સિદ્ધાર્થ છાયા
‘રામાયણ’માં હનુમાનજી જ નહીં દેખાય!
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર ધારી એવી હાઇપ ઊભી કરી શક્યું નથી. ટેક્નિકલ અને વિઝ્યુઅલ દૃષ્ટિએ ભલે તે ભવ્ય હોય છતાં લોકોના માનસપટલ પરથી રામાનંદ સાગરની સાત્વિક અને સરળ ‘રામાયણ’ની છાપ હજુ ભૂંસાઈ નથી. જોકે સિનેમા આખરે બિઝનેસ છે અને તેમાં કરોડો નું રોકાણ હોવાથી નફો રળવો અનિવાર્ય બને છે. તેથી નિર્માતાઓ એક ખાસ રણનીતિ સાથે આગળ વધી રહ્યા હોય તેવું લાગે છે.
આ ફિલ્મ બે ભાગમાં બનવાની છે તે નક્કી છે. આમ છતાં ટ્રેલરમાં હનુમાનજી બનતા સની દેઓલ ગાયબ હોવાથી ચાહકોને આંચકો જરૂર લાગ્યો હતો - ખાસ કરીને જ્યારે સની પાજી પોતે ટ્રેલર લૉન્ચ વખતે સ્ટેજ પર હાજર હતા! તો પછી આવું કેમ? હવે આ સવાલનો ખુલાસો થઈ ચૂક્યો છે. નિર્માતાઓની યોજના મુજબ પહેલા ભાગમાં હનુમાનજીની એન્ટ્રી દર્શાવવામાં જ નહીં આવે. પહેલો ભાગ માત્ર સીતાહરણ સુધી જ સીમિત રહેશે. મૂળ કથા અનુસાર પણ રામજીનો હનુમાનજી સાથેનો મેળાપ સીતાહરણ પછી જ થાય છે!
આ રણનીતિ અનુસાર સની દેઓલની એન્ટ્રી ફિલ્મની છેલ્લી ક્ષણોમાં અથવા તો ‘મિડ ક્રેડિટ’ કે ‘પોસ્ટ ક્રેડિટ’ સીનમાં જ જોવા મળશે, જેથી બીજા ભાગ માટે ‘કટપ્પા ને બાહુબલી કો ક્યોં મારા?’ જેવી ઉત્સુકતા ઊભી કરી શકાય. જોકે આ ગણતરી ત્યાં સુધી જ કારગત નીવડશે જ્યાં સુધી પહેલો ભાગ દર્શકોનાં દિલ જીતી શકે, નહિતર બધું ફોગટ સમજો! જો પહેલો ભાગ જ ન ચાલ્યો તો પછી બીજા ભાગનું શું? સોચ લો ઠાકુર!
‘હેવાન’નો નવો ખેલ: આંખો બંધ, કાન ખુલ્લા!
બોલિવૂડમાં પ્રમોશનના પેંતરા પણ અજીબોગરીબ હોય છે. સામાન્ય રીતે ફિલ્મના માર્કેટિંગમાં આંખો આંજી નાખે એવા વિઝ્યુઅલ્સનો મારો ચાલતો હોય છે, પણ આગામી ફિલ્મ ‘હેવાન’ના મેકર્સે ઊંધો જ દાવ ખેલ્યો છે. તેમણે પડદા પર સીન દેખાડવાને બદલે માત્ર અવાજનો રોમાંચ પીરસતો અનોખો ‘ઑડિયો પ્રોમો’ રિલીઝ કરીને દર્શકોના કાન સરવા કરી દીધા છે.
વાત જાણે એમ છે કે આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને અક્ષય કુમાર આમને-સામને ટકરાઈ રહ્યા છે. એક તરફ ‘હીરો’ બનેલા સૈફનો અવાજ છે તો બીજી તરફ ‘હેવાન’ના અવતારમાં અક્ષય કુમારનો ડરામણો અવાજ! નિર્માતાઓએ આ બંને વચ્ચેના ખરાખરીના જંગને કોઈ પણ વિઝ્યુઅલ વગર કેવળ અવાજના દમ પર રજૂ કર્યો છે. કાનમાં હેડફોન ભરાવીને સાંભળો તો લાગે કે બે દિગ્ગજો જાણે કાનની બરાબર બાજુમાં ઊભા રહીને બાખડી રહ્યા છે! દેશમાં આ પ્રકારનો ઑડિયો પ્રોમો કદાચ પહેલી વાર અજમાવામાં આવ્યો છે.
