ભરત પટેલ
ભગવાન શિવ વરદાન આપવા સિંદૂર પાસે પહોંચે છે અને કહે છે, ‘સિંદૂર આંખ ખોલો, માગો શું વરદાન જોઈએ છે?’ સિંદૂર તેમને પૂછે છે કે ‘શું તમે જ ભગવાન શિવ છો?’ પ્રસન્ન ભગવાન શિવ કહે છે, ‘અવશ્ય હું જ શિવ છું, હું તમારી આરાધનાથી પ્રસન્ન છું, વરદાનમાં શું જોઈએ છે એ કહો.’ સિંદૂર વરદાન માગતા કહે છે, ‘પ્રભુ મને પિતાશ્રીએ કહ્યું હતું કે ‘તમને પંચભૂતો, દેવતાઓ, દાનવો, યક્ષો અને મનુષ્યથી કોઈ ભય નહીં રહે. ઇન્દ્ર કે યોગપાલ પણ તારું કંઇ બગાડી નહીં શકે. પુત્ર તમને દિવસ હોય કે રાત્રી, સજીવ કે નિર્જીવ વસ્તુથી ભય નહીં રહે.
જો તું તારી ભુજાઓમાં કોઈને જકડી લેશે તો વિરોધીના શરીરના સેંકડો ટુકડા થઈ જશે. તારે ત્રણે લોકમાં જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે તને કોઈ રોકી નહીં શકે‘ પ્રભુ મને આ જ વરદાન આપો.’ ભગવાન શિવ કહે છે, ‘તથાસ્તુ!’ વરદાન મેળવી સિંદૂર ફરી એ ગામમાં જતાં ત્યાંના ગામવાસીઓ તેને ચેતવણી આપે છે કે અહીંથી ચાલ્યો જા. પણ સિંદૂર હવે વરદાની હોવાથી એક બે જણને પોતાની ભુજામાં જકડી લેતાં તેઓ ત્યાં જ પોતાનો જીવ ગુમાવી બેસે છે.
હવે આ જોઈ ગામવાસીઓ ભયભીત થઈ જાય છે. ગામવાસીઓ તેની પૂજા કરી તેને ભોગ ધરાવે છે. દરરોજ નવા નવા ભોગ મેળવી સિંદૂર પોતાને જ ભગવાન માનવા લાગે છે અને ભોગ ચઢાવવા આવનાર ગામવાસીઓને આશિર્વાદ આપે છે. ગામવાસીઓમાં સિંદૂર સમયાંતરે સિંદૂરાસુર નામ પ્રખ્યાત થવા માંડે છે. ગામવાસીઓ વિચારે છે કે સિંદૂરાસુરને કેટલો વખત અહીં પાળવો અંતે તેઓ યુક્તિ કરે છે અને સિંદૂરાસુરને વિનંતી કરતા કહે છે કે તમે અહીં રહીને તમારી ખ્યાતિને વિકસાવી નથી રહ્યા, તમે તો સ્વર્ગલોકના સ્વામી બનવાને પાત્ર છો અહીં તમને શું મળશે, અહીં કરતા સ્વર્ગલોકના રાજા બનીને તમે વધુ ખ્યાતિ પામશો.
સિંદૂરાસુર ગામવાસીઓની વાત માની ત્યાંથી સ્વર્ગલોક તરફ પ્રયાણ કરે છે. સિંદૂરાસુર સ્વર્ગલોક પહોંચતાં જ દેવગુરુ બૃહસ્પતિ, દેવરાજ ઈન્દ્ર અને દેવગણો સ્વર્ગલોકથી પલાયન થાય છે. હવે સ્વર્ગવિજેતા સિંદૂરાસુર સ્વર્ગલોકના સિંહાસન પર બિરાજમાન થાય છે. સ્વર્ગાધિપતી સિંદૂરાસુરનો આદેશ મળતાં જ અપ્સરાઓ નૃત્ય કરવા દરબારમાં પહોંચી જાય છે. સ્વર્ગની અપ્સરાઓનો નૃત્ય જોઈ સિંદૂરાસુર પ્રસન્ન થાય છે અને ઘણા સમય સુધી પોતાનો નિવાસ ત્યાં કરે છે.
એક દિવસ દરબારમાં અપ્સરા નૃત્ય કરતી હોય છે અને પ્રસન્ન સિંદૂરાસુરને એનો સેવક મદિરા પાન કરાવતો હોય છે ત્યારે સિંદૂરાસુર કહે છે, ‘ભલુ થજો એ ગામવાસીઓનું જેમણે આપણને સ્વર્ગલોક મોકલ્યાં, અહીં આપણને ઘણું સુખ અને અપ્સરાનું નૃત્ય પાન મળી રહ્યું છે.
