નવી દિલ્હીઃ બિહારનો 15 વર્ષનો સેન્સેશનલ ક્રિકેટર વૈભવ સૂર્યવંશી બીજા દેશમાં ક્રિકેટ-ટૂર પર જાય ત્યારે તેના મમ્મી-પપ્પાને તેની સાથે જવાની વિનંતી કરવામાં આવશે અને વૈભવના પૅરન્ટ્સનો વિદેશી ટૂરનો બધો ખર્ચ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) ઉપાડશે એવા સમાચાર થોડા દિવસ પહેલાં આવી ગયા હતા અને હવે ખુદ બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયા (Saikia)એ જ મુલાકાતમાં વિગતવાર ચર્ચામાં એક દૃષ્ટાંત આપતાં કહ્યું છે કે વૈભવ સાથે તેના મમ્મી-પપ્પા ક્રિકેટ-પ્રવાસે જાય એ જરૂરી છે.
તાજેતરમાં દમ્બુલામાં શ્રીલંકા-એના ખેલાડીઓએ મૅચ દરમ્યાન વૈભવ (Vaibhav)ને ખૂબ ઉશ્કેર્યો, ભારતીય ટીમને વારંવાર ગાળ આપી અને મૅચને અંતે વૈભવને વધુ ઉશ્કેરવામાં આવતાં તેણે મગજ પરથી કાબૂ ગુમાવીને શ્રીલંકન પ્લેયરને ધક્કો માર્યો અને મામલો તંગ થઈ ગયો એને પગલે સૈકિયાની મુલાકાત મહત્ત્વની બની જાય છે.
વૈભવ વિશ્વની નંબર-વન ક્રિકેટ-લીગ આઇપીએલનો સુપરસ્ટાર બૅટ્સમૅન છે. તેણે 2026ની સીઝનમાં હાઇએસ્ટ 776 રન બનાવ્યા અને હવે આંતરરાષ્ટ્રીય ફલક પર હરીફ ખેલાડીઓ (ઇર્ષ્યાને કારણે અથવા તેનું મનોબળ તોડવાના હેતુથી) તેને ટાર્ગેટ બનાવવા લાગ્યા છે. વૈભવનું સિલેક્શન આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ ખાતેના આગામી પ્રવાસ માટેની ટીમમાં થયું છે.
સૈકિયાએ પીટીઆઇને વિશેષ મુલાકાતમાં કહ્યું, `ભાગ્યે જ કોઈ મુખ્ય રાષ્ટ્રીય ટીમમાં 14-15 વર્ષનો ખેલાડી હોય છે. દાયકાઓ પછી આપણી ટીમમાં આટલી નાની ઉંમરનો ખેલાડી સિલેક્ટ થયો છે. એક તબક્કે સચિન તેન્ડુલકરે (1989માં) 16 વર્ષની ઉંમરે ભારત વતી ડેબ્યૂ કર્યું હતું. આટલી નાની ઉંમરનો ખેલાડી ટીમમાં હોય અને તેને પ્રવાસે મોકલવામાં આવે એટલે ઘણા મુદ્દા ઊભા થતા હોય છે. ટીમમાં બીજા બધા તેનાથી મોટા હોય એટલે તેને તેમની સાથે અનુકૂળ થતાં થોડો સમય લાગે. આવી સ્થિતિમાં વૈભવ જેવા ટીનેજ ખેલાડી સાથે તેના મમ્મી-પપ્પા હોય તો ખુદ વૈભવ જ માનસિક રીતે સ્વસ્થ રહે. જેમ સ્કૂલની પિકનિકમાં બાળકો સાથે શિક્ષકો હોય એમ વૈભવ સાથે તેના મમ્મી-પપ્પા ક્રિકેટ-ટૂર પર હોવા જરૂરી છે. વૈભવ હજી બાળક છે. તેણે થોડા સમય પહેલાં જ સ્કૂલને અભ્યાસ પૂરો કર્યો છે અથવા તેના ફાઇનલ યરમાં છે. વૈભવ ભારતીય ક્રિકેટની મૂડી છે અને તેના મમ્મી-પપ્પા તેની ખૂબ કાળજી રાખી રહ્યા છે એ બદલ હું ખૂબ ખુશ છું.'