Thu Jun 18 2026

Logo

અમદાવાદમાં ટીમ ઇન્ડિયાની હૉટેલ બદલાઈ, હવે રવિવારે `લૅડી લક' પણ બદલાશે?

2026-03-06 22:37:31
Author: Ajay Motiwala
Article Image

અમદાવાદઃ અહીં મોટેરામાં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે મોટી મૅચ રમાઈ હતી ત્યારે ભારતીય ખેલાડીઓ શહેરની જે હૉટેલમાં રહ્યા હતા એ હૉટેલ
અનલકી હતી કે પછી આ મેદાન ન ફળ્યું એ વિશે ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા છે, કારણકે એ બન્ને મૅચમાં ભારતનો પરાજય થયો હતો એટલે આ વખતે થોડો ફેરફાર કરવામાં આવ્યો હોવાનું મનાય છે. રવિવારે (સાંજે 7.00 વાગ્યાથી) અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામે મુકાબલો છે. ભારતીય ખેલાડીઓ શુક્રવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા.

2023માં વન-ડે વર્લ્ડ કપની અમદાવાદ (Ahmedabad)ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો હતો. ત્યારે ભારતીયો જે હૉટેલ (Hotel)માં રહ્યા હતા એ જ હૉટલમાં આ વખતે ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડ વખતે પણ રહ્યા હતા અને એ રાઉન્ડમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો ઘોર પરાજય થયો હતો.

સોશ્યલ મીડિયામાં અને લોકોની ચર્ચાઓમાં ઘણા એવી માન્યતા વ્યક્ત કરી ચૂક્યા છે કે `અમદાવાદમાં તો ભારતીય ટીમ હારે જ છે એટલે રવિવાર, આઠમી માર્ચે પણ ભારત હારશે કે શું?' જોકે એવું કદાચ ન પણ બને, કારણકે ફાઇનલ પહેલાં બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાની હૉટેલ બદલી છે. હવે જે હૉટેલમાં તેઓ રહેશે અને પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાન પર રમશે એટલે તેમના પર `લૅડી લક'ના (વિધાતાનાં) આશીર્વાદની વર્ષા થશે એવી સંભવિત માન્યતા સાથે હૉટેલમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું મનાય છે.

ગુરુવારની ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલ પહેલાં અક્ષર પટેલ સહિત ત્રણ ખેલાડીએ મુંબઈમાં શ્રી સિદ્ધિવિનાયકના મંદિરે બાપ્પાના આશીર્વાદ લીધા હતા જે તેમને ફળ્યા હતા, કારણકે થ્રિલિંગ મૅચમાં છેવટે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે સાત રનથી વિજય મેળવ્યો હતો અને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.