ઠાકરે જૂથથી અલગ થયેલા છ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને જે સહી કરેલો પત્ર આપ્યો છે તેમાં ઓમરાજે અને સંજય પાટીલે સહી કરી ન હોવાનો દાવો: તેઓ ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે હોવાનો રાઉતનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી દિલ્હીમાં શિવસેના સંસદીય પક્ષની બેઠક બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે શિવસેના (યુબીટી)ના સંસદીય પક્ષમાં ભંગાણ પડ્યું છે અને છ સાંસદ અત્યારે પક્ષ સાથે નથી. પાર્ટીએ વ્હીપ જારી કરીને બોલાવેલી બેઠકમાં માત્ર ચાર જ સાંસદો (એક રાજ્યસભાના) હાજર રહ્યા હતા. છ સાંસદો ગેરહાજર રહ્યા.
સંજય રાઉત માને છે કે આ છ સાંસદોમાંથી બે હજુ પણ તેમની સાથે છે. સાંસદો ઓમરાજે નિમ્બાળકર અને સંજય દિના પાટીલના કિસ્સાને ટાંકતા સંજય રાઉતે કહ્યું હતું કે, ‘હું તમને કહી રહ્યો છું કે ઓમરાજે નિમ્બાળકર પુણેમાં છે. તેઓ ભલે અમારી સાથે બેઠકમાં આવ્યા ન હોય, પરંતુ તેઓ તેમની (બળવાખોરો) સાથે પણ નથી.’
‘તેઓ ક્યાં છે? શું શિંદેના ગુંડાઓએ તેમનું અપહરણ કર્યું છે? શું તેમના જીવને કોઈ જોખમ છે? આ બધા સવાલ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે. આ લોકો કંઈ પણ કરી શકે છે. અમારી માહિતી મુજબ, ઓમરાજે નિમ્બાળકર અને સંજય દિના પાટિલ દિલ્હીમાં નથી,’ એમ સંજય રાઉતે બેઠક પૂર્ણ થયા બાદ જણાવ્યું હતું.
ઠાકરે જૂથથી અલગ થયેલા છ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સહી કરેલો પત્ર આપ્યો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓમરાજે અને સંજય પાટીલે તેના પર સહી કરી ન હતી. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે જ હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં પણ આ બે સાંસદ ગેરહાજર રહ્યા હતા. તેથી, એવું પણ માનવામાં આવે છે કે આ સાંસદો ઠાકરે જૂથથી કદાચ અલગ થઈ ગયા છે.
‘ચાર-પાંચ સાંસદો કોઈ પક્ષ નથી. પક્ષ એ છે જે તેમને સાંસદ બનાવે છે, પક્ષના કાર્યકરો હવે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. તેઓ રસ્તાઓ પર ઉતરતા રહેશે. હું રેકોર્ડ પર કહી રહ્યો છું કે તેમના માટે ઘરે જવું મુશ્કેલ બનશે. તેમણે તેમના મતવિસ્તારમાં જઈને બતાવવું જોઈએ. જો તેઓ ઘરે જવા માંગતા હોય, તો તેમણે ભારતીય સેનાને સાથે રાખવી પડશે,’ એમ સંજય રાઉતે ચેતવણીના સ્વરમાં જણાવ્યું હતું.
‘જો કોર્ટે ચાર વર્ષ પહેલાં યોગ્ય નિર્ણય આપ્યો હોત, તો આ સમય ન આવ્યો હોત. દેશની સુપ્રીમ કોર્ટ પણ આ બધામાં ગુનેગાર છે. દેશમાં લોકશાહીની આવી સ્થિતિ માટે પહેલો ગુનેગાર સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ છે,’ એવો ગંભીર આરોપ સંજય રાઉતે લગાવ્યો હતો.