હેન્રી શાસ્ત્રી
આવતી કાલે પાંચ સપ્ટેમ્બર. ભારતના પહેલા ઉપ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની વર્ષગાંઠ. 1962માં તે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના વિદ્યાર્થીઓએ જન્મદિનની ઉજવણીની વિંનતી કરી. રાજકારણમાં આવ્યા પહેલાં કૉલેજમાં પ્રોફેસર રહેલા ડૉ. રાધાકૃષ્ણને વિદ્યાર્થીઓને દેશભરના શિક્ષકોના સન્માનમાં ઉજવણી કરવા જણાવ્યું. ત્યારથી 5 સપ્ટેમ્બર ‘શિક્ષક દિન’ તરીકે ઊજવાય છે. 1954માં આવેલી ફિલ્મ ‘જાગૃતિ’ કહેવાય છે બાળ ફિલ્મ, પણ એમાં શિક્ષકનો રોલ (ઍક્ટર અભિ ભટ્ટાચાર્ય) પણ મહત્ત્વનો હતો. શિક્ષક કેન્દ્રમાં હોય એવી હિન્દી ફિલ્મો વાર તહેવારે બનતી રહી છે.
પ્રારંભિક ફિલ્મોમાં શિક્ષક ગંભીર, ચશ્માધારી અને શિસ્તનો આગ્રહી રહેતો. 1962માં આવેલી ‘પ્રોફેસર’ ફિલ્મમાં શિક્ષક અને શિક્ષણ કરતા રોમેન્સ, કૉમેડી અને મ્યુઝિકને પ્રાધાન્ય હતું. 1974માં આવેલી ‘ઇમ્તિહાન’માં પ્રોફેસર શિક્ષણ સાથે વિદ્યાર્થી સુધારકના રોલમાં જોવા મળ્યા. રાજ કુમારની ‘બુલંદી’ (1981)માં પણ એનો જ પડઘો પડ્યો.અત્યંત સ્વમાની પ્રોફેસર વિજય આનંદ ‘કોરા કાગઝ’ (1974)માં જોવા મળ્યા તો રમતિયાળ-રમૂજી પ્રોફેસર ‘ચુપકે ચુપકે’ (ધર્મેન્દ્ર, અમિતાભ) અને ‘દિલ્લગી’માં જોવા મળ્યા.
ગુલઝારની ‘પરિચય’માં જિતેન્દ્ર એક જ્ઞાન સાથે ગમ્મત કરાવનારા ટીચરના રોલમાં જોવા મળ્યા. 1993ની ‘સર’માં શિક્ષણ માટે જીવન સમર્પિત કરનારા કૉલેજ લેક્ચરર કેન્દ્રમાં હતા. 2000ની ‘મોહબ્બતેં’માં શાહરુખ ખાન ગુરુકુળના જૂના જમાનાના કડક અને લાગણીવિહીન શૈક્ષણિક માહોલને પડકારી મ્યુઝિક ટીચર બની વિદ્યાર્થીઓને માત્ર સંગીત જ નહીં, પરંતુ પોતાના દિલના અવાજને સાંભળવાની અને પ્રેમની સાચી વ્યાખ્યા શીખવી ગયો.
‘ચક દે ઇન્ડિયા’માં શાહરુખ મહિલાઓનું કોચિંગ કરી દેશને ગૌરવ અપાવતો શિક્ષક કોચ છે. જોકે ‘ગુરુ બિન જ્ઞાન કહાં સે પાઉં’ની ટિપિકલ ઇમેજથી અલગ ટીચર-પ્રોફેસર પણ હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા છે. ચીલો ચાતરનારા ગુરુજનની કેટલીક ફિલ્મોનું વિહંગાવલોકન (વિહંગ એટલે પક્ષી અને વિહંગાવલોકન એટલે વિગતવાર નહીં, ઉપરછલ્લી નજર) કરીએ.
સુપર 30-રિતિક રોશન
પદ્મશ્રી અવૉર્ડ તેમ જ ‘ટાઇમ’ મૅગેઝિનમાં ‘બેસ્ટ ઑફ એશિયા 2010’માં સ્થાન મેળવનારા બિહારના ગણિતશાસ્ત્રી આનંદ-કુમારના વાસ્તવિક જીવન પર આધારિત આ ફિલ્મમાં શિક્ષણ ઉપરાંત સામાજિક દૃષ્ટિકોણ હતો. એક શિક્ષક તગડી ફી વસૂલ કરતાં કોચિંગ સેન્ટરોની ચુંગાલમાંથી મુક્ત થઈ ગરીબ અને વંચિત બાળકોને એક પાઈ લીધા વિના શિક્ષણ આપે છે એ કથાનું કેન્દ્ર છે. અમીરનો બેટો જ અમીર બને એ વિચારધારાને જડમૂળમાંથી ખેંચી કાઢવાનો પ્રયાસ આ શિક્ષક કરતા જોવા મળે છે. રિતિક રોશનની અફલાતૂન અદાકારી પ્રેરણાદાયક કથાને પ્રભાવી બનાવે છે.
