(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાકીનાકામાં અંધેરી-ઘાટકોપર રોડ પરની દુકાનનું લૉક તોડી બાવીસ કિલો ચાંદી અને મોબાઈલ ફોન્સ ચોરનારી ટોળકીના ચાર સભ્યને પોલીસે પકડી પાડ્યા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રમજાન મકસૂદ સાહ (20), ઝીશાન અબ્દુલ સાબુધ ખાન (29), અખ્તર હુસેન ગુલામ મુરતુજા ખાન (27) અને ઈરફાન નૂરઉલ્લા ખાન (26) તરીકે થઈ હતી. તેમની પાસેથી અંદાજે 44 લાખ રૂપિયાની કિંમતની બાવીસ કિલો ચાંદી અને ચોરીનો એક મોબાઈલ ફોન હસ્તગત કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ચોરીની ઘટના પચીસ જુલાઈની રાતે 12 વાગ્યાથી બીજી સવારે આઠ વાગ્યા દરમિયાન અંધેરી-ઘાટકોપર રોડ પરના અસલ્ફા નજીક અનિસ કમ્પાઉન્ડમાં બની હતી. ચોરી થઈ ત્યારે દુકાનના બે કર્મચારી અંદર જ સૂતા હતા. મુખ્ય દરવાજાનું લૉક તોડી ચોર દુકાનમાં ઘૂસ્યા હતા. પછી ટેબલના ડ્રોઅરમાંથી બે લાખની રોકડ, કબાટમાંથી બાવીસ કિલો ચાંદી અને કર્મચારીઓના બે મોબાઈલ ફોન મળી અંદાજે 46.40 લાખ રૂપિયાની મતા ચોરી આરોપી ફરાર થઈ ગયા હતા.
આ પ્રકરણે સાકીનાકા પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની તપાસ કરી હતી. ફૂટેજને આધારે પોલીસે શકમંદોને ઓળખી કાઢ્યા હતા. મુખ્ય આરોપી રમજાન નજીકના જ અજમેરી કમ્પાઉન્ડની દુકાનમાં રહેતો હતો અને ઘટના બાદથી ગુમ હોવાનું તપાસમાં જણાયું હતું.
ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે મરજાન અને તેના સાથી ઝીશાનને થાણે જિલ્લાના મુંબ્રા પરિસરમાંથી તાબામાં લીધા હતા. તેમણે આપેલી માહિતી પરથી ભાડુંપમાંથી અખ્તર ખાન અને ગોવંડીમાંથી ઈરફાન ખાનને પકડી પાડ્યા હતા. ચારેય આરોપી ઉત્તર પ્રદેશના વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું.