Thu Jun 18 2026

Logo

સૅમસન અચાનક ચમક્યો અને આઇસીસી અવૉર્ડ્સ માટે મજબૂત દાવેદાર બની ગયો

2026-03-06 18:51:06
Author: Ajay Motiwala
Article Image

દુબઈઃ 2026ના ટી-20 વર્લ્ડ કપમાં ઝળકી ચૂકેલા આઠ ખેલાડીઓમાં ભારતના રાઇટ-હૅન્ડ ઓપનર સંજુ સૅમસન (Samson)નું નામ અચૂક લેવામાં આવે છે અને આ આઠ પ્લેયરને ટી-20 વર્લ્ડ કપ પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ માટે નૉમિનેટ (Nominate) કરવામાં આવ્યા છે. સૅમસન આ ટૂર્નામેન્ટની શરૂઆતમાં અને મધ્યમાં નહોતો ચમક્યો, પરંતુ ફરી રમવાનો મોકો મળતાં તેણે ભારતને ફાઇનલમાં પહોંચાડી દીધું છે.

નૉમિનેટ થયેલા બીજા સાત ખેલાડીમાં ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર વિલ જૅક્સ, સાઉથ આફ્રિકાના લુન્ગી ઍન્ગિડી તથા કૅપ્ટન એઇડન માર્કરમ, ન્યૂ ઝીલૅન્ડના ઑલરાઉન્ડર રચિન રવીન્દ્ર તથા ઓપનિંગ બૅટ્સમૅન ટિમ સિફર્ટ, પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાન અને અમેરિકાના બોલર શૅડલી વૅન સ્કૉલવીકનો સમાવેશ છે.

સૅમસને 12મી ફેબ્રુઆરીએ નામિબિયા સામે બાવીસ રન અને 26મી ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે 24 રન કર્યા હતા. આ બે સાવ સાધારણ પર્ફોર્મન્સની તુલનામાં તેને પહેલી માર્ચે વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચમાં રમવાની તક મળી તો તેણે મૅચ-વિનિંગ અણનમ 97 રન અને પાંચમી માર્ચે ઇંગ્લૅન્ડ સામે મૅચ-વિનિંગ 89 રન ખડકી દીધા હતા. હજી રવિવારની ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલ બાકી છે. જોકે 50 બૉલમાં બનાવેલા અણનમ 97 તથા 42 બૉલમાં બનાવેલા 89 રનની ઇનિંગ્સ તેને આ ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો અવૉર્ડ અપાવી શકે એમ છે. ભારત માટે સૅમસને આ વર્લ્ડ કપમાં ચાર ચાંદ લગાવી દેતો પર્ફોર્મન્સ બતાવ્યો છે.

વિકેટકીપર-બૅટ્સમૅન સૅમસને ચાર મૅચમાં 201.73ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 273 રન કર્યા છે. આઇસીસી અવૉર્ડ માટે ન્યૂ ઝીલૅન્ડના રચિન રવીન્દ્ર તથા ટિમ સિફર્ટને બાદ કરતા બીજા બધા દાવેદારો ટૂર્નામેન્ટની બહાર થઈ ગયા છે એટલે હવે સૅમસનને ફાઇનલમાં પણ અસાધારણ પર્ફોર્મ કરીને પુરસ્કાર પોતાના નામે કરવાની સુવર્ણ તક છે.