Tue Jun 23 2026

Logo

રિષભ પંતના 12 કરોડ રૂપિયા કપાઈ ગયાઃ ટ્રેડ ડીલમાં લખનઊમાંથી આઉટ, દિલ્હીમાં કમબૅક

2026-06-23 16:42:35
Author: Ajay Motiwala
Article Image

બે સીઝન ખરાબ રમ્યો એનું પરિણામઃ બદલામાં કુલદીપને લખનઊએ 13.50 કરોડમાં મેળવ્યો

નવી દિલ્હીઃ આઇપીએલના ટાઇટલથી વંચિત બે ફ્રૅન્ચાઇઝી લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કૅપિટલ્સ (DC)એ હાઇ-પ્રોફાઇલ ટ્રેડ સત્તાવાર રીતે પૂરું કર્યું છે જેમાં રિષભ પંત (RISHABH PANT) અને કુલદીપ યાદવની અદલાબદલી થઈ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે રિષભ પંતે સીઝન દીઠ પેમેન્ટમાં 12 કરોડ રૂપિયાનો મોટો ઘટાડો ખમવો પડશે, કારણકે લખનઊનું ફ્રૅન્ચાઇઝી તેને એક સીઝન રમવાના રેકૉર્ડ-બે્રક 27 કરોડ રૂપિયા આપતું હતું, જ્યારે દિલ્હીનું ફ્રૅન્ચાઇઝી 15 કરોડ રૂપિયા આપશે.

પંતે ઉપરાઉપરી બે સીઝન (2025 અને 2026) સારી ન રમી શક્યો એનું પરિણામ તેણે ભોગવવું પડ્યું છે. તેને હવે એક સીઝન રમવાના 12 કરોડ રૂપિયા ઓછા મળશે. આ ડીલ રવીન્દ્ર જાડેજા જેવું છે. ચેન્નઈ તેને એક સીઝનના 18 કરોડ રૂપિયા આપતું હતું, પણ ડીલ થયા બાદ રાજસ્થાન રૉયલ્સ હવે તેને 14 કરોડ રૂપિયા (ચાર કરોડની કપાત) આપે છે.

વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતના સીઝન દીઠ પેમેન્ટમાં 12 કરોડ રૂપિયાનો ધરખમ ઘટાડો થયો છે, જ્યારે લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપને દિલ્હીમાં મળતી હતી એટલી જ ફી (13.50 કરોડ રૂપિયા) લખનઊ વતી આગામી સીઝનમાં મળશે. કુલદીપે 2022થી 2026 સુધીની પાંચ આઇપીએલમાં કુલ 65 મૅચમાં 72 વિકેટ લીધી હતી. જોકે 2026માં તે માત્ર 10 વિકેટ લઈ શક્યો હતો.

પંતની બાદબાકીથી લખનઊનું ફંડ વધ્યું

મંગળવારે થયેલી જાહેરાત મુજબ લખનઊના ફ્રૅન્ચાઇઝીએ હવે પોતાના ભંડોળમાંથી રિષભ પંતને વર્તમાન ફી (27 કરોડ રૂપિયા) નહીં આપવી પડે. કુલદીપને આ ફ્રૅન્ચાઇઝીએ એક સીઝનના 13.50 કરોડ રૂપિયા આપવાના રહેશે એટલે લખનઊને 13.50 કરોડ રૂપિયાનો ફાયદો થશે. આગામી ઑક્શન માટેના લખનઊના ફંડમાં 13.50 કરોડ રૂપિયા ઉમેરાઈ ગયા છે. બીજી તરફ, દિલ્હીના ફંડમાંથી 1.25 કરોડ રૂપિયા કપાઈ જશે, કારણકે એ કુલદીપને 13.50 કરોડ રૂપિયા આપતું હતું, જ્યારે હવે પંતને 15.00 કરોડ રૂપિયા આપવા પડશે.

એલએસજીના માલિક ગોયેન્કાએ કહ્યું હતું કે...

લખનઊની ટીમના માલિક સંજીવ ગોયેન્કાએ અગાઉ કહ્યું હતું કે પંત સાથેનું લાંબા ગાળાનું છે. જોકે બે જ સીઝન બાદ તેમણે કોચિંગ સ્ટાફના બે મહત્ત્વના મેમ્બર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડીઓ (હેડ-કોચ જસ્ટિન લૅન્ગર અને ટૉમ મૂડી) સાથેની સલાહ મસલતથી પંતને ટીમમાંથી છૂટો કરી દેવાનો નિર્ણય લીધો છે.

પંત દિલ્હી વતી 111 મૅચ રમ્યો છે

2016થી 2024 દરમ્યાન રિષભ પંત દિલ્હી કૅપિટલ્સ વતી 111 મૅચ રમ્યો હતો અને પછી ઑક્શનમાં તેને લખનઊએ ખરીદ્યો હતો. ત્રણ વર્ષ સુધી તે દિલ્હીનો કૅપ્ટન પણ હતો. પંતના સુકાનમાં લખનઊની ટીમ 2025માં સાતમા નંબરે અને 2026માં છેક તળિયે (10મા ક્રમે) હતી. લખનઊને તેની બૅટિંગ પર મોટી અપેક્ષા હતી. જોકે પંતે 2025માં માત્ર 269 રન અને 2026માં 312 રન બનાવ્યા.