ડૉ. બળવંત જાની
અમારું મૂળ વતન કુંદણી. કોઠી, કનેસરા સુધી અમારા યજમાનો. મારી બાનું મોસાળ કોઠી. ત્યાં બીરાજતા લીલાપીર, આવડઆઈ અને ખેતલાબાપામાં મારી બાને અપાર શ્રદ્ધા. કોઈ ચારણને જ કોઠીમાં આવડમાતાના આસનનો ભાસ થયેલો અને ત્યાં ટેકરીની ધારમાંથી એનું આસન પ્રાપ્ત થયેલું. મારી બાને એમનાં નંદલાલમામા ઉપર પણ ખૂબ શ્રદ્ધા. મારે અવાર-નવાર જસદણથી મારા નાની શાંતાબા સાથે કોઠી જવાનું બનતું.
કોઠી બહુ જૂનું, કુંદણીની માફક એ પણ કાઠી દરબારોનું-ગરાસદારોનું ગામ઼ સમૃદ્ધિ પણ ઘણી. નંદલાલદાદા કહેતા પાળિયાદ, પંચાળ અને કોઠીના ખાચર પીર થઈને પૂજાય છે એવા તો એ ચારિત્ર્યશીલ. મને કહેતા કે તારા ત્રિભુવનઅદા એને રામાવળાનું રામાયણ ચૈતર મહિનામાં અહીં આપાદાનાના વડવાને સંભળાવવા આવતા અને પછી જસદણ પણ જતા. કુંદણીમાં હિંગળાજ માતાના અને ભૂતનાથના પૂજાના દાણાં તથા શીખ અહીંથી અપાતા. પછી તમારા દાદા કુંદણીથી કમળાપુર ગયા. આછું-આછું આવું મેં સાંભળ્યાનું સ્મરણ છે.
મારી બા આવડઆઈને સુખડી અને ખેતલાબાપાને નાળિયેર ધરતા. એક વખત અમારા શૂરાપૂરા નાગરબાપા કુંદણી બીરાજે છે. એથી અમે કોઠી-કુંદણી દર્શન કરીને પછી દહીંસરાથી બસમાં ચઢયા. બસમાં અમને ખડકાણાં વાળા ખેમરાજભાઈ ડ્રાઈવર હતા. મને મારી બા-બાપુજી સાથે જોઈને કહે જયમાતાજી કે ભૂદેવ ક્યાંથી પધાર્યા. મેં કહ્યું કોઠી-કુદણી ગયા હતા લ્યો આવડઆઈ અને ખેતલાબાપાનો પ્રસાદ, પોતે સુખડી માથે ચડાવી. આવડઆઈનો દુહો કીધો અને બોલેલા કે કોઠીમાં અમારાં ચારણે આવડઆઈને બેસાડેલા ઈ ત્યાંના ભુદેવને ખબર હશે.
હમણાં નાગલઆઈ નામછાપની રચાયેલી એક ચરજ મને મળી અને મને મારી તરુણાવસ્થામાં સાંભળેલી વિગતો સ્મરણે ચડી. સ્નેહીશ્રી ડો.અંબાદાન રોહડિયા પાસે એમના પિતાશ્રીવાળી કોઠીની વાતની ખરાઈ કરેલી. આપણો લોકસાંસ્કૃતિ ઈતિહાસ ખોળવો-ઉકેરવો પડશે. આપણી શ્રદ્ધાના ઠેકાણાં આવડઆઈ, ખેતલાબાપા અને લીલાપીર‘ સુધી વિસ્તરેલા જણાય છે.
આવડઆઈની મહત્તા પાંચાળ પ્રદેશમાં એનાં પરચાને કારણે પ્રખ્યાત છે.
પરચાં પૂર્યા પંચાળમાંને, ત્યાં બેસણાં ચારણઆઈ
કોઠી ગામને તરભેટેમાં, આયના બેસણાં આવડઆઈ (ટેક)...
સિંદૂરિયા તરહૂળ દેખાણાંને, આઈમાં બેઠા તે ઠામ,
ધારને ખોદીને શીલા નીકળી માં, રૂડાં આવડમાંને કામ
પરચાં પૂર્યા.....
આપાદાનાની જનમ ભોમકા એ ને, જે પૂજાણાં થઈને પીર
ભોળિયોનાથ ભીડ ભાંગો માં, ગરાસે છે ખેતા ખાચર વીર
પરચાં પૂર્યા.....
હરિહરનો કાયમ હાદ પડે ને, પંગાતનો નહીં કંઈ પાર
માથું પડે ને ધડ ધીંગાણેમાં, એની વીરતા અપરંપાર
પરચાં પૂર્યા.....
લખુ ખાચરને આઈએ દીધેલા ને, ગભરભાઈ રૂપાળું નામ
કુળ ખાચરનું ઉજાળિયુંમાં, કીધાં એણે ભારે મોટા કામ
પરચાં પૂર્યા.....
ભેળિયાવાળીમાં ભેરે આવીને, વરતાવે પંચાળે આણ
નાગલબાઈ કરજોડીને વિનવે, કાયમ આપજો આવડઆઈ
પરચાં પૂર્યા.....
સ્તુતિમાં આવડઆઈના પ્રગટ પરચા પૂરવાનું આલેખન છે. પરંતુ એમનું જસદણ નજીકના પણ પંચાળનો-કાઠી ગરાસદારોનો-ભાગ ગણાતા કોઠી સામે પ્રગટ થયેલા, ટેકરીની ધારમાંથી પોતાનું આસન નીકળ્યું પોતાને બેસવાના કામને માટે પત્થરની શીલા નીકળે અને ત્યાં ચારણ દ્વારા સ્થાપના થાય. સિંદૂરના લેપવાળું ત્રિશુળ સ્થપાય.
ચલાલામાં જેમનું સ્થાનક છે એ આપાદાનાના પૂર્વજોનું મૂળ ગામ કોઠી. આમ આ ધરતી એવી પવિત્ર અને તેજસ્વી કે ત્યાં આવી ચેતનાનું મૂળ હોય. ભોળાનાથનું મંદિર અને મૂળ પુરુષ ખેતા ખાચર વીરનો નિવાસ. અહીં ભૂખ્યા-દુખિયાને કાયમ રોટલો મળતો. હરિહરનો સાદ પડે અને એકપંગતે બધા પાર વગરના શ્રદ્ધાળુ પ્રસાદ લેવા પધારતા. લખુ ખાચર, ગભરુભાઈ જેવા ખાચર કુળને ઉજાળનારા ગરાસદારો ઉપર કૃપા વરસાવનાર આઈ આવડે એમના ભારે મોટા-મોટા કામ પાર પાડેલા.
પૂરા પંચાળ પ્રદેશ-ઠાંગા પર કૃપા વરસાવનારી ભેળિયાવાળી આવડઆઈ તમે મારી મદદે રહેજો એવું બે હાથ જોડીને નાગલઆઈ માગે છે અને વિનવે છે કે મને કાયમ તમારી ઉપસ્થિતિનું પરમાણ-પ્રમાણ આપતા રહીને પરચા પૂરતા રહેજો.
નાગબાઈઆઈની આઈ આવડને પ્રાર્થના એના પ્રાગટય સ્થળનો મહિમા અને એમનું શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપતું વ્યક્તિત્વ અહીં નિરૂપાયું છે. જૂના ગામ અને એના ટીંબા કેવા પ્રતાપી રાજકૂળથી પૂજાયેલા એની વિગત પણ એમાં નિહિત છે.