મુકેશ પંડ્યા
હજારો વર્ષથી અસ્તિત્વમાં આવેલા સનાતન ધર્મના નેજા હેઠળ અનેકોનેક વિદ્વાનોએ જે તે સમયના માનવ સમાજને માર્ગદર્શન આપતા અનેક ધર્મગ્રંથો આપ્યા છે તેને ચાર ભાગોમાં વહેંચી શકાય.
શ્રુતિ, સ્મૃતિ, પુરાણ અને ઇતિહાસ.
શ્રુતિ એટલે શ્રવણ કરીને અર્થાત્ સાંભળીને મેળવેલું જ્ઞાન. આ જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરાની રૂએે બોલવા-સાંભળવાની પ્રક્રિયા દ્વારા દરેક પેઢીને મળ્યુ એટલે એ શ્રુતિ તરીકે પ્રસિદ્ધ થયું જેમાં આપણા પ્રાચીન વેદોનો સમાવેશ થાય છે.
આ વેદ પણ સૃષ્ટિના પ્રારંભે વાણી રૂપે જ તપસ્વીઓને સાંભળવા મળ્યા હતા જે પેઢી દર પેઢી જ્ઞાન સ્વરૂપે ઊતરી આવ્યા. આ દેવવાણી ગણાતા વેદોમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નહોતી, પરંતુ પછીના સમયમાં જે સ્મૃતિ ગ્રંથો લખાયા તેમાં નામ પ્રમાણે જ સ્મૃતિ અર્થાત્ યાદ શક્તિ પ્રમાણે વિદ્વાનોએ આ ગ્રંથોની રચના કરી. આ ગ્રંથોમાં સ્વાભાવિક છે કે વેદ જેટલી શુદ્ધતા ન રહેતાં સમય સમય પર અને સ્થાન સ્થાન પર વિવિધ લેખકો દ્વારા ટીકા ટીપ્પણી અને ફેરફારો થતા રહ્યાં. ત્યાર બાદ પુરાણો અને ઇતિહાસ ગ્રંથોમાં પણ હકીકત અને કાલ્પનિક વાતોની ભેળસેળ જે તે લેખકોની યાદશક્તિ અને કલ્પના શકિતના જોરે થતી રહી.
આજે જે નવલકથાઓ લખાય છે, ફિલ્મો રચાય છે, નાટકો બને છે એ પણ Fiction (કાલ્પનિક વાર્તા ) અથવા હકીકત અને Fiction નું મિશ્રણ હોય છે. સંપૂર્ણ હકીકત કે સાચી ઘટનાઓના આધારે જે રચનાઓ બને છે તેમાં પણ લેખકો દિગ્દર્શકો પોતાનું કૌવત અવશ્ય ઉતારતા હોય છે. ટૂંકમાં સૃષ્ટિની શરૂઆતમાં જે જ્ઞાન વેદ રૂપે હતું તેમાં કાળક્રમે જે તે સમયના વિચારોની ભેળસેળ થતી જ રહી છે.
મનુસ્મૃતિની ગણના સ્મૃતિ ગ્રંથ તરીકે થાય છે એટલે તેમાં ફેરફારો જોવા મળવાના જ છે. અરે, મનુસ્મૃતિ ખુદના પણ અનેક ફેરફારો સાથેના ઘણા વર્ઝનો થયા છે. એક સમય હતો જ્યારે મનુસ્મૃતિમાં એક લાખ જેટલા શ્ર્લોકો હતા. ત્યાર બાદ સંખ્યા અડધી થઈ. એ પછી પણ શ્ર્લોકોની સંખ્યા ઓછી થતી ગઈ અને આજના મનુસ્મૃતિમાં 2,684 જેટલા શ્ર્લોકો છે. તેમાં 12 અધ્યાય છે. તમે જો જૂજ લોકોનું સાંભળીને એમ માનતા હો કે એમાં માત્ર સ્ત્રી કે શુદ્ર વિરોધી વાતો છે તો એ તદ્દન ખોટી માન્યતા છે.
