બેંગ્લૂરુ: બુધવારે અહીં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)એ લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ને પાંચ વિકેટે પરાજિત કર્યું એના સેલિબ્રેશન વખતે બેંગ્લૂરુની ટીમને જ નહીં, એ ટીમના તેમ જ અસંખ્ય ક્રિકેટ ચાહકોને ચોંકાવી દે એવું બન્યું હતું જેમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ ખરા દાવેદારને બદલે બીજા જ ખેલાડીને અપાયો હતો.
લખનઊએ 146 રન કર્યા પછી બેંગ્લૂરુની ટીમ 15.1 ઓવરમાં પાંચ વિકેટે 149 રન કરીને લક્ષ્યાંક ચેઝ કરવાની સાથે પોઈન્ટ્સ ટેબલમાં નંબર વન થઈ ગઈ હતી. લખનઊની ઇનિંગ્સમાં બેંગ્લૂરુના પેસ બોલર રસિખ સલામે (Rasikh Salam) 24 રનમાં ચાર વિકેટ લીધી હતી અને મૅન ઓફ ધ મૅચ અવૉર્ડ માટે તે જ મુખ્ય દાવેદાર હતો. ભુવનેશ્વર કુમારે ત્રણ વિકેટ તેમ જ કૃણાલ પંડ્યાએ બે વિકેટ મેળવી હતી. જોકે અવૉર્ડ 20 રનમાં એક વિકેટ લેનાર જૉશ હૅઝલવુડ (Hazzlewood)ને આપવામાં આવ્યો હતો. તેણે ઇનિંગ્સની સાતમી ઓવરમાં નિકોલસ પૂરન (એક રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો.
આકાશ ચોપડાએ સોશ્યલ મીડિયામાં જણાવ્યું હતું કે ‘મૅન ઑફ ધ મૅચ' પુરસ્કાર માટે હૅઝલવુડ કરતાં રસિખ સલામ વધુ દાવેદાર હતો. સલામને શા માટે પુરસ્કાર ન આપવામાં આવ્યો? તેને અન્યાય થયો કહેવાય.'
ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન આકાશ ચોપડાએ મૂળ જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર રસિખ સલામના વિષયમાં એવું પણ જણાવ્યું કે ‘આ રીતે યુવાન ખેલાડી અવૉર્ડ માટે દાવેદાર હોવા છતાં તેને ન આપવામાં આવે તો તેના ઉત્સાહને વિપરીત અસર થાય.' પ્રકાશ ભટ્ટ મુકાબલાના મૅચ રેફરી હતા.