બેંગ્લૂરુઃ સનરાઇઝર્સ હૈદરાબાદે શનિવારે આઇપીએલ-19ની પ્રારંભિક મૅચમાં બૅટિંગ મળ્યા બાદ કાર્યવાહક કૅપ્ટન ઇશાન કિશન (80 રન, 38 બૉલ, પાંચ સિક્સર, આઠ ફોર)ની ધૈર્યપૂર્ણ અને દમદાર ઇનિંગ્સની મદદથી નવ વિકેટે 201 રન બનાવ્યા ત્યાર બાદ ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)એ 15.4 ઓવરમાં ચાર વિકેટે 203 રન બનાવીને છ વિકેટે આસાન અને શાનદાર વિજય મેળવ્યો હતો.
વિરાટ કોહલી (69 અણનમ, 38 બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. તેની અને દેવદત્ત પડિક્કલ (61 રન, 26 બૉલ, ચાર સિક્સર, સાત ફોર) વચ્ચે 101 રનની ભાગીદારી થઈ હતી. ટિમ ડેવિડ 16 રને અણનમ રહ્યો હતો. એક તબક્કે યજમાન ટીમે ડેવિડ પેઇનના બે બૉલમાં કૅપ્ટન રજત પાટીદાર (31 રન) અને વિકેટકીપર જિતેશ શર્મા (0)ની વિકેટ ગુમાવતાં બેંગ્લૂરુની ટીમ મુસીબતમાં મુકાઈ ગઈ હતી.

ડફીનું ડેબ્યૂ યાદગાર
ન્યૂ ઝીલૅન્ડનો પેસ બોલર જેકબ ડફી 38 રનમાં ત્રણ) બેંગ્લૂરુનો સુપરસ્ટાર બોલર હતો. પહેલી ત્રણેય વિકેટ (અભિષેક શર્મા-7 રન, ટ્રૅવિસ હેડ-11 રન, નીતીશ રેડ્ડી-1 રન) લઈને તેણે હૈદરાબાદની ઇનિંગ્સના આરંભમાં ગાબડાં પાડ્યા હતા. પેસ બોલર રોમારિયો શેફર્ડે પણ ત્રણ વિકેટ તેમ જ ભુવનેશ્વર, સુયશ શર્મા અને અભિનંદન સિંહે એક-એક વિકેટ લીધી હતી.
IPL
અનિકેત વર્માની જોરદાર ફટકાબાજી
હૈદરાબાદની ઇનિંગ્સમાં પુણેના અનિકેત વર્મા (43 રન, 18 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)એ પણ આતશબાજી કરી હતી, જ્યારે ક્લાસેને 31 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદે ટ્રૅવિસ હેડના સ્થાને બોલર ડેવિડ પેઇનને અને બેંગ્લૂરુએ ડફીના સ્થાને પડિક્કલને ઇમ્પૅક્ટ તરીકે રમાડ્યો હતો. મૅચની શરૂઆતમાં તમામ ખેલાડીઓએ ગયા વર્ષે સ્ટેડિયમ બહારની નાસભાગમાં મૃત્યુ પામેલા 11 ક્રિકેટપ્રેમીને ભાવભરી અંજલિ આપવા એક મિનિટનું મૌન પાળ્યું હતું.

રવિવારે મુંબઈ વિરુદ્ધ કોલકાતા
રવિવાર, 29મી માર્ચે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો (સાંજે 7.30 વાગ્યાથી) થશે. બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 35 મૅચ રમાઈ છે જેમાંથી 24 મુંબઈએ અને 11 કોલકાતાએ જીતી છે. વાનખેડેમાં મુંબઈ 10-2ના તફાવત સાથે કોલકાતાથી આગળ છે.