મેરઠઃ ગાઝિયાબાદના સૂર્યા ચૌહાણ હત્યાકાંડને લઈને ભાજપ (BJP)ના ફાયરબ્રાન્ડ નેતા સંગીત સિંહ સોમે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, જો આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો ઉત્તર પ્રદેશ અને દેશમાં વધશે, તો કેવા પ્રકારનો આતંકવાદ ફેલાશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જે પ્રકારે બકરી ઈદના દિવસે એક સગીર બાળકને નિર્દયતાથી કાપી નાખવામાં આવ્યો, તે સહનશક્તિની બહાર છે.
ભાજપ નેતા સંગીત સોમે સગીર સૂર્યા ચૌહાણની ગળું કાપીને કરવામાં આવેલી ઘાતકી હત્યા પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે આ કૃત્યને આતંકવાદી ઘટના ગણાવતા કહ્યું કે, આવી કટ્ટરપંથી અને હિંસક માનસિકતાને ભારતમાં ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે.
ઘટના બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલા એક આરોપીના એન્કાઉન્ટરનું સમર્થન કરતાં સંગીત સોમે માંગ કરી કે આ કેસમાં સામેલ અન્ય તમામ દોષિતોના પણ આવા જ હાલ થવા જોઈએ. તેમણે કહ્યું કે, જે લોકો પોલીસ પર ફાયરિંગ કરે છે અને માસૂમોનો જીવ લે છે, તેમની સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ અને તેમના ઠેકાણાઓ પર બુલડોઝર ચલાવવું જોઈએ.
વિવાદનું કારણ: પોલીસ પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે ઘટનાના થોડા સમય પહેલાં મુખ્ય આરોપી અસદ અને સૂર્યા વચ્ચે મોટરસાઇકલ ચલાવવા બાબતે બોલાચાલી અને વિવાદ થયો હતો.
ષડયંત્ર અને હુમલો: વિવાદ થયા બાદ અસદે પોતાના પિતા નવાબ અને મિત્રો (ફરહાન અને અતીક)ને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ આ બધાએ ભેગા મળીને સૂર્યાને પાઠ ભણાવવાનું કાવતરું ઘડ્યું હતું. સૂર્યાને અધવચ્ચે રસ્તા પર ઘેરી લેવામાં આવ્યો, ફરહાને અસદને છરી આપી અને પિતા નવાબના ઉશ્કેરવા પર અસદે સૂર્યાના પેટમાં છરીના ઘા ઝીંકી દીધા, જેના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.