Thu Jun 18 2026

Logo

રાજસ્થાનનું રજવાડું ગયુંઃ હૈદરાબાદના નવા બોલર હિન્ગેએ હાહાકાર મચાવ્યો

2026-04-13 23:45:26
Author: Ajay Motiwala
Article Image

IPL


રિયાન પરાગની ટીમ હવે અપરાજિત નથી, વિદર્ભના પ્રફુલ હિન્ગે અને સાકિબ હુસૈને ચાર-ચાર વિકેટ લીધી

હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદે (20 ઓવરમાં 6/216) અહીં સોમવારે રાજસ્થાન રૉયલ્સ (19 ઓવરમાં 10/159)ને હરાવીને એને આ વખતની આઇપીએલની પહેલી હાર જોવડાવી હતી. રિયાન પરાગની ટીમ પહેલી સતત ચાર મૅચ જીત્યા બાદ પાંચમી મૅચમાં પરાજિત થઈ છે. હૈદરાબાદે પાંચ મૅચમાં બે જીત માણી છે. હૈદરાબાદને કાર્યવાહક કૅપ્ટન ઇશાન કિશને (91 રન, 44 બૉલ, છ સિક્સર, આઠ ફોર) 200-પ્લસનો સ્કોર અપાવ્યો ત્યાર બાદ બોલિંગમાં નવા પેસ બોલર પ્રફુલ હિન્ગે (4-0-34-4)એ આઇપીએલમાં પોતાની ડેબ્યૂ ઓવરમાં સનસનાટી મચાવી દીધી હતી. તેણે એ ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી. બીજા પેસ બોલર સાકિબ હુસૈન (4-0-24-4)નું પણ હૈદરાબાદની જીતમાં મોટું યોગદાન હતું. બે વિકેટ એશાન મલિન્ગાને મળી હતી.

નવ રનમાં રાજસ્થાનની પાંચ વિકેટ

રાજસ્થાને નવ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ રવીન્દ્ર જાડેજા (45 રન, 32 બૉલ, પાંચ ફોર) અને સાઉથ આફ્રિકન ખેલાડી ડૉનોવાન ફરેરા (69 રન, 44 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 118 રનની ભાગીદારી થઈ હતી જે છેવટે એળે ગઈ હતી.

IPL

કોણ છે પ્રફુલ હિન્ગે?

હૈદરાબાદમાં આ વખતની સૌથી સફળ ટીમ રાજસ્થાનની કફોડી હાલત થઈ ગઈ હતી. બૅટિંગ શરૂ થયા બાદ થોડી જ વારમાં આ ટીમની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. હૈદરાબાદે નાગપુર (વિદર્ભ)ના 24 વર્ષીય રાઇટ-આર્મ પેસ બોલર પ્રફુલ હિન્ગેને સોમવારે આઇપીએલમાં ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો અને તેણે એ તક ઝડપીને પોતાની પહેલી જ ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી. બહુચર્ચિત વૈભવ સૂર્યવંશી (0) પોતાના પહેલા જ બૉલમાં સિક્સર ફટકારવાની લાલચે કૅચ આપી બેઠો હતો. તેના આ ગોલ્ડન ડક બાદ ચોથા બૉલમાં ધ્રુવ જુરેલ (0) ક્લીન બોલ્ડ થયો હતો અને છઠ્ઠા બૉલમાં લુઆન-ડ્રે પ્રિટોરિયસ (0) કૅચઆઉટ થયો હતો. હિન્ગેએ પહેલી જ ઓવરમાં કલાકે 140 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકીને ત્રણ વિકેટનો તરખાટ મચાવ્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં વિદર્ભ વતી રમતા હિન્ગેને હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીએ 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો. તેણે 10 ડોમેસ્ટિક મૅચોમાં 27 વિકેટ લીધી છે.

કોણ છે સાકિબ હુસૈન?

બીજા પેસ બોલર સાકિમ હુસૈનને પણ હૈદરાબાદે 30 લાખ રૂપિયામાં મેળવ્યો છે. તેણે બીજી ઓવર બોલિંગ કરી હતી જેમાં તેણે યશસ્વી જયસ્વાલ (1 રન)ની વિકેટ લીધી હતી. બે ઓવરને અંતે રાજસ્થાનનો સ્કોર 4/4 હતો અને ત્યાર પછી હિન્ગેએ પોતાની બીજી ઓવરમાં રિયાન પરાગ (ચાર રન)ને આઉટ કરીને ચોથી વિકેટ લીધી હતી. 21 વર્ષનો સાકિબ હુસૈન બિહાર વતી ડોમેસ્ટિકમાં રમી ચૂક્યો છે.

IPL

વાઇસ કૅપ્ટનનો ઝીરો, કૅપ્ટન સદી ચૂક્યો

એ પહેલાં, હૈદરાબાદે ટૉસ હાર્યા બાદ પ્રથમ બૅટિંગ મળી એનો ફાયદો ઉઠાવ્યો હતો અને 20 ઓવરમાં છ વિકેટે 216 રન કરીને રાજસ્થાનને 217 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. વાઇસ કૅપ્ટન અભિષેક શર્મા પહેલા જ બૉલમાં આઉટ થયો હતો અને ટ્રૅવિસ હેડ 18 રન કરી શક્યો હતો. કૅપ્ટન ઇશાન કિશન નવ રન માટે સદી ચૂકી ગયો હતો. તેણે નવ રન કર્યા હોત તો આ વખતની આઇપીએલમાં ચેન્નઈના સંજુ સૅમસન પછીનો બીજો સેન્ચુરિયન બન્યો હોત. જોકે હિન્રિક ક્લાસેન (ત્રણ સિક્સર, એક ફોર સાથે 40 રન), નીતીશ કુમાર રેડ્ડી (ચાર સિક્સર સાથે 28 રન) અને વિકેટકીપર સલીલ અરોરા (બે સિક્સર, બે ફોરની મદદથી અણનમ 24)એ પણ હૈદરાબાદના સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. જોફ્રા આર્ચરે સૌથી વધુ બે વિકેટ અને રિયાન પરાગ, સંદીપ શર્મા અને તુષાર દેશપાંડેએ એક-એક વિકેટ મેળવી હતી.

IPL

હિન્ગે-હુસૈનનો સમાવેશ ફળ્યો

રાજસ્થાનની ટીમમાં બે ફેરફાર કરાયા હતા. શિમરૉન હેટમાયરને આરામ અપાયો હતો અને બૅટ્સમૅન લુઆન-ડ્રે પ્રિટોરિયસને રમવાની તક અપાઈ છે. પેસ બોલર બ્રિજેશ શર્માના સ્થાને તુષાર દેશપાંડેને ફરી રમવાનો મોકો અપાયો હતો. હૈદરાબાદે બે પેસ બોલર હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટને ઇલેવનમાં નહોતા સમાવ્યા અને વિદર્ભના પેસ બોલર પ્રફુલ હિન્ગેને ડેબ્યૂનો મોકો આપ્યો હતો. સાકિબ હુસૈન ઇમ્પૅક્ટ પ્લેયર ટ્રૅવિસ હેડના સ્થાને તરીકે રમ્યો હતો.