Tue Oct 06 2026

Logo

કેતન અગ્રવાલ હત્યા કેસ: 2025માં યુવતીના મોત વિશે પૂરતી ઑનલાઈન સર્ચ  પછી કેતનની હત્યા માટે લોહગડની પસંદગી કરાઈ

2026-10-01 20:53:53
Author: Yogesh C. Patel
કેતન અગ્રવાલ હત્યા કેસ: 2025માં યુવતીના મોત વિશે પૂરતી ઑનલાઈન સર્ચ  પછી કેતનની હત્યા માટે લોહગડની પસંદગી કરાઈ

પુણે: 2025માં થયેલા યુવતીના મોત સંબંધી અહેવાલોનો ઑનલાઈન અભ્યાસ કર્યા પછી પુણેના રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર કેતન અગ્રવાલની હત્યા માટે તેની વાગ્દત્તા સિયા ગોયલ અને કથિત પ્રેમી ચેતન ચૌધરીએ લોહગડની પસંદગી કરી હતી, એવું પુણે ગ્રામીણ પોલીસે વડગાંવ માવળ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં જણાવાયું હતું.

પુણેના લોહગડ ફોર્ટ પરથી 18 જૂને પડેલા અગ્રાવાલ (26)નું મૃત્યુ થયું હતું. શરૂઆતમાં તે અકસ્માતે કિલ્લા પરથી પડ્યો હોવાનું માનવામાં આવ્યું હતું, પરંતુ તપાસમાં તેને જાણીજોઈને ધક્કો મારવામાં આવ્યું હોવાનું જણાયું હતું.

આ હત્યા કેસમાં કોર્ટમાં રજૂ કરાયેલા 5,053 પાનાંના આરોપનામામાં આરોપી તરીકે સિયા ગોયલ, તેના પ્રેમી ચેતન ચૌધરી અને રિતેશ હાંગેનાં નામ છે. મોબાઈલ ફોન ડેટા, કૉલ ડિટેલ્સ રેકોર્ડ, સોશિયલ મીડિયા પરની સામગ્રી, મેસેજીસ, તસવીરો સહિતના ડિજિટલ પુરાવા ઉપરાંત સાક્ષીઓનાં નિવેદન અને ટેક્નિકલ એનાલિસીસ સર્ટિફિકેટ્સનો પણ આરોપનામામાં સમાવેશ થાય છે.

આરોપનામા અનુસાર સિયા કેતન સાથે લગ્ન કરવા માગતી નહોતી. તેમ છતાં ચાલુ વર્ષની 19 ફેબ્રુઆરીએ તેણે કેતન સાથે સગાઈ કરી હતી. સિયાએ ચેતન અને રિતેશ સાથે મળીને કેતનને પતાવી નાખવાનું કાવતરું ઘડ્યું હતું અને આ હત્યાને અકસ્માત મૃત્યુમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

સિયા અને ચેતને મૃત્યુ, ટ્રેકિંગ દરમિયાન થતી દુર્ઘટનાઓ અને પુરાવા ન રાખવાના માર્ગો વિશેની માહિતી માટે ગૂગલ, યુટ્યૂબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ્સ પર ખાસ્સું સર્ચ કર્યું હતું, એવું ચાર્જશીટમાં જણાવાયું છે.

પોલીસે એવો પણ દાવો કર્યો હતો કે આરોપીઓએ રાજા રઘુવંશીના મેઘાલય હનીમૂન મર્ડર કેસની વિગતો માટે ઑનલાઈન સર્ચ કર્યું હતું. જોકે પછી ફોન અને ઑનલાઈન ડેટા તેમણે ડિલીટ કરી નાખ્યો હતો.

આરોપીના ગૂગલ, યુટ્યૂબ અને સોશિયલ મીડિયા સર્ચમાં ડેથ કૅપ મુશરૂમ ઈન્ડિયા, કોઈને મારી નાખવાનો સહેલો માર્ગ, સોનમ કેસ, લોહગડ ફોર્ટ, આઈફોનને કઈ રીતે ફોર્મેટ કરવો, કૉલ્સની હિસ્ટ્રી ન મળવી, ગૂગલ એકાઉન્ટ કઈ રીતે ડિલીટ કરવું, ટ્રેકિંગ ઘટનાનો સમાવેશ થાય છે, એવું ચાર્જશીટમાં નોંધવામાં આવ્યું છે.

કેતનની હત્યાની કથિત યોજનાનો મહત્ત્વનો ભાગ એટલે આરોપીઓએ સાંગવીની 21 વર્ષની યુવતી માનસી ગોવિંદપુરકરના મૃત્યુ વિશે કરેલો અભ્યાસ છે. કૉલેજમાં જતી હોવાનું કહીને 18 માર્ચ, 2025ના રોજ ઘરેથી નીકળેલી યુવતી ગુમ થઈ ગઈ હતી. તેનું મોબાઈલનું છેલ્લું લૉકેશન લોહગડ હતું.

સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં માનસી એકલી ટૅક્સીમાં આવતી અને લોહગડ ફોર્ટ પ્રવેશતી નજરે પડી હતી. પોલીસ અને શિવદુર્ગ રેસ્ક્યૂ ટીમે હાથ ધરેલા સર્ચ ઑપરેશનમાં બે દિવસ પછી તેનો મૃતદેહ લોહગડની તળેટીમાં નવગ્રહ મંદિર પરિસર પાસેથી મળી આવ્યો હતો. તપાસમાં પોલીસને જણાયું હતું કે સ્વાસ્થ્યની સમસ્યા અને એલએલબીના ત્રીજા વર્ષની પરીક્ષા આપવામાં અક્ષમતાને કારણે માનસીએ કથિત આત્મહત્યા કરી હતી.

ફરિયાદ પક્ષ અનુસાર સિયાએ ફેસબુક પરથી ગોવિંદપુરકરના મૃત્યુ સંબંધી બધી માહિતી મેળવી હતી અને ચૌધરી સાથે લોહગડ પર કાવતરાને અંજામ આપવા અંગે ચર્ચા કરી હતી.

(પીટીઆઈ)