Thu Oct 01 2026

Logo

થિયેટર ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારની મંજૂરીની રાહમાં:  હાલ પૂરતા જૂના દરો અમલમાં રહેશે

2026-09-23 09:04:32
Author: Sapna Desai
થિયેટર ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારની મંજૂરીની રાહમાં:  હાલ પૂરતા જૂના દરો અમલમાં રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સિનેમા હૉલ અને અન્ય મનોરંજનનાં સ્થળો પર થિયેટર ટેક્સ વધારવાના મુંબઈ મહાનગરપાલિકાના  પ્રસ્તાવને રાજ્ય સરકારના અર્બન ડેલવપમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી હજુ મંજૂરી મળવાની બાકી છે. તેથી જયાં સુધી સુધારેલા દરોને મંજૂરી ન મળે અને તેની સત્તાવાર સૂચના (નોટિફિકેશન) બહાર ન પડે ત્યાં સુધી હાલના દરો જ લાગુ રહેશે એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

પાલિકા પ્રશાસને પ્રસ્તાવ મૂક્યો છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર સુધારેલા દરોને મંજૂરી ન આપે અને સત્તાવાર ગેઝેટમાં સૂચના બહાર ન પાડે, ત્યાં સુધી વર્ષ ૨૦૨૭-૨૮ માટે પણ ૨૦૧૪-૧૫ના હાલના દરો જ યથાવત રાખવામાં આવે. અર્બન ડેવલપેન્ટ ડિપાર્ટમેન્ટ પાસે  પેન્ડિંગ રહેલા આ પ્રસ્તાવ હેઠળ મલ્ટિપ્લેક્સ સિનેમા (જે હાલમાં એસી સિનેમા માટે શો દીઠ ૬૦ રૂપિયા ટેક્સ ભરે છે) પરનો ટેક્સ વધીને શો દીઠ  ૪૦૦ રૂપિયા થઈ શકે છે. આ પ્રસ્તાવમાં સિંગલ એસી સિનેમા માટે શો દીઠ  ૨૦૦ રૂપિયા, નોન-એસી સિનેમા માટે  ૯૦ રૂપિયા અને નાટક, જલસા તથા અન્ય મનોરંજન કાર્યક્રમો માટે શો દીઠ ૧૦૦ રૂપિયા ટેક્સની જોગવાઈ છે. 

લો કમિટીના સભ્ય તેજિંદર તિવાનાએ જણાવ્યું હતું કે મંગળવારે યોજાયેલી લો કમિટીની  બેઠકમાં આ પ્રસ્તાવ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને તેના પર વધુ ચર્ચા કરવામાં આવશે. પાલિકા રાજ્ય સરકાર પાસેથી સુધારેલા દરોની મંજૂરી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. પાલિકાના પ્રસ્તાવ મુજબ, સુધારેલા દરો રાજ્ય સરકાર દ્વારા તેના ગેઝેટ નોટિફિકેશનમાં નિર્દિષ્ટ તારીખથી જ અમલમાં આવશે.
'
પાલિકાના  અધિકારીએ જણાવ્યું હતું હાલ પૂરતા જૂના દરો જ લાગુ રહેશે કારણ કે અર્બન ડેલવપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સુધારેલા દરોને હજુ મંજૂરી મળવાની બાકી છે. હાલના દરો હેઠળ, એસી સિનેમા માટે શો દીઠ ૬૦ રૂપિયા અને નોન-એસી સિનેમા માટે શો દીઠ  ૪૫ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. નાટક અને અન્ય મનોરંજન કાર્યક્રમો પર શો દીઠ  ૨૫ રૂપિયાનો ટેક્સ લાગે છે, જ્યારે સર્કસ અને ફનફેર (મેળા) પર પ્રતિ દિવસ  ૫૦ રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે.

પાલિકાએ થિયેટરની શ્રેણીને ધ્યાનમાં લીધા વિના મરાઠી અને ગુજરાતી ફિલ્મો, નાટકો, એકાંકી નાટકો અને તમાશા માટે થિયેટર ટેક્સમાંથી મુક્તિ ચાલુ રાખવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. જે કરદાતાઓ તેમનો માસિક થિયેટર ટેક્સ મહિનાની પાંચમી તારીખ સુધીમાં અગાઉથી ચૂકવે છે તેમને ૧૯૫૯થી મળતી છટકા રાહત પણ ૨૦૨૭-૨૮ માટે ચાલુ રાખવાનો પ્રસ્તાવ છે. વર્ષ ૨૦૨૭-૨૮ માટે થિયેટર ટેક્સના વાર્ષિક દરોને લો કમિટી, સ્થાયી સમિતિ અને પાલિકાની સામાન્ય સભાની (હાઉસ) મંજૂરીની જરૂર પડશે.