Thu Jun 18 2026

Logo

તબ્બુ-સુષ્મિતા સિંગલ રહી ગઈ, પણ આ અભિનેત્રીએ 60 વર્ષે ફેસબુક પર પાર્ટનર શોધીને ચોંકાવી દીધા હતા...

2026-06-18 16:56:28
Author: mumbai samachar team
Article Image

Suhasini Mulay


મુંબઈ: બોલીવુડની એવી અનેક અભિનેત્રીઓ છે, જે 40 કે 50 વર્ષની ઉંમર પછી પણ સિંગલ રહે છે અને પોતાની શરતો પર જીવન જીવે છે, પછી ભલે તે તબ્બુ હોય, સુષ્મિતા સેન કે પછી અમિષા પટેલ. સુહાસિની મુળે પણ બોલીવુડની સિંગલ લેડિઝની યાદીમાં લાંબા સમયથી પોતાની જગ્યા બનાવી હતી. 60 વર્ષની ઉંમર સુધી તેમને જીવનસાથી મળ્યા નહીં, પણ અચાનક તેમની લગ્નના સમાચાર મળ્યા હતા. યસ, તેમના લગ્ન અંગે લોકોને પણ આશ્ચર્ય થયું હતું, પરંતુ તેમની લાઈફ પણ એક સ્ટોરીથી કમ નથી. 

સુહાસિની મુળેએ પોતાની મેરિડ લાઈફ વિષે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'મેં 60 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા, કારણ કે આ પહેલા મને એવી કોઈ વ્યક્તિ મળી નહોતી કે હું કોઈને જીવનસાથી બનાવી શકું. પણ મેં લગ્ન કર્યાં અને એ પણ વૈજ્ઞાનિક સાથે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે અમારી મુલાકાત ફેસબુકના માધ્યમથી થઈ હતી. તેઓ ઘણીવાર મને વિજ્ઞાન સમજાવે છે, પણ વાસ્તવમાં સમજાતું નથી. જોકે, તેઓ એક અદભુત વ્યક્તિ છે. આ જ કારણ હતું જેના લીધે કદાચ તેમણે પણ ક્યારેય સમાધાન કર્યું નહીં, તેમણે પણ યોગ્ય સાથી મળે ત્યાં સુધી રાહ જોઈ.' 

દિગ્ગજ અભિનેત્રીના જણાવ્યા અનુસાર તેમણે ફેસબુક ફક્ત એટલા માટે જોઈન કર્યું કે તેમના કોઈ સહકર્મીએ કહ્યું કે આનાથી કામ મળવાની તકો વધી જાય છે. તે જ સમય દરમિયાન તેમણે અતુલ ગુર્તુંની પ્રોફાઈલ જોઈ હતી અને તે જોઈને સુહાસિનીએ વિચાર્યું, 'ઓહ, તો ફિજિસિસ્ટ પણ ફેસબુક પર હોય છે?' 

સુહાસિનીને પણ વિજ્ઞાનમાં રસ હતો. જેના કારણે તેણે અતુલને મેસેજ કરીને પૂછ્યું, 'LHC શું છે?' આ રીતે તેમની વચ્ચેનો સંવાદ શરૂ થયો અને બંને વચ્ચે મિત્રતા વિકસી હતી. તેમની વાતચીત દરમિયાન સુહાસિનીને ખબર પડી કે અતુલ જીવનસાથીની શોધમાં છે. 

સુહાસિની કહે છે, 'તેમણે ક્યારેય સીધી રીતે પ્રપોઝ કર્યું નહોતું, પરંતુ તેમણે ચોક્કસ સંકેતો આપ્યા હતા. મેં તે સમયે તેને હસીને ઉડાડી દીધો હતો, પરંતુ તે વિચાર મારા મનમાં રહ્યો, મારા મનમાં એક પ્રશ્ન એ પણ હતો કે જો મને 60 વર્ષે કોઈ યોગ્ય વ્યક્તિ મળી નહોતી તો હવે ક્યાંથી મળશે?'

જોકે, સુહાસિનીને ખાતરી નહોતી, તેથી તેણે એક મિત્ર પાસેથી સલાહ લીધી હતી. મિત્રે કહ્યું, 'આ ઉંમરે વિકલ્પો માર્યાદિત થઈ જાય છે, તેથી દરવાજો ખોલતા પહેલા જ બંધ ન કરો. જો તમને ગમે છે તો સારું અને જો ન ગમે, તો તેને જાણવામાં શું નુકસાન છે?' ત્યાર બાદ સુહાસિનીએ અતુલની કેટલીક તપાસ કરી, તેના ફોટાને તેની સંસ્થાની વિગતો સાથે ચકાસ્યા અને જયારે બધું યોગ્ય નીકળ્યું તો તેમણે વાતચીત શરૂ કરી ત્યાર બાદ તેમણે આ સંબંધને એક તક આપવાનું નક્કી કર્યું હતું. 
શરૂઆતમાં અસમંજસમાં રહેલા સુહાસિનીએ મિત્રની સલાહ અને યોગ્ય તપાસ બાદ આ સંબંધને સ્વીકાર્યો અને સાબિત કર્યું કે સાચો પ્રેમ મેળવવાની કોઈ ઉંમર નથી હોતી.