મુંબઈઃ નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક સત્તાવાર કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેનું નામ ગાયબ હોવાનો મોટો વિવાદ ઊભો થયો હતો. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર આમંત્રણ કાર્ડમાંથી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેનું નામ ન હોવાથી સેનાના કાર્યકરોએ વિરોધ કર્યો અને ભાજપના પ્રધાન અને શિંદેના વિરોધી ગણેશ નાઈક સામે કાળા વાવટા ફરકાવ્યા હતા.
આજે હાઇ-પ્રોફાઇલ કાર્યક્રમ માટેની આમંત્રણ પત્રિકામાં શિંદેનું નામ ગાયબ હોવાનું માલુમ પડતા વિવાદ શરૂ થયો હતો. થાણે લોકસભાના સભ્ય નરેશ મ્હસ્કેએ દાવો કર્યો હતો કે શિંદેનું નામ જાણી જોઈને અવગણવામાં આવ્યું હતું.
તેમણે દાવો કર્યો હતો કે નવી મુંબઈ મ્યુનિસિપલ કમિશનરે તેમને જાણ કરી હતી કે નાગરિક વહીવટીતંત્રે રાજ્ય પ્રોટોકોલ મુજબ શિંદેનું નામ સામેલ કર્યું હતું. "જોકે, ત્યારબાદ મેયર ઓફિસે, શિંદેનું નામ કાઢી નાખ્યું અને સુધારેલ આમંત્રણ પત્રિકા ફરતી કરી," મહાનગરપાલિકાના વડાને ટાંકીને મ્હસ્કેએ દાવો કર્યો હતો.
શિવસેનાના નેતા અને પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે પણ આ ઘટનાક્રમ પર ઊંડો અસંતોષ વ્યક્ત કર્યો. "આ મુદ્દો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ધ્યાન પર પહેલેથી જ લાવવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાને અગાઉ આવી બાબતોની તપાસનું વચન આપ્યું હતું, છતાં આ અપમાન વારંવાર થઈ રહ્યું છે. આ ભૂલ માટે જવાબદાર પ્રોટોકોલ અધિકારીને તાત્કાલિક સજા થવી જોઈએ," સરનાઈકે જણાવ્યું.
નોંધનીય છે કે, નવી મુંબઈના મેયરનું પદ ભાજપ પાસે છે, જે ભાજપના નેતા અને શિંદેના કટ્ટર વિરોધી ગણેશ નાઈકનો ગઢ છે. પ્રોટોકોલ ભંગના વિરોધમાં, મ્હસ્કે અને સ્થાનિક શિવસેનાના નેતાઓએ સમારોહનો બહિષ્કાર કર્યો હતો.
(પીટીઆઈ)