શનિવારની પ્રથમ મૅચમાં બેંગ્લૂરુની હૈદરાબાદ સાથે ટક્કરઃ સાંજે 7.30 વાગ્યે મુકાબલાની શરૂઆત
બેંગ્લૂરુઃ 2025માં (છેક 18 વર્ષે) પહેલી વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટ્રોફી પહેલી વખત જીતનાર રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ના ખેલાડીઓએ એ સમયના અભૂતપૂર્વ સેલિબ્રેશન બાદ બીજા દિવસથી બેંગ્લૂરુની નાસભાગની ઘટનાને કારણે ઘણા દિવસો માતમમાં વીતાવવા પડ્યા હતા, પરંતુ હવે 10 મહિનાના ગાળા બાદ તેઓ ફરી એકત્રિત થયા છે અને શનિવાર, 28મી માર્ચે આ ટૂર્નામેન્ટની નવી સીઝનના પ્રથમ મુકાબલા (સાંજે 7.30 વાગ્યાથી)માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટક્કર ઝીલવા તૈયાર છે. 2025ની આઘાતજનક ઘટના બેંગ્લૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર બની હતી. આરસીબીના ખેલાડીઓ શનિવારે એ જ સ્થળે પ્રારંભિક મૅચ રમશે.
વિરાટ પર સૌની નજર, કિશન હૈદરાબાદનો કૅપ્ટન
સૌની નજર બેંગ્લૂરુની ટીમના બૅટિંગ-સમ્રાટ વિરાટ કોહલીના પર્ફોર્મન્સ પર રહેશે. ફિલ સૉલ્ટ, ટિમ ડેવિડ, જેકબ બેથેલ, કૅપ્ટન રજત પાટીદાર, રોમારિયો શેફર્ડ જેવા ભરોસાપાત્ર અને હાર્ડ-હિટર્સ છે. પૅટ કમિન્સની ગેરહાજરીમાં ઇશાન કિશન હૈદરાબાદની ટીમનું સુકાન સંભાળશે. આ ટીમ પાસે ટી-20ના વર્લ્ડ ચૅમ્પિયન ઓપનર અને વાઇસ કૅપ્ટન અભિષેક શર્મા તેમ જ ટ્રૅવિસ હેડ તેમ જ હિન્રિક ક્લાસેન જેવા ધમાકેદાર ઇનિંગ્સ રમી શકે એવા બૅટ્સમેનો છે.
PTI
ઓપનિંગ સેરેમની નથી રાખી
રજત પાટીદારના નેતૃત્વમાં આરસીબીએ ચૅમ્પિયન ટીમોમાં નામ લખાવ્યા પછી હવે નવી ધમાકેદાર શરૂઆત માટે કમર કસી છે. 2025ની આઇપીએલના બીજા દિવસે બેંગ્લૂરુમાં ભાગદોડમાં જીવ ગુમાવનાર 11 જણને અંજલિ આપવાના આશયથી બીસીસીઆઇએ આ વખતની આઇપીએલમાં ઓપનિંગ સેરેમની નથી રાખી. જોકે 31મી મેએ ક્લોઝિંગ સેરેમની રાખવામાં આવશે એવી સંભાવના છે.
11 સીટ કાયમ માટે ખાલી
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિયેશન અને આરસીબીના મૅનેજમેન્ટે પણ ગયા વર્ષની ઘટનાના મૃતકોને અંજલિ આપવા પગલાં લીધા છે. બેંગ્લૂરુના સ્ટેડિયમમાં કાયમ માટે 11 સીટ ખાલી રાખવામાં આવશે. આરસીબીના તમામ ખેલાડીઓ શનિવારે મૅચ પહેલાં 11 નંબરની જર્સી પહેરીને પ્રૅક્ટિસ કરશે.
PTI
થુશારાને ફિટનેસ સર્ટિફિકેટ ન મળ્યું
આરસીબીની ટીમમાં જૉશ હૅઝલવૂડનું આગમન હજી નથી થયું. તે થોડા દિવસ પછી આવશે. શ્રીલંકાનો નુવાન થુશારા ફિટનેસ સર્ટિફિકેટ ન આપી શક્યો હોવાથી હમણાં શ્રીલંકાથી ભારત નથી આવી શક્યો. જોકે આ ટીમ પાસે પીઢ પેસ બોલર ભુવનેશ્વર કુમાર તથા યુવાન ફાસ્ટ બોલર મંગેશ યાદવ તેમ જ સ્પિનર્સ કૃણાલ પંડ્યા અને સુયશ શર્મા છે જેઓ સનરાઇઝર્સ હૈદરાબાદના બૅટ્સમેનોને અંકુશમાં રાખી શકવા સમર્થ છે.
હેડ-ટુ-હેડ મુકાબલા
બેંગ્લૂરુ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ પચીસ મુકાબલા થયા છે જેમાંથી 11 બેંગ્લૂરુ અને 13 હૈદરાબાદ જીત્યું છે. એક મૅચ અનિર્ણીત રહી છે.
PTI
બન્ને ટીમની સંભવિત ઇલેવન
બેંગ્લૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન), વિરાટ કોહલી, ફિલ સૉલ્ટ (વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, ટિમ ડેવિડ, જિતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, સુયશ શર્મા.
હૈદરાબાદઃ ઇશાન કિશન (કૅપ્ટન), ટ્રૅવિસ હેડ, અભિષેક શર્મા, હિન્રિક ક્લાસેન (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, લિઆમ લિવિંગ્સ્ટન, અનિકેત વર્મા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ.