Thu Jun 18 2026

Logo

મુંબઈની મુસીબતમાં થયો વધારો, આ ઈજાગ્રસ્ત ખેલાડી ગુરુવારે રમશે કે નહીં એમાં શંકા

2026-04-13 18:56:59
Author: Ajay Motiwala
Article Image

MI


મુંબઈઃ પાંચ ટાઇટલ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સનો રવિવારે આ વખતની ટૂર્નામેન્ટમાં હૅટ-ટ્રિક પરાજય થયો અને એ સાથે આ ટીમને સ્પર્શતી કેટલીક મુસીબતો પણ સામે આવી જેમાંની એક મોટી મુશ્કેલી એ છે કે ઓપનર રોહિત શર્મા (Rohit Sharma ) આ મૅચ દરમ્યાન ઈજા પામતાં હવે પછીની મૅચમાં રમશે કે નહીં એ વિશે સસ્પેન્સ છે. મુંબઈની ટીમ રવિવારની બેંગ્લૂરુ સામેની હાર બાદ આઠમા નંબરે હતી અને મુંબઈની આગામી મૅચ (સાંજે 7.30 વાગ્યાથી) ગુરુવાર, 16મી એપ્રિલે વાનખેડે (Wankhede)માં પંજાબ સામે રમાશે.

મુંબઈની ટીમ અત્યાર સુધીમાં ચાર મૅચ રમી છે જેમાંની કોલકાતા સામેની વાનખેડે ખાતેની પ્રથમ મૅચ છ વિકેટે જીત્યા બાદ ત્રણેય મૅચમાં મુંબઈનો પરાજય થયો છે. ચોથી એપ્રિલે દિલ્હીમાં મુંબઈની છ વિકેટે હાર થઈ હતી, સાતમી એપ્રિલે ગુવાહાટીમાં રાજસ્થાન સામે મુંબઈનો 27 રનથી પરાજય થયો હતો અને રવિવારે વાનખેડેમાં બેંગ્લૂરુ સામે મુંબઈએ 241 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યા બાદ 18 રનથી પરાજય જોવો પડ્યો હતો.

PTI

રવિવારે રોહિત શર્માએ 13 બૉલમાં 19 રન કર્યા હતા અને એ તબક્કે તેને સાથળમાં દુખાવો થયો હતો અને તે રિટાયર હર્ટ થયો હતો. ત્યાર પછી ટીમને તેની બૅટિંગની ખૂબ જરૂર હતી, પણ ઈજા (Injury) ગંભીર હોવાથી તે પાછો રમવા નહોતો આવ્યો.

રોહિતની ઈજા કેટલી ગંભીર છે એ સ્કૅનના રિપોર્ટ પરથી જાણ થશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ વખતની ટૂર્નામેન્ટમાં રોહિત ફક્ત એક મૅચમાં અસલી કમાલ બતાવી શક્યો છે. 29મી માર્ચે કોલકાતા સામેની મૅચમાં ફક્ત 38 બૉલમાં છ સિક્સર અને છ ફોરની મદદથી 78 રન કર્યા હતા. તેની અને સાથી ઓપનર રાયન રિકલ્ટન (81 રન) વચ્ચે 148 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી.