અમદાવાદઃ કેરળમાં ચોમાસું સમયસર બેઠા બાદ ગુજરાત સહિત દેશભરમાં તેની આતુરતાથી રાહ જોવાતી હતી. પરંતુ હાલ ચોમાસું હાલ ક્યાંક અટકી ગયું છે. ગુજરાતવાસીઓ હાલ અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ચોમાસું ક્યાં પહોંચ્યું છે, કેમ અટક્યું છે અને ગુજરાત-મુંબઈમાં ક્યારે વરસાદ આવશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 'મુંબઈ સમાચાર 'ના ખાસ ટોક શોમાં સચોટ માહિતી આપી છે.
અઠવાડિયાથી એક જ જગ્યાએ સ્થિર છે ચોમાસું
પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, નૈઋત્યનું ચોમાસું હાલ મોન્સૂન બ્રેકની સ્થિતિમાં છે. ચોમાસું કેરળ, કર્ણાટક અને કોંકણ ગોવા થઈને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચ્યા બાદ નિષ્ક્રિય થઈ ગયું છે. જે ચોમાસું 8 જૂન 2026 ના રોજ જે જગ્યાએ હતું, તે 16 જૂન સુધી એક ઇંચ પણ આગળ વધ્યું નથી.
ચોમાસું કેમ અટકી ગયું?
પરેશ ગોસ્વામીએ ચોમાસું અટકવાના મુખ્ય કારણો આપતાં જણાવ્યું, અરબ સાગર તરફથી આવતા પવનોની ગતિ સામાન્ય કરતાં વધુ છે. તેમજ અરબ સાગર કે બંગાળની ખાડીમાં હાલ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી તેથી ચોમાસું ગતિ પકડી શક્યું નથી.
અલનીનો અંગે પરેશ ગોસ્વામીએ શું કરી સ્પષ્ટતા
તેમણે અલનીનો અંગે સ્પષ્ટતાં કરતા જણાવ્યું, ઘણા લોકો ચોમાસું રોકાવવા પાછળ અલનિનોને જવાબદાર ગણે છે, પરંતુ પ્રશાંત મહાસાગરનું તાપમાન હજુ એટલું ઊંચું ગયું નથી. તેથી હાલ અલનીનો સક્રિય નથી અને તેના કારણે ચોમાસું અટક્યું નથી.
ગુજરાતમાં ક્યારે થશે વરસાદ
પરેશ ગોસ્વામી મુજબ, 17-18 જૂનથી ચોમાસાની ફરી હલચલ શરૂ થવાની સંભાવના છે. ગુજરાતમાં વરસાદ મુખ્યત્વે ત્રણ તબક્કામાં (રાઉન્ડમાં) આગળ વધશે. પ્રથમ રાઉન્ડ 17 જૂનથી શરૂ થશે, ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટાં કે સામાન્ય વરસાદ પડશે.
બીજો રાઉન્ડ 22 થી 25 જૂનમાં આવશે. આ સમયગાળામાં ચોમાસું વધુ ઝડપથી આગળ વધશે અને વરસાદનું જોર વધશે. રાજ્યમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ 28 જૂન થી 4 જુલાઈ આવશે. આ રાઉન્ડમાં ખૂબ સારો વરસાદ થશે અને તે ઓલ ઓવર ગુજરાતને કવર કરી લેશે.
મુંબઈમાં ચોમાસાનું આગમન ક્યારે?
મુંબઈગરાઓ પણ વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. પરેશ ગોસ્વામીના મતે જો ચોમાસું આગળ વધશે તો માત્ર 36 કલાકમાં મુંબઈ પહોંચી શકે છે. મુંબઈમાં 18 થી 20 જૂન દરમિયાન ચોમાસું બેસે તેવી પૂરી શક્યતા છે. આ ઉપરાંત પરેશ ગોસ્વામીએ કહ્યું,
જો કે, દર વર્ષની જેમ શરૂઆતમાં જે ધોધમાર વરસાદ પડતો હોય છે તેવો ભારે વરસાદ આ વખતે મુંબઈમાં જોવા નહીં મળે. શરૂઆતમાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે અને ટ્રેન વ્યવહાર ખોરવાય તેવો અતિભારે વરસાદ જૂન-જુલાઈમાં થવાની સંભાવના નહિવત છે.
આ વર્ષે કુલ વરસાદ કેટલો રહેશે?
પરેશ ગોસ્વામીએ મુંબઈ સમાચારના ટૉક શોમાં કહ્યું, છેલ્લા 4-5 વર્ષથી ગુજરાતમાં 100% કરતાં વધુ વરસાદ પડ્યો છે પરંતુ વર્ષ 2026 ના ચોમાસા દરમિયાન વરસાદ સામાન્ય કરતાં ઓછો એટલે કે 90 થી 95% ની આસપાસ રહેવાનું અનુમાન છે. 15 થી 20 ટકા જેટલી વરસાદની ઘટ રહી શકે છે, પરંતુ કોઈ ભયંકર દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે નહીં. ડેમોમાં પાણી સાચવવું અને વોટર હાર્વેસ્ટિંગ કરવું ખૂબ જરૂરી બનશે.
ખેડૂતોને વાવણી અંગે શું આપી સલાહ
પરેશ ગોસ્વામીએ ખેડૂતોને વાવણી અંગે સલાહ આપતાં જણાવ્યું, જે ખેડૂતો પાસે કૂવા કે બોરના પાણીની સગવડ છે, તેમણે ઓરવીનેવાવેતર શરૂ કરી દીધું છે અથવા કરી શકે છે. પરંતુ, જે ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે તેમણે ભૂલથી પણ વરસાદ વગર કોરા ખેતરમાં વાવણી કરવી નહીં. જો પ્રી-મોન્સૂનનું માત્ર એકાદ ઝાપટું પડીને બંધ થઈ જશે, તો મોંઘું બિયારણ નિષ્ફળ જશે અને મોટું નુકસાન થઈ શકે છે. જ્યાં સુધી ખેતરમાં વાવણી લાયક સારો વરસાદ ન થાય ત્યાં સુધી રાહ જોવી. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદના અલગ-અલગ રાઉન્ડ મુજબ 20 જૂનથી લઈને 3 જુલાઈ સુધી એમ બે થી ત્રણ તબક્કામાં વાવણી કાર્ય પૂર્ણ થશે.
હવામાન વિભાગે શું કરી આગાહી
હવામાન વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાત, દીવ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી માટે હવામાન પૂર્વાનુમાન બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગુજરાત પ્રદેશ, કચ્છ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહ્યું હતું. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે વધુ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન વલ્લભવિદ્યાનગર 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત માં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 18 જૂન 2026 ના રોજ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આવતીકાલે ઉત્તર ગુજરાતના અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ / ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના બાકીના ભાગોમાં હવામાન શુષ્ક થઈ જશે.
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં કોઈપણ પ્રકારની ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. તમામ દિવસો માટે ગ્રીન કોડ રાખવામાં આવ્યો છે.