Thu Jun 18 2026

Logo

સૂર્યકુમારની કૅપ્ટન્સી જઈ શકે? ટીમ ઇન્ડિયામાંથી પણ બહાર થઈ શકે!

2026-04-14 19:14:53
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં ભારત ભલે તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપ જીત્યું, પરંતુ તેની કૅપ્ટન્સી ખતરામાં છે તેમ જ ટીમ ઇન્ડિયામાં સ્થાન જાળવી રાખવું પણ તેના માટે મુશ્કેલ છે એમ એક અહેવાલ પરથી કહી શકાય.

સૂર્યકુમાર (Suryakumar) ઘણા મહિનાઓથી બૅટિંગમાં ફૉર્મ જાળવી નથી શક્યો. તે ટી-20માં ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળીને જિતાડી રહ્યો છે, પણ તેનું બૅટ શાંત પડી ગયું છે જે ટીમ માટે ચિંતાનો વિષય છે અને સિલેક્ટરો માટે વિચારવા જેવી વાત છે.

આઇપીએલ પછી ભારતની ટી-20 ટીમ આયરલૅન્ડના ટૂંકા પ્રવાસે જશે અને ત્યાં સૂર્યકુમારને જ ટીમનું સુકાન (captaincy) સોંપાશે એવી સંભાવના છે. જોકે 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સની વાત કરીએ તો તે નબળા બૅટિંગ ફૉર્મને લીધે ટીમમાં પણ હશે કે નહીં એ સવાલ છે. બીસીસીઆઇના એક સૂત્રના જણાવ્યા અનુસાર `સૂર્યા ભારતની ટી-20 ટીમનો કૅપ્ટન જરૂર છે, પરંતુ તે સારી બૅટિંગ કરે એ પણ જરૂરી છે.'

સૂર્યકુમાર માટે ટીમમાં સલામતીની મુખ્ય વાત એ છે કે હેડ-કોચ ગૌતમ ગંભીર સાથે તેનો સારો તાલમેલ છે અને ગંભીર માટે ટી-20ના કૅપ્ટન તરીકે સૂર્યા પ્રથમ પસંદગી છે. 2028ની ઑલિમ્પિક્સ સુધીમાં સૂર્યા 38 વર્ષનો થઈ ગયો હશે એટલે તેની કૅપ્ટન્સી ચર્ચામાં તો રહેશે જ. 2025નું વર્ષ સૂર્યા માટે બહુ ખરાબ હતું.

એમાં તેનો સ્ટ્રાઇક-રેટ 120.00થી પણ ઘટી ગયો હતો અને એ વર્ષમાં તેની એક પણ હાફ સેન્ચુરી નહોતી. મોટી ટીમો સામે તેનું બૅટ ચાલ્યું જ નહોતું. ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં તે 11 રન કરીને આઉટ થઈ ગયો હતો અને ન્યૂ ઝીલૅન્ડ સામે તે ખાતુ જ નહોતો ખોલાવી શક્યો.