આ આ વાત અપ્સરા સાંભળી જતાં તેઓ પણ વિચારે છે કે મૃત્યુલોકના ગામવાસીઓએ યુક્તિ કરીને સિંદુરાસુરને અહીં મોકલી આપ્યો એમ આપણે પણ એને અહીંથી ક્યાંક મોકલી આપવો જોઈએ. ચાલાક રંભા કહે છે, ‘હે સ્વર્ગાધિપતી સિંદૂરાસુર! અમને ખબર છે કે અહીં સ્વર્ગલોકમાં તમને કોઈ ઓછપ નથી પણ વૈકુંઠલોક અને કૈલાસના સ્વામી બનાવાની ખ્યાતિ અને પ્રતિષ્ઠા કંઈક જુદી જ હોય છે અમે ઈચ્છીએ કે સ્વર્ગાધિપતી સિંદૂરાસુર વૈકુંઠલોકાધિપતિ અને કૈલાસાધિપતિ પણ બને. તો તમારું વરદાન સાર્થક થાય.
* * *
વાત સાંભળી સિંદૂરાસુર વિચારે છે કે વાત તો સાચી છે, અહીં બેસીને મારી ખ્યાતિ કાંઈ વધવાની નથી, મારે આગળ વધી વૈકુંઠલોક અને કૈલાસ વિજેતા બનવું જોઈએ તો મારી ખ્યાતિ ત્રણે લોકમાં પ્રસ્થાપિત થશે.
સિંદૂરાસુર: ‘સૈનિકો, ચાલો તૈયાર થાઓ, સ્વર્ગાધિપતિ સિંદૂરાસુર વૈકુંઠલોક અને કૈલાસલોક પર વિજય મેળવવા આતુર છે, ચાલો સૈનિકો અસુરજાતિને સર્વોચ્ચ શિખરે પહોંચાડવા કમર કસીએ.’
* * *
સામે પક્ષે પલાયન થયેલા દેવરાજ ઇન્દ્ર અને દેવગણો સિંદૂરાસુરની ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા.
દેવરાજ ઇન્દ્ર: ‘ગુરુદેવ, સિંદૂરાસુર તો વૈકુંઠલોક અને કૈલાસ પર આક્રમણની તૈયારી કરી રહ્યો છે, હવે આપણે શું કરવું રહ્યું?’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ હવે પરિસ્થિતિ અને સિંદૂરાસુરની મન:સ્થિતિ બંને બગડી ગયા છે, આપણે તુરંત બ્રહ્માજી પાસે પહોંચવું રહ્યું.’
દેવગુરુ બૃહસ્પિતિનો આદેશ મળતાં જ દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણો બ્રહ્મલોક પહોંચે છે.
દેવગુરુ બૃહસ્પતિ: ‘બ્રહ્માજી! તમને તો જ્ઞાત જ છે કે તમારો પુત્ર સિંદૂરાસુરની મન:સ્થિતિ બગડી ગઈ છે, સ્વર્ગલોકની અપ્સરાઓએ તેના મસ્તિષ્કમાં ઘુસાવી દીધું છે કે વૈકુંઠલોક અને કૈલાસલોક પર પ્રભુત્વ મેળવતાં જ તેની ખ્યાતિ ત્રણે લોકમાં પ્રસરી જશે. તે આગળ વધી વૈકુંઠલોક અને કૈલાસલોકના સ્વામી બનવાનાં સપનાં જોઈ રહ્યો છે.
બ્રહ્માજી: ‘દેવગણો આ ચિંતાનો વિષય તો છે જ, પણ આનો ઉપાય શોધવા આપણે તુરંત વૈકુંઠલોક જવું જોઈએ, શ્રીહરિ વિષ્ણુ એનો સાચો ઉકેલ આપશે.’
બ્રહ્માજી, દેવરાજ ઇન્દ્ર સહિત સમસ્ત દેવગણ વૈકુંઠલોક પહોંચે છે.
માતા લક્ષ્મી: ‘બ્રહ્માજી સહિત દેવગણનું વૈકુંઠલોકમાં સ્વાગત છે. શ્રીહરિ વિષ્ણુ તો નિંદ્રાધીન છે, તેમને કઈ રીતે ઉઠાડી શકાય.’
દેવરાજ ઈન્દ્ર: ‘માતા દેવગણો સંકટમાં છે અને સિંદૂરાસુર નામનો અસુર વૈકુંઠલોક અને કૈલાસલોક નો સ્વામિ બનવા તેના સૈન્ય સાથે આગેકૂચ કરી રહ્યો છે. માતા માર્ગદર્શન કરો શું કરવું જોઈએ.’
