Thu Jun 18 2026

Logo

રોહિત શર્મા ઈજાને લીધે ગુરુવારની પંજાબ સામેની મૅચમાં નહીં રમે?

2026-04-15 18:10:08
Author: Ajay Motiwala
Article Image

PTI


મુંબઈઃ `હિટમૅન' રોહિત શર્મા રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી) સામેની મૅચમાં બૅટિંગ દરમ્યાન સાથળના સ્નાયુઓ ખેંચાઈ જવાને કારણે એ મૅચની બહાર થઈ ગયો હતો અને હવે ગુરુવારે (સાંજે 7.30 વાગ્યાથી) વાનખેડેમાં જ પંજાબ કિંગ્સ સામે રમાનારી મૅચમાં તે આ ઈજાને કારણે કદાચ નહીં રમે એવું જાણવા મળ્યું હતું.

મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના ઓપનર રોહિત (ROHIT)ની ઈજા (Injury) ખૂબ ગંભીર નથી, પણ ટીમ મૅનેજમેન્ટ તેને ગુરુવારે રમાડીને કોઈ જોખમ લેવા નથી માગતી. એને બદલે તેને આરામ આપીને પછીની મૅચો માટે ફિટ રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

રોહિત ગુરુવારની પંજાબ સામેની મૅચ માટેના મુંબઈ ઇન્ડિયન્સના પ્રૅક્ટિસ-સેશનમાં હાજર નહોતો એના પરથી ચાહકોને શંકા જાય છે કે તે આગામી મૅચમાં અથવા ત્યાર પછીની કેટલીક મૅચોમાં રમતો નહીં જોવા મળે.

ચારમાંથી ત્રણ મૅચ હારી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ફક્ત બે પૉઇન્ટ સાથે હાલમાં છેક નવમા નંબરે છે. આ વખતે એકમાત્ર વિજય 29મી માર્ચે વાનખેડેમાં કોલકાતા સામે મળ્યો હતો. ત્યાર પછી હાર્દિક પંડ્યાના સુકાનમાં આ ટીમ ત્રણેય મૅચ હારી છે.

રોહિતે આઇપીએલમાં કુલ 231 મૅચ રમીને 6,013 રન કર્યા છે જેમાં બે સેન્ચુરી અને 40 હાફ સેન્ચુરી સામેલ છે.