Wed Aug 19 2026

Logo

ક્લેપ એન્ડ કટ..! શું હું લાયક છું?

2026-07-31 08:39:00
Author: Siddharth Chhaya
Article Image

 

 

 

- સિદ્ધાર્થ છાયા

 

રણબીર કપૂર, ટાઈગર શ્રોફ, 

 

જ્યારથી ‘રામાયણ’માં રામની ભૂમિકામાં રણબીર કપૂરને ફાઇનલ કરવામાં આવ્યો ત્યારથી તેના વિશે મીડિયા અને સોશ્યલ મીડિયામાં સતત વાતો થતી રહી છે. મોટેભાગે આ વાતોમાં ટીકા જ છવાયેલી રહી છે. પહેલાં તો રણબીરના ખાનપાન અને તેના ખાનદાન વિશે વાતો ચાલી. પછી જ્યારે ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો ત્યારે  ‘રણબીર રામ જેવો નથી લાગતો’  એવી ચર્ચા પણ ચાલી. હવે રણબીરે સામે ચાલીને આ બધી ટીકાઓ વિશે પોતાના વિચારો આપણી સામે મૂક્યા છે.

 

રણબીરે કહે છે કે જ્યારે સહુથી પહેલાં તેને આ રોલ ઓફર થયો ત્યારે તેના મનમાં પહેલો પ્રશ્ન એ આવ્યો હતો કે, શું હું આ રોલ માટે લાયક છું ખરો? કારણ કે રણબીરના માનવા અનુસાર રામનો રોલ તો તેના જીવનની સહુથી મોટી ગિફ્ટ હતી. બાદમાં તેણે વિચાર કર્યો કે જે ઇતિહાસ આપણે છેલ્લાં 4,000થી પણ વધુ વર્ષથી જાણીએ છીએ તેના શિરમોર જેવા પાત્રની ભૂમિકા ભજવવી એ તેના માટે એક જવાબદારી છે અને તે એ જવાબદારી નિભાવશે. આમ, અંતરાત્માનો અવાજ સાંભળીને રણબીરે રામનો રોલ સ્વીકાર્યો હતો.

 

‘પોતે રામ જેવો નથી લાગતો’ એ વિશે જવાબ આપતા રણબીરે કહ્યું કે ભગવાન રામનો એક ખાસ ચહેરો નથી. ભક્તો રામના ચહેરાને પોતાની કલ્પના અનુસાર જુએ છે. જો અમુક લોકો એમ માને છે કે રામ તરીકે મારું કાસ્ટિંગ બરાબર નથી, તો અમુક લોકો એમ માને છે કે આ રોલ માટે મારું કાસ્ટિંગ યોગ્ય છે, પરંતુ તેના મતે તેણે સાચી ભાવના સાથે આ રોલ કર્યો છે. આથી ભગવાન રામના રોલ અંગે પોતે સંતુષ્ટ છે.

 

લો,‘ટાઈગર’ હવે ફૂટબોલ રમશે...

 

આજકાલ ગુજરાતનાં શહેરોમાં સિંહ અને દીપડા ફરતા થયા છે, પરંતુ કદાચ શિલોંગમાં ટાઈગર ફૂટબોલ રમતો દેખાય તો નવાઈ ન પામતા. આમ તો ફિલ્મી કલાકારો શોખ માટે કે ચેરિટી માટે સ્પોર્ટ્સ રમતા હોય એ તો આપણે જોયું છે, પરંતુ જેકી પુત્ર ટાઈગર શ્રોફ હવે પ્રોફેશનલી ફૂટબોલર બનવા તરફ અનેક ડગલાં આગળ વધી ચૂક્યો છે. ટાઈગર મુંબઈ એફ.સી. માટે 135મા ડુરાંડ કપમાં રમતો દેખાશે.

 

આના માટે ટાઈગર ખૂબ મહેનત પણ કરી રહ્યો છે. આ ક્લબ મુંબઈના વ્યાપારી અલી અહમદની માલિકીની છે. ટાઈગર ઉપરોક્ત મેચ રમવા માટે રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે અને તેણે કોચિંગ સ્ટાફને પણ ઇમ્પ્રેસ કર્યો છે. હવે જો ટાઈગર ખરેખર મુંબઈ એફ.સી. તરફથી આટલી મહત્ત્વની મેચ રમશે તો તે મિઝોરમની રાજધાની આઇઝોલમાં રમતો પણ જોવા મળશે. આશા કરીએ કે ટાઈગર ફૂટબોલ ફક્ત પોતાના પેશન માટે જ રમે છે, નહીં કે વૈકલ્પિક કારકિર્દીના વિકલ્પ તરીકે...! 

 

લવ, વોર એન્ડ ‘લીલા’

 

સંજય લીલા ભણસાલી પોતાની ભવ્ય ફિલ્મો માટે જાણીતા છે, પરંતુ હવે તે ફિલ્મનું પ્રમોશન અલગ રીતે કરવા માટે પણ કદાચ જાણીતા બની શકે છે. સંજયભાઈની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’, જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ છે, તેનું પ્રમોશન તે સાવ અલગ રીતે કરવાના છે. સામાન્ય રીતે આપણે ત્યાં એક પ્રથા થઈ ગઈ છે કે આવનારી ફિલ્મોનું પ્રમોશન એક નક્કી ક્રમમાં થાય. પહેલાં મોશન પોસ્ટર આવે, પછી ટીઝર આવે, ત્યારબાદ ટ્રેલર આવે. પછી પ્રેસ કોન્ફરન્સ થાય અને કલાકારો તથા ટીમ અલગ-અલગ ટીવી ચેન્લસ પર અને શહેરોમાં જઈને ફિલ્મને પ્રમોટ કરે.

 

જોકે સંજયભાઈ પોતાની ફિલ્મ માટે સાવ નવી ‘લીલા’ કરવાના છે. તેમણે ‘લવ એન્ડ વોર’ના પ્રચારની રણનીતિ નક્કી કરવા માટે વિશ્વાસુ લોકોની ખાસ ટીમ બનાવી છે. આ લોકો ચીલાચાલુ પ્રથાને તોડીને સાવ અલગ રીતે પ્રમોશનની સ્ટ્રેટેજી નક્કી કરવામાં અત્યારે વ્યસ્ત છે. ખુદ ‘ગબ્બર’ (એટલે કે ખાનગીમાં એમેનું નામ! ) સંજય લીલા ભણસાલી આ ટીમને લીડ કરી રહ્યા છે. જે રીતે પોતાની ફિલ્મોમાં ભવ્યતામાં જરાય ખોટ ન વર્તાય એવી જ રીતે આ રણનીતિમાં પણ કોઈ ઉણપ ન રહી જાય તેનું ખાસ ધ્યાન ડાયરેક્ટર સાહેબ રાખી રહ્યા છે.

 

આ ટીમ એ નક્કી કરશે કે કઈ અલગ અથવા તો સાવ નવી રીતે ‘લવ એન્ડ વોર’નું પ્રમોશન કરવું, જે અત્યાર સુધી જે રીતે ફિલ્મો માટે નથી થયું. તેમનો આશય એવો છે કે આ પ્રમોશન સીધું ફિલ્મ જોવા આવનારા દર્શકોને અસર કરે અને તેમને સંમોહિત કરી નાખે એવું બને. આ ફિલ્મનું પ્રથમ પ્રમોશન ઓગસ્ટ મહિનાના મધ્યમાં આપણી સમક્ષ આવશે અને ત્યારબાદ ‘લવ એન્ડ વોર’ની પ્રમોશન યાત્રા શરૂ થઈ જશે.    



 

કટ એન્ડ ઓકે...

 

ટી-સિરીઝે ‘રામાયણ’ ફિલ્મના બંને ભાગના મ્યુઝિક રાઇટ્સ કુલ રૂપિયા 75 કરોડમાં ખરીદી લીધા છે.