હવે સવાલ એ છે કે શું માત્ર અવાજથી થિયેટરો તરફ ભીડ ખેંચાશે? અક્ષય કુમારને છેલ્લે ક્યારે આટલા ખતરનાક વિલન તરીકે સાંભળ્યા હતા એ યાદ કરવું મુશ્કેલ છે અને સામે સૈફ પણ પૂરી ટક્કર આપી રહ્યા છે. 11 સપ્ટેમ્બરે જ્યારે આ ફિલ્મ બિગ સ્ક્રીન પર એન્ટ્રી મારશે ત્યારે ખબર પડશે કે આ અવાજનો જાદુ બૉક્સ ઑફિસ પર કેટલો રણકે છે. હા, બાકી આઇડિયા નવો છે એટલે સાંભળવાની મજા તો પડી હોં, ભાઈ!
શબાના-સંતોષી વચ્ચે શાબ્દિક ‘બટવારા’!
બૉક્સ ઑફિસ પર જ્યારે કોઈ મોટી ફિલ્મ મોટો ધડાકો કરવાને બદલે ‘ફૂસ્સ’ થઈ જાય ત્યારે દોષનો ટોપલો કોના માથે ફોડવો એની ચર્ચા બોલિવૂડમાં ધીરેધીરે ઘેરો રંગ પકડતી હોય છે. આમિર ખાન પ્રોડક્શન્સ અને રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘બટવારા 1947’ સાથે પણ કંઈક આવું જ બન્યું છે. ફિલ્મ થિયેટરોમાં ઊંધા માથે પટકાઈ એટલે અંદરખાને એનું ‘પોસ્ટમૉર્ટમ’ શરૂ થઈ ગયું છે.
શબાના આઝમીએ એવો તર્ક વહેતો કર્યો કે દર્શકો સની દેઓલને મુસ્લિમ પાત્રમાં પચાવી જ ન શક્યા! શબાનાજીનું માનવું છે કે અમિતાભ બચ્ચનને લોકોએ ‘કુલી’ કે ‘દીવાર’માં 786ના બિલ્લા સાથે વધાવ્યા હતા, પણ સની પાજીની ‘દેશભક્ત અને પાકિસ્તાન વિરોધી’ છાપ એટલી બળવાન છે કે પબ્લિક તેમને આ રૂપમાં સ્વીકારવા તૈયાર જ નથી. હવે ડિરેક્ટર રાજકુમાર સંતોષી આ વાત પોતાના ગળે ઉતારવા માટે એમ કહોને કે બિલકુલ તૈયાર નથી.તેમણે ‘અસંતોષી’ બનીને શબાના ની થિયરીને ફગાવતાં કહ્યું કે આ વાતમાં કોઈ દમ નથી! મનમોહન દેસાઈની ફિલ્મોમાં મુસ્લિમ હીરો સુપરહિટ રહ્યા છે.
આપણે આટલા અસહિષ્ણુ ક્યારથી થઈ ગયા? સંતોષીભાઈએ તો ત્યાં સુધી કહી દીધું કે જો કાલે સ્પાઇડરમેનનું નામ ‘અસલમ શેખ’ હોય તો શું લોકો તેને જોવાનું બંધ કરી દેશે?
જોકે સંતોષીસાહેબ કદાચ ભૂલી ગયા કે સિનેમામાં લૉજિક કરતાં પબ્લિકની ઇમેજ વધારે બોલે છે! તારા સિંહ બનીને હૅન્ડપંપ ઉખાડનારા સની પાજી પાસેથી કદાચ દર્શકો શાંતિ અને ભાઈચારાના સંવાદો સાંભળવા તૈયાર નહોતા. ટૂંકમાં, સ્ક્રીન પર ભાગલાની વેદના દેખાડવા જતા કલાકારો અને નિર્દેશકના વિચારોમાં જ ભાગલા એટલે કે ‘બટવારા’ પડી ગયા!
કટ એન્ડ ઓકે...
જેના ટીઝરે પહેલેથી જ જબરદસ્ત હાઇપ ઊભી કરી દીધી છે એવી કુણાલ ખેમુની ફિલ્મ ‘વાઇબ’માં તેમનાં સાસુમા શર્મિલા ટાગોર ખાસ કેમિયો કરતાં જોવા મળશે!