરાને 7 ઘા એવા માર્યા કે અમેરિકા ક્યારેય નહીં ભૂલી શકે, ઈરાને છેલ્લી ક્ષણે શું બચાવી લીધું?

Tehran   2026-06-17 16:32:00
Author: mumbai samachar team
Article Image

તેહરાનઃ યુદ્ધના મેદાને ઊતર્યા બાદ ઘા વાગે પણ ખરા અને ઘા મારવો પણ પડે. જે શક્તિશાળી હોય એ જીતે એવો સીધો અને સરળ નિયમ દુનિયાના કોઈપણ યુદ્ધમેદાનમાં લાગુ પડતો હોય છે. છલકપટથી થયેલી જીત હંમેશા મુશ્કેલીમાં મૂકી દે છે. મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધમાં પૂર્ણવિરામ લાગી ચૂક્યું છે. એક લાંબા સમય સુધી એકબીજાને ઘા માર્યા બાદ બન્ને દેશ સમજૂતી પર આવીને અટક્યા હતા. એવામાં પાકિસ્તાન વચ્ચે મોટો ભા થયો પણ કોઈ નીવેડો ન આવતા વૈશ્વિક સ્તરે એની ખરડાયેલી છબી પર વધારે લાંછન લાગી ગયું. ઈરાન-અમેરિકાના યુદ્ધને હવે જીનેવામાં અંતિમ રૂપ આપવામાં આવી શકે છે.મહિનાઓ સુધી યથાવત રહેલી આ જંગમાં ઈરાને સાત ઘા એવા માર્યા છે જેને અમેરિકા ક્યારેય ભૂલી નહીં શકે. 

અસ્તિત્વનો જંગ ખેલવા ઊતર્યો
અમેરિકા-ઈઝરાયલે સંયુક્ત પણે ઈરાન પર હવાઈ હુમલા કર્યા હતા. ડ્રોનથી હુમલા પણ કર્યા હતા. ઈરાનની સૈન્યશક્તિનો ખાતમો બોલાવવાનું લક્ષ્ય હતું એવામાં સૌથી વધારે નુકસાન હોર્મુઝમાંથી પસાર થતા જહાજને થઈ રહ્યું હતું.અમેરિકા ઈરાનના પરમાણું કાર્યક્રમને ખતમ કરવાના ઈરાદે જંગમાં ઊતર્યો હતો, ક્ષેત્રીય પ્રભાવને ઓછો કરવાનું લક્ષ્યાંક હતું. આ સાથે ઈસ્લામિક રીપબ્લિકની સત્તાને પણ ઉખાડી ફેંકવાનું હતું. નુકસાનની વાત કરવામાં આવે તો ઈરાનને સૌથી વધારે નુકસાન થયું છે. અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે મારેલા ઘા થી ઈરાનને બેઠું થતા હજું વર્ષો જશે. ઈરાનની ઈકોનોમી ડાઉન થઈ, નેતૃત્વને પણ નુકસાન થયું. પણ ઈરાને ટકી રહેવા માટે મરણીયા પ્રયાસ કર્યા, મિસાઈલ કાર્યક્રમ સુરક્ષિત રાખવા, વિસ્તાર પર દબદબો યથાવત રાખવામાં ઈરાન સફળ થયો.નિષ્ણાંતો આને પૂર્ણ હાર પણ નથી માનતા કે પૂર્ણ જીત પણ નથી માનતા. ઈરાનની લોખંડી ઈચ્છાશક્તિની નોંધ લેવાઈ રહી છે. 