તેમાં જે બાર અધ્યાય છે તેમાં વ્યક્તિથી માંડીને સમાજ અને એથી આગળ વધીને સમષ્ટિ સુધીના નિયમો અને માહિતીનું વિવરણ છે. હાલમાં પ્રચલિત વિશુદ્ધ મનુસ્મૃતિના બાર અધ્યાયમાં નીચે પ્રમાણેના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અધ્યાય 1 : સૃષ્ટિની ઉત્પત્તિ.
આ અધ્યાયમાં સૃષ્ટિનું સર્જન, કાળ-ગણના (યુગ વિભાજન) અને ચાર વર્ણોની ઉત્પત્તિ વિશે વર્ણન છે.
અધ્યાય 2: ધર્મના પ્રમાણ અને બ્રહ્મચર્યાશ્રમ.
આમાં સંસ્કારો (ષોડ્શ સંસ્કાર), વેદ અભ્યાસના નિયમો અને ઉપનયન સંસ્કારનું મહત્વ સમજાવવામાં આવ્યું છે.
અધ્યાય 3 : ગૃહસ્થાશ્રમ અને વિવાહ.
આ અધ્યાયમાં લગ્નના પ્રકારો, પંચમહાયજ્ઞ, મહેમાનગતિ (અતિથિ સત્કાર) અને શ્રાદ્ધ વિધિના નિયમો છે.
અધ્યાય 4 : આજીવિકા અને સદાચાર.
ગૃહસ્થ જીવન જીવતા લોકો માટે કમાણીના સાધનો, દૈનિક દિનચર્યા અને નૈતિક આચરણના નિયમો આપેલા છે.
અધ્યાય 5 : ભક્ષ્ય-અભક્ષ્ય અને શુદ્ધિ.
કયો ખોરાક ખાવો જોઈએ અને કયો નહીં, આભડછેટ, શુદ્ધિના નિયમો, સૂતક તેમ જ સ્ત્રીઓના કર્તવ્યોનું વર્ણન છે.
અધ્યાય 6 : વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ.
જીવનના ઉત્તરાર્ધમાં વૈરાગ્ય, તપસ્યા, આત્મચિંતન અને સંન્યાસ ધર્મના નિયમો આમાં સમાવિષ્ટ છે.
અધ્યાય 7 : રાજધર્મ (રાજનીતિ).
રાજાના કર્તવ્યો, શાસન વ્યવસ્થા, મંત્રીમંડળની રચના, કરવેરા પદ્ધતિ, યુદ્ધના નિયમો અને પ્રજા રક્ષણ વિશે માર્ગદર્શન છે.
અધ્યાય 8 : ન્યાય અને દંડ વ્યવસ્થા.
ન્યાયાલયની કામગીરી, સાક્ષી અને પુરાવાઓ, નાણાકીય વિવાદો અને વિવિધ ગુનાઓ માટે આપવાની થતી સજાઓ (દંડ) ની કાનૂની જોગવાઈઓ છે.
અધ્યાય 9 (નવમ અધ્યાય): પારિવારિક કાયદા અને વ્યવહાર.
પતિ-પત્નીના પરસ્પર કર્તવ્યો, સ્ત્રીધન, મિલકતની વહેંચણી (વારસા હક) અને વૈશ્ય તથા શૂદ્રના ધર્મોનું વર્ણન છે.
અધ્યાય 10 : આપદ્ધર્મ અને મિશ્ર જાતિઓ.
સંકટના સમયે કે આપત્તિના કાળમાં કયા વર્ણે કઈ આજીવિકા અપનાવવી (આપદ્ધર્મ) તેની છૂટછાટોનું વર્ણન આમાં છે.
અધ્યાય 11 : પ્રાયશ્ચિત્ત અને પાપમુક્તિ.
અલગ-અલગ પ્રકારના પાપો, અપરાધો અને તેના નિવારણ માટે કરવા પડતા વ્રતો, દાન અને પ્રાયશ્ચિત્તના નિયમો આ પ્રકરણમાં છે.
અધ્યાય 12 : કર્મફળ, પુનર્જન્મ અને મોક્ષ.
મનુષ્યના કર્મોના આધારે મળતી ગતિ (ત્રણ ગુણો: સત્વ, રજસ, તમસ), આત્મજ્ઞાન અને અંતિમ મુક્તિ (મોક્ષ) નું આધ્યાત્મિક વિવેચન છે.