માતા લક્ષ્મી: ‘તમે તો જોઈ જ રહ્યા છો કે સ્વામી નિદ્રાધીન છે તેમને ઉઠાડી શકાય નહીં, તમે કૈલાસ જાઓ ભગવાન શિવ જ આનો ઉકેલ લાવશે, તેમણે જ વરદાન આપ્યું છે, તેઓ હકીકતથી વાકેફ જ હશે.’
માતા લક્ષ્મીની વાત બ્રહ્માજી, દેવરાજ ઈન્દ્ર અને દેવગણને યોગ્ય લાગતાં તેઓ કૈલાસ ખાતે પહોંચે છે.
કૈલાસ ખાતે ભગવાન શિવ તપમાં લીન હોય છે.
માતા પાર્વતી: ‘કૈલાસ ખાતે બ્રહ્માજી, દેવરાજ ઇન્દ, દેવગુરુ બૃહસ્પતિ અને દેવગણોનું સ્વાગત છે, કહો બધા સાથે કેમ પધાર્યા છો?’
દેવગુરુ બૃહસ્પતિ: ‘માતા દેવગણો મુશ્કેલીમાં છે, બ્રહ્માજીના પુત્ર સિંદુરાસુરને ભગવાન શિવે વરદાન આપ્યું છે કે તેને પંચભૂતો, દેવતાઓ, દાનવો, યક્ષો અને મનુષ્યથી કોઈ ભય નહીં રહે. ઇન્દ્ર કે યોગપાલ પણ તારું કંઇ બગાડી નહીં શકે. દિવસ હોય કે રાત્રી, સજીવ કે નિર્જીવ વસ્તુથી ભય નહીં રહે. જો તું તારી ભુજાઓમાં કોઈને જકડી લેશે તો વિરોધીના શરીરના સેંકડો ટુકડા થઈ જશે. તારે ત્રણે લોકમાં જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે તને કોઈ રોકી નહીં શકે. પ્રથમ અમે ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે ગયા હતાં, પણ તેઓ ક્ષિરસાગરમાં નિદ્રાધીન હતા, એટલે અમે ભગવાન શિવ અને તમારી શરણે આવ્યા છીએ, અહીં ભગવાન શિવ પણ તપસ્યામાં લીન છે.’
માતા પાર્વતી: ‘ઓહ! આવું વરદાન શિવજીએ આપ્યું?’
દેવરાજ ઈન્દ્ર: ‘હા માતા આવું વરદાન ભગવાન શિવે જ સિંદૂરાસુરને આપ્યું, પણ વરદાનની યુક્તિ તો બ્રહ્માજીએ જ સિંદૂરાસુરને આપી હતી.’
બ્રહ્માજી: ‘દેવી! મને લાગ્યું નહોતું કે મારો પુત્ર અસુરી વૃત્તિ ધરાવતો હશે, એટલે મેં એને કહી દીધું કે, જા પુત્ર તમને પંચભૂતો, દેવતાઓ, દાનવો, યક્ષો અને મનુષ્યથી કોઈ ભય નહીં રહે. ઇન્દ્ર કે યોગપાલ પણ તારું કંઇ બગાડી નહીં શકે. પુત્ર તમને દિવસ હોય કે રાત્રી, સજીવ કે નિર્જીવ વસ્તુથી ભય નહીં રહે. જો તું તારી ભુજાઓમાં કોઈને જકડી લેશે તો વિરોધીના શરીરના સેંકડો ટુકડા થઈ જશે. તારે ત્રણે લોકમાં જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે તને કોઈ રોકી નહીં શકે.’
માતા પાર્વતી: ‘બ્રહ્માજી, આમાં તમારી કોઈ ભૂલ નથી, માનવ હોય કે દાનવ! દરેકની માનસિકતા તેનો જન્મ કઈ પરિસ્થિતિમાં થયો તેના પર અવલંબે છે. હવે આવી પરિસ્થિતિમાં દેવતાઓએ જ હિંમત કરી સિંદૂરાસુર સાથે યુદ્ધ કરી તેને મહાત કરવો જોઈએ.’
દેવરાજ ઇન્દ્ર: ‘ભગવાન શિવનું વરદાન મેળવ્યા બાદ સિંદૂરાસુર છાકટો થઇ ગયો છે, તેને ખબર છે કે એ વરદાની છે દેવગણો એનું કંઈ બગાડી શકતા નથી એટલે હવે એ વૈકુંઠલોક અને કૈલાસલોક પર આક્રમણ કરવા આવી રહ્યો છે.’ આટલું સાંભળતાં જ ત્યાં ઉપસ્થિત ભગવાન ગણેશ ક્રોધિત થઈ જાય છે.
ભગવાન ગણેશ: ‘દેવગણો ચિંતિત ન થાઓ, સિંદુરાસુર વૈકુંઠલોક અને કૈલાસલોક પર આક્રમણ કરે, તે પહેલાં હું જ તેનો નાશ કરીશ.’ (ક્રમશ:)