પરમાણું કાર્યક્રમથી USને પેટમાં દુખ્યું
આ યુદ્ધા કારણે સૌથી મોટો ફટકો અમેરિકાને એ લાગ્યો કે, પરમાણું કાર્યક્રમને લઈને એની ઈચ્છા પૂરી ન થઈ. અમેરિકા ઈરાનને પરમાણું હથિયાર બનાવવાથી રોકવા માગતો હતો.આ યુદ્ધ દરમિયાન ઈરાને આંતરરાષ્ટ્રીય મોનિટરિંગ સિસ્ટમ પર સવાલ કરી દીધા. પરિણામ એ આવ્યું કે, અનેક એવી મોનિટરિંગ સિસ્ટમ પર આશંકા અને પ્રશ્નોના તીરે પ્રભાવ વધારી દીધો. જેમાં સીધી અસર અમેરિકાને થઈ. હુમલા કરીને હડપ કરવાના ઈરાદે ઊતરેલો અમેરિકા યુરેનિયમનો એક કટકો પણ પોતાની સાથે લઈ જઈ શક્યો નહીં. નવી શાંતિ પ્રક્રિયામાં પરમાણું સંવર્ધનનો મુદ્દો આગામી 60 દિવસ સુધી વાતચીત પર આવીને લંબાયો. હજુ સુધી આ વિષયનો નીવેડો આવ્યો નથી. 

USની તિજોરી ખાલી થઈ ગઈ
યુદ્ધ શરૂ થયું એ સમયે અમેરિકાને એવી આશા હતી કે, ઓછામાં ઓછા સમયમાં અને ઓછા ખર્ચામાં ઈરાનની કમર તૂટી જશે. પણ એવું થયું નહીં. યુદ્ધ શરૂ થયા બાદ સ્થિતિ બદલી ગઈ. ક્રૂડ ઓઈલની કિંમત વધી એની અસર અમેરિકાને પણ થઈ, વૈશ્વિક માર્કેટમાં અમેરિકા ટીકા-ટીપ્પણીનું પાત્ર બન્યો. અમેરિકી સૈનિક અને સૈન્ય ઠેકાણા પરનું જોખમ વધ્યું. એ પછી ઈરાનમાં પુનઃનિર્માણ માટે 300 અબજ ડૉલર તથા આંતરમાળખા માટે રોકાણની વાત આવી.જે ગણતરી અમેરિકાએ હુમલો કરતા પહેલા વિચારી હતી એ તમામ ગણતરીઓ ખોટી પડી ગઈ. વધારાનો 300 અબજ ડૉલરનું રોકાણ ફંડ એ વાતનો સંકેત છે કે, યુદ્ધનો આર્થિક માર માત્ર ઈરાન પર જ નથી. અમેરિકાની તિજોરી પણ ખાલી થઈ છે. 

સહયોગી દેશ રિસાયા
અમેરિકાના સહયોગી દેશ સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત, કતાર, દુબઈ જેવા સાથી દેશને ખાતરી આપી હતી કે, આ અભિયાનથી તેમને સુરક્ષા મળી રહેશે. પણ યુદ્ધ શરૂ થયા બાદ એવું થયું નહીં, ઈરાને વળતા પ્રહાર કર્યા એમાં દુબઈ સુધી ઘા મારી દીધા. અમેરિકી કબજા હેઠળ આવતા અનેક એવા મહત્ત્વના ઠેકાણા પર ટાર્ગેટ કરીને ધ્વંસ કરી નંખાયા. એક મોટું જોખમ પેદા થયું. અખાતી દેશને પહેલીવાર એવો અનુભવ થયો કે, અમેરિકાની કથની અને કરણીમાં ઘણો ફેર છે. સુરક્ષા આપવામાં તે નિષ્ફળ સાબિત થયો. આ જ કારણે પાકિસ્તાન મોટુ ભા થવા મેદાને ઊતર્યો અને અમેરિકાની પડખે શાંતિથી ઊભો રહ્યો પણ પરિણામ શૂન્ય થઈ ગયું અને વૈશ્વિક સ્તર પર ફજેતી થઈ એ નોખી.બીજી તરફ અમેરિકાની ઈચ્છા હોર્મુઝની હતી. દુનિયાની સૌથી મોટી અને મહત્ત્વની ઊર્જા સપ્લાય સંપૂર્ણ રીતે સુરક્ષિત થઈ જાય એવી ઈચ્છા હતી. પણ યુદ્ધના પહેલા જ દિવસે ઈરાને કબજો બળવાન કરીને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી નાંખ્યું. 