હવે આ બાર અધ્યાયના લગભગ પોણા ત્રણ હજાર શ્ર્લોકોમાંથી માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ શ્ર્લોકો આજના સમયને અનુરૂપ નથી. બની શકે કે ભૂતકાળમાં જે તે સમયની પરિસ્થિતિ અને માગને લઈને તેમાં ફેરફાર કે ઉમેરા કરવામાં આવ્યા હોય.
આટલી અમથી વાત માટે ઉહાપોહ કરવા પાછળ માત્રને માત્ર રાજકારણ જ છે. મનુસ્મૃતિમાં ક્યાંય એવું લખવામાં નથી આવ્યું કે અહીં લખ્યું છે એ પ્રમાણે જ લોકોએ આજીવન વર્તવું.
જેમ કોઈ ફિકશનથી ભરેલી વાર્તા વાંચીને કે પછી નાટક સિનેમાની કલ્પનાતીત ઘટનાઓ કે દૃશ્યો જોઈને આપણે થોડા સમય માટે પ્રભાવિત થઈએ છીએ પરંતુ તેમાં વર્ણવેલા નિયમો કે સિદ્ધાંતોને જિંદગીમાં સો ટકા પાળવા જ એવું કોઈ ફરમાન નથી હોતું એ જ રીતે મનુસ્મૃતિ વાંચ્યા પછી તેનું સો ટકા પાલન કરવું જરૂરી નથી અને સનાતની પ્રજાએ એવું કર્યું પણ નથી.
પરમાત્મા સ્વરૂપ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુન જેવા પોતાના પ્રિય પાત્રને ગીતાનો ઉપદેશ આપતા કહ્યું હતું કે મેં માત્ર તારી આગળ મારા વિચારો વ્યક્ત કર્યા છે. એનો અમલ કરવો કે નહીં એ હું તારી વિવેક બુદ્ધિ પર છોડું છું. તું તારી વિચાર શક્તિ પ્રમાણે કર્મો કરવા બિલકુલ સ્વતંત્ર છે. કોઈ બળજબરી નથી.
બસ આ જ રીતે મનુસ્મૃતિમાં લખાયેલા વિચારોને માનવા કે ન માનવા. તે પ્રમાણે વર્તવું કે ન વર્તવું એનો નિર્ણય લેવા માટે દરેક જણ સ્વતંત્ર છે.
સનાતન ધર્મીઓમાં એક સરસ મજાની ખૂબી એ છે કે તેઓ સમય, સ્થાન અને વ્યક્તિગત અનુભવના આધારે પોતાની વર્તણૂકને ઢાળતા રહે છે. બીબાઢાળ જિંદગીમાં માનતા નથી. સમય પ્રમાણેના ફેરફારોને પોતાના ત્રાજવે તોળીને જ અપનાવે કે છોડી દે છે. કોઈ પણ ધર્મગ્રંથોમાં લખાયેલા નિયમોને પાળવા અંગે હિંદુઓ પર દબાણ કે બળજબરી કરવામાં નથી આવતી.
આ શાણી પ્રજાએ ભૂતકાળમાં હિંદુ સમાજમાં પ્રસરેલા અનેક કુરિવાજો જેમ કે અસ્પૃશ્યતા, જાતિભેદ, બહુપત્નીત્વ, લાજ કાઢવી, સતીપ્રથા, મહિલા પુરુષ અસમાનતા વગેરેને દૂર કર્યા જ છે. મનુસ્મૃતિ માં લખેલી સ્ત્રી કે શુદ્ર વિરોધી વાતોને પણ કાળક્રમે ફગાવી જ દીધી છે. એટલે જ તો હિન્દુ ધર્મ સનાતન અર્થાત્ નિત્ય નૂતન ધર્મ કહેવાય છે.
હવે નવાઈની વાત તો એ છે કે મનુસ્મૃતિમાં સ્ત્રી કે શુદ્ર વિરોધી ગણ્યા ગાંઠ્યા શ્ર્લોકો સામે તેમને બિરદાવતા માનવાચક શ્ર્લોકો પણ છે, પરંતુ મનુસ્મૃતિના વિરોધીઓ એવા શ્ર્લોકો સામે આંખ આડા કાન કરે છે. એ બધા શ્ર્લોકોનું પૃથક્કરણ હવે પછી.