Sat Sep 05 2026

Logo

તાજ કોરિડોર કૌભાંડે માયાવતીના સત્તાના સિંહાસનને હચમચાવી નાખ્યું

2026-08-26 07:50:32
Author: Praful Shah
તાજ કોરિડોર કૌભાંડે માયાવતીના સત્તાના સિંહાસનને હચમચાવી નાખ્યું

પ્રફુલ શાહ

તાજ હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટને તાજ કોરિડોર કૌભાંડ બનાવનારાં અનેક પરિબળો હતાં. રાજકારણીઓ, બાબુ લોગ અને ઉદ્યોગપતિઓની ચોંકાવનારી ગેરકાયદે અને અનૈતિક હરકતો વિશે જાણીએ. 

પર્યાવરણ કાર્યકરોએ સાફસાફ ચેતવણી આપી હતી કે નદીના પટમાં ફેરફાર થવાથી ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા પ્રવાહીના લીધે તાજમહેલના રંગમાં થતા ફેરફારો વધુ ગંભીર બની શકે છે. એટલું જ નહિ યુનેસ્કો દ્વારા સંરક્ષિત સ્થળના પર્યાવરણીય પરિદૃશ્યમાં ફેરફાર પણ થઈ શકે છે. 

આ કઈ નાનીસુની બેદરકારી કહેવાય? 
સુપ્રીમ કોર્ટને મામલો એકદમ ગંભીર લાગ્યો.આને લીધે સુપ્રીમ કોર્ટે 2003માં બાંધકામ જ અટકાવી દીધું. સાથોસાથ ગુનાહિત ગેરરીતિ અંગે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તપાસ કરવાનો આદેશ પણ આપી દીધો હતો.

સીબીઆઈ પોતાની રીતે તપાસ કર્યા બાદ મુખ્ય પ્રધાન માયાવતી, તેમના કેબિનેટ પ્રધાન નસીમુદ્દીન સિદ્દીકી ઉપરાંત કેટલાક અધિકારીઓ સામે પ્રથમ માહિતી અહેવાલ (એફઆઇઆર) નોંધ્યો હતો. 

અખબારી અહેવાલોના પ્રભાવ અને 1 મે 2003ના સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ 15 જૂન 2003ના રોજ જ કામ સંપૂર્ણપણે અટકાવવામાં આવ્યું હતું. કોર્ટે ફરજિયાત બનાવાયેલા પર્યાવરણીય અસર મૂલ્યાંકન અને વન સંરક્ષણનાં ધોરણોનું પાલન ન કરાયું હોવાનું સ્પષ્ટ થયું હતું સીબીઆઈએની  તપાસમાં પર્યાવરણ અને વન કાયદાના ઉલ્લંઘનના આક્ષેપો પણ થયા હતા અને પ્રોજેક્ટની ઉતાવળા અમલને વ્યાપક અનિયમિતતાઓ સાથે જોડવામાં આવી હતી.

આ બધા આરોપીઓ પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સત્તાના દુરુપયોગ અને કાવતરાના આરોપો મૂક્યા હતા. પરંતુ અંતે માયાવતી સામેની કાર્યવાહી અદાલતો દ્વારા પૂરતા પુરાવાના અભાવે રદ થઈ હતી. આ કૌભાંડમાં તેમના અંગત લાભ સાથે સીધી કડી સ્થાપિત થઈ શકી નહોતી.

જો કે 2023માં આ કેસ ફરી ચર્ચામાં આવ્યો હતો જ્યારે ઉત્તર પ્રદેશ સરકારે એન. પી. સી. સી.(નૅશનલ પ્રોજેક્ટ ક્ધસ્ટ્રકશન કૉર્પોરેશન)ના ભૂતપૂર્વ જનરલ મૅનેજર સામે સીબીઆઇને કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી હતી. આ મામલો જાહેર પ્રોજેક્ટોની દેખરેખમાં જવાબદારી નક્કી કરવામાં રહેલી લાંબા સમયની ખામીઓને ઉજાગર કરતો હતો.

આ કૌભાંડની માયાવતીએ ભારે રાજકીય કિંમત ચુકવવી પડી હતી. આ કૌભાંડ માયાવતીની સત્તા ગુમાવવા માટેનું એક કારણ બન્યું હતું. ચૂંટણી પ્રચારમાં રાજકીય હરીફોએ તાજ કોરિડોર કૌભાંડ થકી તેમના શાસનની પ્રામાણિકતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. 

આ કૌભાંડે મચાવેલા હોબાળા અને ઊથલપાથલને પરિણામે સ્થળનો પ્રસ્તાવિત પુનર્વિકાસ અટવાયેલો રહ્યો છે, પરંતુ એક સારું પરિણામ આવ્યું એ પછીના પ્રસ્તાવોમાં ધંધા અને નફા સાથે પર્યાવરણની જાળવણી અને પુન:સ્થાપનને મહત્ત્વ મળવા લાગ્યું. (સંપૂર્ણ)