બ્લૅક - અમિતાભ બચ્ચન
સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત આ ફિલ્મ દોઢ વર્ષની ઉંમરે દૃષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવી દેનારી વિશ્ર્વવિખ્યાત અમેરિકન મહિલા હેલન કેલરના પ્રેરણાદાયી જીવન પર આધારિત છે. ફિલ્મમાં બહેરી-મૂગી યુવતી (રાની મુખરજી) અને એના શરાબની લત ધરાવતા ગુરુ (અમિતાભ બચ્ચન) વચ્ચેના શિક્ષણ ઉપરાંતના માનવીય સંબંધની વાત આલેખવામાં આવી છે. ફિલ્મને ત્રણ નૅશનલ અવૉર્ડ મળ્યા હતા.
મૈં હૂં ના - સુષ્મિતા સેન:
ભાગ્યે જ એવી હિન્દી ફિલ્મ હશે જેમાં શિક્ષકનો શિક્ષણ સાથે નહીં પણ રોમેન્ટિક એન્ગલ હાઇલાઇટ કરવામાં આવ્યો હોય. ફરાહ ખાન દિગ્દર્શિત ‘મૈં હૂં ના’ ફિલ્મ એ અપવાદ છે. કહેવા માટે ફિલ્મમાં સુષ્મિતા સેન કેમિસ્ટ્રી ટીચર છે, પણ પડદા પર કેમિસ્ટ્રીના ભણતરની નહીં, પણ શાહરુખ ખાન સાથેની કેમિસ્ટ્રી દર્શકોને ગમી ગઈ હતી. ફિલ્મમાં એનો રોલ બહુ નાનો હતો, પણ યશ ચોપડા સહિત અનેક લોકોએ એની હાજરીને બિરદાવી હતી.
હિચકી - રાની મુખરજી
અહીં એક એવી શિક્ષિકા (રાની મુખરજી)ની વાત છે જે ટોરેટ સિન્ડ્રોમ નામની બીમારીથી પીડાય છે. આ બીમારીમાં વ્યક્તિને હેડકી આવ્યા કરે છે, એ અચાનક આંખ પટપટાવવા લાગે છે કે પછી ખભા ઉલાળવા લાગે છે જેના પર એનો કોઈ અંકુશ નથી રહેતો. એને શાળામાં શિક્ષિકાની નોકરી મળે છે. અહીં એક વર્ગના શરારતી બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી ભણવામાં હોશિયાર બનાવે છે. એક શિક્ષકની આંતરિક સ્તરે અને વ્યવસાયિક મોરચે લડાઈની આ હૃદયસ્પર્શી કથા છે.
તારે ઝમીં પર - આમિર ખાન
રામ શંકર નિકુંભ (આમિર) નામનો શિક્ષક બે વાત સિદ્ધ કરવાની કોશિશ કરે છે. સમાજે નક્કી કરેલાં ધોરણોમાં ભલે પાર ન ઊતરે, પણ દરેક બાળકમાં એકાદ અથવા વધુ વિશિષ્ટતા હોય છે. શિક્ષકડિસ્લેક્સિયાથી પીડાતા બાળક ઇશાનને પ્રેમ, કળા અને મનોરંજનના માધ્યમથી શિક્ષિત કરીને તેનામાં નવો આત્મવિશ્વાસ જગાડે છે.વર્ગમાં આકરી શિસ્તનો માહોલ તેમ જ ગોખણપટ્ટીવાળા ભણતરને તિલાંજલિ આપી શ્રીમાન નિકુંભ શિક્ષણને સાચી અંજલિ આપે છે. આવા ટીચર બાળકની અને એને પગલે દેશની આવતી કાલ બદલી નાખવાનું સામર્થ્ય ધરાવે છે.
ઇકબાલ - નસીરુદ્દીન શાહ
શિક્ષણ શાળાની અંદર પુસ્તકો, નોટબુક અને પરીક્ષામાં મેળવેલા ટકા પૂરતું સીમિત નથી હોતું. કલાસરૂમની બહાર અને ખાસ કરીને રમતના મેદાનમાં પણ ઘણું શીખવાનું હોય છે. સુભાષ ઘઈ નિર્મિત અને નાગેશ કુકુનૂર દિગ્દર્શિત ‘ઇકબાલ’ એનું આગવું ઉદાહરણ છે. બોલવામાં તકલીફ અનુભવતા એક કિશોરનું સપનું છે એક દિવસ ભારતીય ટીમ વતી ક્રિકેટ રમવાનું. ભૂતપૂર્વ ક્રિકેટર અને શરાબના રવાડે ચડી ગયેલા મોહિત મિશ્રા (નસીરુદ્દીન શાહ) એને તાલીમ આપે છે અને ક્રમશ: પ્રગતિ કરી ઈકબાલ ભારતની ટીમમાં સ્થાન મેળવે છે. વર્ગખંડની બહાર મળતા શિક્ષણની આ અફલાતૂન ફિલ્મ છે.
આ ઉપરાંત શબાના આઝમી-જુહી ચાવલાની ‘ચોક એન ડસ્ટર’, ‘પાઠશાલા’, ‘નીલ બટે સન્નાટા’, ‘થ્રી ઇડિયટ્સ’, ‘દો દુની ચાર’ વગેરે ફિલ્મોએ પણ શિક્ષકને સુંદર રીતે પેશ કર્યા છે.