Thu Jun 18 2026

Logo

કોન્સ્ટેબલ પર હુમલાના કેસમાં ત્રિપુટી નિર્દોષ

2026-06-18 17:22:44
Author: Yogesh D Patel
Article Image

પોલીસ કર્મચારી પોતે દારૂના નશામાં હતો: કોર્ટે નોંધ્યું

થાણે: થાણે કોર્ટે 2018માં કોન્સ્ટેબલ પર હુમલો કરવા અને તેને ધમકાવવાના કેસમાં ત્રણ જણને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષનો કેસ શંકાસ્પદ છે અને તપાસ અધિકારીએ એ હકીકત છુપાવી રાખી હતી કે પોલીસ કર્મચારી પોતે દારૂના નશામાં હતો. 

કોર્ટે આ કેસમાં મુજારામ ઉર્ફે રામભાઉ બાપુરાવ યેનકુરે (40), સુનીલ ગણપત રોકડે (40) અને બાળુ બાપુરાવ યેનકુરે (36)ને નિર્દોષ છોડ્યા હતા.

એડિશનલ સેશન્સ જજ જી.ટી. પવારે બુધવારે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ અને અન્ય સાક્ષીઓ દ્વારા તેમના હુમલો કરવામાં આવ્યો હતો, એવા આરોપીઓએ કરેલા બચાવમાં તથ્ય લાગે છે.

તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર આ કેસના બાતમીદાર એવા કોન્સ્ટેબલ નવનાથ સદાશિવ થોર્વેએ થાણેના યેઉર ગેટ નજીક 2 માર્ચ, 2018ના રોજ મોટરસાઇકલને રોકી હતી, જ્યારે હોળીની ઉજવણી ચાલી રહી હતી. મોટરસાઇકલસવારો દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.
જ્યારે તેમની મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી હતી ત્યારે તેમણે ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું અને બાતમીદારને લાફો માર્યો હતો.

જોકે તબીબી પુરાવાઓએ કેસ ફેરવી દીધો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે તબીબી અધિકારીએ જુબાની આપી હતી કે તપાસ દરમિયાન બાતમીદાર ભારે નશામાં હતો.

પુરાવાઓના અવલોકન પરથી એવું લાગે છે કે તપાસ અધિકારીએ ઇરાદાપૂર્વક અપૂર્ણ મેડિકો-લિગલ કેસ રિપોર્ટ મેળવ્યો હતો, જેમાં એક હકીકતને અવગણવામાં આવી હતી કે તપાસ સમયે બાતમીદાર દારૂના નશામાં હતો.

(પીટીઆઇ)