અમેરિકાની રણનીતિ ખોટી પડી
આના કારણે અનેક તેલ, ક્રૂડ, ઓઈલ અને ગેસના ટેન્કર પર અસ્થાયી બ્રેક લાગી ગઈ, જેની સીધી અસર પહેલા એશિયાના દેશ અને પછી સમગ્ર દુનિયા પર પડવા લાગી. પછી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો. અમેરિકાએ સૈન્ય સ્તરેથી પીછેહટ કરવું પડ્યું. બન્ને દેશ સૌથી લાંબા અને મહત્ત્વના જળરૂટને લઈને વટ પર ઊતર્યા. પછી હોર્મુઝ યુદ્ધના કારણે નહીં પણ કુટનીતિના કારણે ખોલવું પડ્યું. અમેરિકાનો પહેલો ટાર્ગેટ ઈરાનના મિસાઈલ સ્ટોકને ખતમ કરવાનો હતો. ઈઝરાયલ અને અમેરિકા એવું માનતા હતા કે, પહેલીવાર ઘા મારીને મિસાઈલ સિસ્ટમ ખતમ કરી નાંખીશું. પણ એવું બિલકુલ થયું નહીં. ઈરાનનો અંડરગ્રાઉડ એરિયા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહ્યો. મિસાઈલ સિટીથી ઓળખાતો આ વિસ્તાર સિક્યોર કર્યા બાદ ઈરાને વળતા પ્રહાર કર્યા, ઈઝરાયલ અને અમેરિકા કરતા બાકીના અખાતી દેશને પણ નુકસાન પહોંચાડી દીધું. શાંતિ વાર્તામાં બેલેસ્ટિક મિસાઈલ ખતમ કરવાની વાતનો છેદ ઉડી ગયો. 

અમેરિકાને ન મળી સફળતા
ઈરાનના જે હથિયાર પર અમેરિકાની સૌથી પહેલા નજર હતી એ હથિયાર જ સૌથી વધારે સુરક્ષિત રહ્યું અને અમેરિકાની નજરથી ક્યાંય દૂર ખસી ગયું. શરૂઆતમાં સતત હુમલા કરીને અમેરિકાનો હેતુ સત્તા પલટાવી દેવાનો હતો.આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સહિત કદાવર ગણાતા અધિકારીઓ માર્યા ગયા. પણ સત્તા પલટાવવાનો મુદ્દો આકાર પામ્યો જ નહીં. ટ્રમ્પને આશા હતી કે, સત્તા પરિવર્તન થશે અને નવા નેતાને ફસાવવામાં તેઓ સફળ થશે. પણ એવું થયું નહીં. સત્તાની સાથે સિસ્ટમ મજબૂત બની અને અમેરિકાને કાઠું પડ્યું. ઈસ્લામી સંગઠન મજબૂત થયું અને સત્તા પર વધારે સુરક્ષા લાગુ કરી દેવામાં આવી. શાસનમાં પોતાના વ્યક્તિની વાત પર અમેરિકાનું લક્ષ્ય અધુરૂ રહી ગયું. આર્થિક સંકટ, ક્રૂડ ઓઈલના વધેલા ભાવ, મોંઘવારી, બેરોજગારી અને સપ્લાય ચેઈનને લઈને દુનિયાભરમાંથી અમેરિકાનો વિરોધ થયો. અમેરિકાને આશા હતી કે, સૈન્ય દબાણને કારણે ઈરાન શરણે આવી જશે પણ એવું ન થયું. ગર્લ્સ સ્કૂલ પાસે હુમલો કરાતા આખો દેશ અમેરિકાની વિરોધમાં ઊભો થઈ ગયો. ઈરાનના નાગરિકોની પણ રાષ્ટ્રીય ભાવના મજબૂત થઈ ગઈ.