મુંબઈઃ 1994ની 27મી માર્ચે એટલે કે બરાબર બત્રીસ વર્ષ પૂર્વે નવજોત સિંહ સિધુ ઈજાને કારણે એક વન-ડેમાં નહોતો રમ્યો અને એ સાથે વન-ડે ક્રિકેટમાં સચિન તેન્ડુલકર (Sachin Tendulkar)નો ઓપનિંગ બૅટ્સમૅન તરીકેનો સુવર્ણકાળ શરૂ થયો હતો. આજે (શુક્રવારે) 27મી માર્ચ નિમિત્તે સચિનના ક્રિકેટપ્રેમીઓને કદાચ લિટલ ચૅમ્પિયનની ઓપનર તરીકેની એ મહાન સિદ્ધિની શરૂઆતનો સમય જરૂર યાદ આવી ગયો હશે.
ભારતીય ટીમ ન્યૂ ઝીલૅન્ડના પ્રવાસે ગઈ હતી. ઑકલૅન્ડમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે માટેની ભારતીય ટીમનું સુકાન મોહમ્મદ અઝહરુદ્દીને સંભાળ્યું હતું. સિધુ ન રમવાનો હોવાથી અઝહરુદ્દીને ઇનિંગ્સની શરૂઆત (opening) કરવાની જવાબદારી સચિનને સોંપી હતી. સચિને એ વિશ્વાસને સાચો ઠરાવ્યો હતો અને મૅચ-વિનિંગ પર્ફોર્મ કરીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો.
ક્રિકેટના ભગવાન તરીકે જાણીતો સચિન તેન્ડુલકર 24મી એપ્રિલે જીવનના 53 વર્ષ પૂરા કરશે. તેણે 1994માં કિવીલૅન્ડ ખાતેના પ્રવાસની એ વન-ડેમાં 49 બૉલમાં 82 રન કરીને સાબિત કર્યું હતું કે તેનું ભવિષ્ય ઓપનર તરીકે જ રહેવું જોઈએ. પછીથી તે ક્રિકેટ જગતના મહાન ઓપનરમાં ગણાતો થયો હતો.
એ પહેલાં, સચિન ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા કે સાતમા નંબર પર રમ્યો હતો. ઑકલૅન્ડમાં ઓપનર તરીકેની પહેલી જ મૅચમાં તેણે અજય જાડેજા (18 રન) સાથે 61 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી અને પછી ગાઢ મિત્ર વિનોદ કાંબળી (21 રન) સાથે બીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી.
ભારતે એ મૅચમાં 143 રનનો નાનો લક્ષ્યાંક 23.2 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે મેળવી લીધો હતો. સચિને 82 રન બે સિક્સર અને પંદર ફોરની મદદથી બનાવ્યા હતા. એ પહેલાં, ભારતે રાજેશ ચૌહાણની ત્રણ વિકેટ તેમ જ કપિલ દેવની, સલિલ અન્કોલાની અને જાવાગલ શ્રીનાથની બે-બે વિકેટની મદદથી કિવીઓને ફક્ત 142 રનમાં આઉટ કરી નાખ્યા હતા.