મનોજ પ્રકાશ
નવા, દમદાર, લોકપ્રિય અને અઢળક કમાણી કરનારા વિષયોની અછતના આ સમયમાં, જ્યારે સિક્વલ્સનો જમાનો છે ત્યારે પ્રશ્ન એ છે કે શું સુભાષ ઘાઈની સુપરહિટ અને જબરદસ્ત કમાણી કરનારી ફિલ્મો ‘તાલ’ અને ‘ખલનાયક’ નવા અવતારમાં પ્રેક્ષકોને આકર્ષી શકશે? શું તે ફરીથી સૌંદર્યને રૂપેરી પડદે ઉતારી શકશે, જે સુભાષ ઘાઈએ વર્ષ 1993 અને 1999માં રચીને હલચલ મચાવી હતી?
ભલે સુભાષ ઘાઈ આ ફિલ્મોનું નિર્દેશન કરે કે ન કરે, તેમાં કેમિયો કરે કે ન કરે અને ભલે તેઓ ઐશ્વર્યા, અક્ષય ખન્ના કે માધુરી દીક્ષિત જેવો જાદુ ફરીથી જગાડી શકે કે ન શકે, પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે કેટલા પ્રેક્ષકો આ ફિલ્મો જોવા આવશે? જ્યારે આ ફિલ્મો આવી હતી ત્યારે સિંગલ સ્ક્રીન સિનેમાનો યુગ હતો, ‘હજાર કરોડ ક્લબ’ની આ બીમારી નહોતી અને ત્યારે અંગ પ્રદર્શનનો આવો દોર નહોતો જેવો આજે છે. આગળ સવાલ એ છે કે શું સોશ્યલ મીડિયાની પાઇરસી આ ફિલ્મોને હાઇપ મેળવવા દેશે કે પછી પ્રેક્ષકો તેને પહેલેથી જ યુ-ટ્યૂબ જેવા પ્લૅટફૉર્મ પર જોઈ લેશે?
પ્રેક્ષકો પણ એ જાદુની રાહ જોઈ રહ્યા છે જેના માટે 90નો દાયકો જાણીતો હતો. આજે જ્યારે મધુર સંગીતનો યુગ સમાપ્ત થઈ કાન ફાડી નાખનારા અવાજો અને અશ્ર્લીલતાનો સમય આવી ગયો છે ત્યારે શું ‘તાલ’થી તાલ મિલાવી શકાશે? અથવા શું આપણે ફરીથી ‘ચોલી કે પીછે ક્યા હૈ’ જેવું નજર ઝુકાવી દે તેવું ગીત સાંભળવું પડશે? ‘ધુરંધર’ની સફળતા પછી અથવા અન્ય ફિલ્મોની વાત કરીએ તો ઘોર મંદીના આ સમયમાં માત્ર એવી જ ફિલ્મો ચાલી રહી છે જે ‘ધુરંધર’ શૈલીમાં બનાવવામાં આવી રહી છે.
આવા માહોલમાં શું 1993ની ‘ખલનાયક’ ફરીથી પડદા પર પ્રેક્ષકોની ભીડ ઊમટાવશે કે પછી પ્રેક્ષકો 1999ની ‘તાલ’ની પ્રેમ કહાનીને પસંદ કરશે? ફિલ્મોની કહાનીને બીજા, ત્રીજા કે તેનાથી આગળના ભાગમાં બનાવવાનો જે ટ્રેન્ડ ચાલ્યો છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે માયાનગરીમાં હવે ‘દો રાસ્તે’, ‘કભી-કભી’, ‘આરાધના’, ‘વક્ત’, ‘શોલે’, ‘સન્યાસી’, ‘બ્રહ્મચારી’, ‘દાગ’, ‘અવતાર’ કે ‘સીતા-ગીતા’ જેવી મજબૂત અને નવી વાર્તાઓ બચી નથી. કદાચ આ જ કારણ છે કે ‘હિટ ફિલ્મ મશીન’ ગણાતા સુભાષ ઘાઈની ફિલ્મોનો જાદુ ફરી એકવાર પ્રેક્ષકો સમક્ષ લાવવા માટે કલાકારો આતુર છે.
ખેર, વાત સુભાષ ઘાઈની ‘તાલ’ અને ‘ખલનાયક’ની છે. ‘તાલ’ ફિલ્મ જ્યારે આવી ત્યારે ઐશ્વર્યાને સિનેમા ઉદ્યોગમાં એટલી પ્રતિષ્ઠા નહોતી મળી, જેટલી ‘તાલ’ પછી મળી. તે 1994માંની મિસ વર્લ્ડ હતી અને ત્યારબાદ તેણે ‘ઈરુવર’, ‘ઔર પ્યાર હો ગયા’ તથા ‘જીન્સ’ જેવી ફિલ્મો કરી હતી. પરંતુ ‘તાલ’ ફિલ્મમાં કામ કરતાંની સાથે જ તેણે સિનેમા જગતમાં એક અલગ જ છાપ છોડી દીધી.
‘તાલ’નું સંગીત તેની સફળતામાં ઓછામાં ઓછું 50 ટકાનું ભાગીદાર હતું. સંગીત જગતમાં આ ગીતોએ ધૂમ મચાવી દીધી હતી: ‘તાલ સે તાલ મિલા’, ’ઈશ્ક બિના ક્યા જીના યારો’, ‘કરિયે ના’, ‘રમતા જોગી’. આ કંઈ ઓછી વાત નથી કે ફિલ્મફેર માટે આ ફિલ્મનું દસ શ્રેણીઓમાં નામાંકન થયું અને તેમાંથી ચાર એવૉર્ડ્સ જીત્યા. એમાં પણ ત્રણ એવૉર્ડ્સ તો માત્ર સંગીત માટે હતા. શું આજના સમયમાં એવું સંગીત ફરી બની શકે જે ફિલ્મને અડધોઅડધ સફળતા અપાવવાની તાકાત ધરાવતું હોય?
હવે જ્યારે સુભાષ ઘાઈએ આની જાહેરાત કરી દીધી છે ત્યારે તેમની સામે પડકાર એ છે કે તેઓ એવાં પાત્રો ઇચ્છે છે જે નવાં, અસલી અને માસૂમ લાગે? પરંતુ આજના યુગમાં આ બંને બાબતો કોનામાં જોવા મળે તે કહેવું મુશ્કેલ છે. કદાચ જ્યારે ફિલ્મ પડદા પર આવશે ત્યારે જ આ બાબત તેની સફળતા નક્કી કરશે. હવે ‘ખલનાયક’ને જ જુઓ. સંજય દત્ત અને માધુરી દીક્ષિત બંને ઉંમરના એવા પડાવ પર છે જ્યાં હવે એ માસૂમિયત અને આક્રમક અપીલ દેખાતી નથી જેના પર પ્રેક્ષકો સીટીઓ વગાડે.
આ ફિલ્મનું ‘ચોલી’ ગીત જે ઇવ-ટિઝિંગનું ‘રાષ્ટ્રીય ગીત’ બની ગયું હતું, તેનું જોડીદાર ક્યાંથી આવશે? ‘ચુનરી સરકે’ જેવું ગીત જો ફરી આવે છે, તો સંજય દત્ત માટે એ મશ્કેલી હશે કે પ્રેક્ષકો તેમને ફરીથી એવા જૂના અંદાજમાં સ્વીકારી શકશે કે નહીં? તે કહેવું મુશ્કેલ છે. ‘નાયક નહીં ખલનાયક હૂં મેં’ જેવી સંગીત રચના અને ‘પાલખી મેં હોકે સવાર’ જેવો જાદુ ફરી કેવી રીતે આવશે?
સિક્વલ કહી લો, પાર્ટ ટુ કહી લો કે પછી બીજું કંઈ, તેની સફળતા ત્યારે જ શક્ય છે જ્યારે પ્રેક્ષકોનો ‘નોસ્ટાલ્જિયા ફૅક્ટર’ પૂરો થાય. તેમને તેમના પ્રિય કલાકારો તેમની અપેક્ષા મુજબ જ દેખાવા જોઈએ. જોકે, આજે પણ પ્રેક્ષકોને સંજય દત્ત અને ઐશ્વર્યાનું જૂનું વર્જન જ વધુ પસંદ છે.
ભલે પ્રેક્ષકોની માગ હોય, ‘જેન ઝી’ તેમને ફરીથી જોવા માગતી હોય અને ‘શો મેન’ સુભાષ ઘાઈની બ્રાન્ડ વૅલ્યુ કાયમ હોય, પરંતુ અગાઉની ફ્રેન્ચઇઝીઓની હાલત જોઈને કોઈ ફાઇનાન્સર આમાં પૈસા ત્યારે જ રોકશે, જ્યારે તેને તેમની સફળતા પર કોઈ શંકા ન હોય.