Thu Jun 18 2026

Logo

અમદાવાદના થ્રિલરમાં દેશપાંડેએ રાજસ્થાનને જિતાડ્યું, ગુજરાતની સતત બીજી હાર

2026-04-04 23:44:44
Author: Ajay Motiwala
Article Image

IPL 2026


જુરેલના 75 રન સામે સુદર્શનના 73 રન ચડિયાતા પુરવાર ન થયા, દેશપાંડેએ અંતિમ ઓવરમાં 11 રન ડિફેન્ડ કર્યા

અમદાવાદઃ રાજસ્થાન રૉયલ્સે (20 ઓવરમાં 6/210) અહીં શનિવારે ગુજરાત ટાઇટન્સ (20 ઓવરમાં 8/204)ને અંતિમ ઓવરના દિલધડક વળાંકો વચ્ચે માત્ર છ રનના માર્જિનથી હરાવી દઈને પૉઇન્ટ્સ ટેબલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. દિલ્હી તથા પંજાબ અનુક્રમે બીજા-ત્રીજા નંબરે છે. ગુજરાત સતત બીજી મૅચ હાર્યું છે.

રાજસ્થાનના વનડાઉન બૅટ્સમૅન ધ્રુવ જુરેલ (75 રન, 42 બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર) સામે ગુજરાતના ઓપનર સાઇ સુદર્શન (73 રન, 44 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર)નો પર્ફોર્મન્સ મૅચ-વિનિંગ નહોતો નીવડી શક્યો. ખાસ કરીને પેસ બોલર તુષાર દેશપાંડે (3-0-24-1)એ મૅચની અંતિમ ઓવરમાં ગુજરાતને જીતવા 11 રન ન કરવા દઈને વિજય રાજસ્થાનની તરફેણમાં લાવી દીધો હતો.

PTI

જૉસ બટલરે પાંચ ચોગ્ગાની મદદથી 26 રન કરીને 14મી ઓવરમાં વિકેટ ગુમાવી ત્યાર બાદ ગુજરાતે મૅચ પરથી પકડ ગુમાવી હતી, પરંતુ રાહુલ તેવાટિયા (12 રન) અને એમ. શાહરુખ ખાન (11 રન)ના નજીવા યોગદાન બાદ ખાસ કરીને કાર્યવાહક સુકાની રાશીદ ખાને (16 બૉલમાં 24 રન) જવાબદારી માથે ઉપાડીને ટીમને જિતાડવા પૂરી કોશિશ કરી હતી અને એમાં તેને કૅગિસો રબાડા (16 બૉલમાં 23 અણનમ) નો ખૂબ સારો સાથ મળ્યો હતો. બન્નએ બહુ સારા તાલમેલ સાથે એકસરખી ગતિએ પોતાનું રનમશીન આગળ ધપાવ્યું હતું. જોકે અંતિમ ઓવરના પાંચમા બૉલમાં રાશીદ ખાન આઉટ થતાં ગુજરાતના વિજયની આશા ઓસરી ગઈ હતી.

કૅપ્ટન શુભમન ગિલ સ્નાયુઓના દુખાવાને લીધે આ મૅચમાં નહોતો રમ્યો. રાશીદ ખાને 62મી મૅચ રમીને ગુજરાત વતી સૌથી વધુ મૅચ રમવાનો ગિલનો રેકૉર્ડ તોડ્યો હતો. ઓપનિંગમાં સુદર્શન સાથે કુમાર કુશાગ્ર (18 રન, 14 બૉલ, ત્રણ ફોર)ની આઠ ઓવરમાં 78 રનની મજબૂત ભાગીદારી થઈ હતી અને ત્યાં જ સંભવિત જીતનો પાયો નખાયો હતો, પણ એ આશા ઠગારી નીવડી હતી.

PTI

એ પહેલાં, રાજસ્થાનના 6/210ના સ્કોરમાં ધ્રુવ જુરેલનું 75 રનનું, યશસ્વીનું પંચાવન રનનું અને વૈભવ સૂર્યવંશીનું 31 રનનું યોગદાન હતું. યશસ્વીએ પંચાવન રન 36 બૉલમાં ત્રણ છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા. યશસ્વી તથા વૈભવની જોડી બાદ જુરેલ અને શિમરૉન હેટમાયરે શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગજવ્યું હતું. જુરેલે પાંચ સિક્સર અને પાંચ ફોર ફટકારી હતી, જ્યારે હેટમાયરની 18 રનની ટૂંકી ઇનિંગ્સમાં બે છગ્ગા અને એક ચોગ્ગા હતા. ગુજરાતના પાંચેય બોલરને વિકેટ મળી હતી જેમાં રબાડા સાથે બે વિકેટ સૌથી સફળ હતો.

યશસ્વી અને વૈભવ વચ્ચે ફરી એક વાર 65-પ્લસની ભાગીદારી થઈ હતી. 30મી માર્ચે ચેન્નઈ સામે આ બન્ને યુવાન ઓપનર વચ્ચે 75 રનની પાર્ટનરશિપ થઈ હતી અને છેવટે રાજસ્થાન એ લૉ-સ્કોરિંગ મુકાબલો જીત્યું હતું.

વૈભવે 18 બૉલમાં એક છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 31 રન કર્યા હતા અને તે કાર્યવાહક સુકાની રાશીદ ખાનના બૉલમાં ઊંચો શૉટ મારવાના પ્રયાસમાં ડીપ મિડ વિકેટમાં ગ્લેન ફિલિપ્સના હાથમાં કૅચઆઉટ થયો હતો. ચેન્નઈના ઋુતરાજ ગાયકવાડ, લખનઊના રિષભ પંતની જેમ રાજસ્થાનનો સુકાની રિયાન પરાગ પણ બૅટિંગમાં અસલ ફૉર્મ હજી નથી બતાવી શક્યો. શનિવારે તે આઠ રન કરીને આઉટ થયો હતો, પણ કૅપ્ટન તરીકે તેણે બન્ને મૅચ જીતી છે.