ઉમેશ ત્રિવેદી
બોલીવૂડમાં સફળ ફિલ્મની સિકવલ બને અને તે પણ 12-15 વર્ષે તો એમાં કોઈ નવીનતા નથી, પણ 29 જૂન-2007ના રજૂ થયેલી મોહિત સૂરી દિગ્દર્શિત અને ઈમરાન હાશ્મી, શ્રીયા સરન, મૃણાલિની શર્મા અને આશુતોષ રાણા અભિનીત ફલોપ ફિલ્મ ‘આવારાપન’ની 19 વર્ષે સિકવલ બનાવવામાં આવી છે, જે 14 ઑગસ્ટ (આજે) રિલીઝ થવાની છે.
મૂળ ફિલ્મ અને અત્યારની સિકવલ વચ્ચે એકાદ-બે સામ્ય છે.
‘આવારાપન’ મહેશ ભટ્ટ-મુકેશ ભટ્ટની નિર્માણ સંસ્થા ‘વિશેષ ફિલ્મ્સ’ના બેનર હેઠળ જ બની છે. આ બંને ફિલ્મમાં હીરો ઈમરાન હાશ્મી છે અને તે શિવમ પંડિતની ભૂમિકા ભજવી રહ્યો છે. આ વખતે ઈમરાન હાશ્મીની સાથે દિશા પટણી જેવી ગ્લેમરસ હીરોઈન છે અને શબાના આઝમી જેવી પીઢ અભિનેત્રી પણ છે.
આ બે-ત્રણ સામ્ય સિવાય બીજું કોઈ સામ્ય હોવાની શક્યતા ઓછી છે. ‘આવારાપન-ટુ’ના દિગ્દર્શક નીતિન કક્કર છે અને તે બોક્સ ઓફિસ પર સની દેઓલ, પ્રિટી ઝિંટા, કરણ દેઓલ અભિનીત ફિલ્મ ‘બટવારા-1947’ સાથે ટકરાવાની છે. છેલ્લાં ઘણાં વર્ષોમાં ઈમરાન હાશ્મીએ એક અભિનેતા તરીકે ખૂબ જ લાંબી મજસ કાપી છે.
જોકે, ઈમરાન માટે એમ કહી શકાય કે તેણે ફિલ્મોની ભૂમિકામાં ખૂબ મોટા જોખમ ઉઠાવ્યાં છે. તેણે હીરોથી કારકિર્દી શરૂ કરી, પછી એન્ટી હીરો અને પૂર્ણપણે નેગેટિવ કહી શકાય એવાં પાત્રો પણ ભજવ્યા છે.
ઈમરાન હાશ્મીએ બોલીવૂડના નેપોટીઝમનું જીવતુંજાગતું ઉદાહરણ છે એમ કહીએ તો એમાં કાંઈ જ ખોટું નથી. તેની કારકિર્દીની પહેલી ફિલ્મ ‘ફૂટપાથ’ જે 2003માં આવી હતી. તેનાં નિર્માતા તેના મામા મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ હતા. ઈમરાન હાશ્મી એ મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની બહેનનો દીકરો છે અને ઈમરાનની મોટાભાગની ફિલ્મો તેના મામાની નિર્માણ સંસ્થા ‘વિશેષ ફિલ્મ્સ’ના બેનર હેઠળ બનાવવામાં આવી છે.
ઈમરાનની કારકિર્દીની શરૂઆતની ફિલ્મો ફૂટપાથ, મર્ડર, તૂમસા નહીં દેખા, ઝહેર, કલયુગ, ગેંગસ્ટર, ધ કિલર, ક્રુક, મર્ડર-ટુ, જન્નત-ટુ જેવી અનેક ફિલ્મો વિશેષ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી હતી. આમાંથી અપવાદરૂપ એકાદ-બે ફિલ્મ જ બોક્સઓફિસ પર સફળતા ન મેળવી શકી હતી અને પરિણામે ઈમરાનને બહારની નિર્માણ સંસ્થાની ફિલ્મો મળતી રહેતી હતી.‘મર્ડર ફિલ્મમાં ઈમરાન સાથે અસ્મિત પટેલ અને મલ્લિકા શેરાવત હતાં.
બીજી એપ્રિલ-2004ના રિલીઝ થયેલી આ ફિલ્મ માત્ર રૂા. પાંચ કરોડમાં અનુરાગ બાસુના દિગ્દર્શક હેઠળ બની હતી, પણ, તેનાં ગીતો અને ફિલ્મમાંના બોલ્ડ દૃશ્યોને કારણે આ ફિલ્મ સુપરડુપર હીટ સાબિત થઈ હતી. આ ‘મર્ડર’ ફિલ્મે ત્યારે રૂા. 25 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મથી જ ઈમરાન હાશ્મીને ‘સિરિયલ કીસર’નું બિરુદ પણ મળ્યું હતું. કદાચ, આમિર ખાન પછી ઈમરાન હાશ્મી એકમાત્ર એવો હીરો છે કે તેણે પોતાની દરેક ફિલ્મમાં કીસના દૃશ્યો ભજવ્યાં છે. તેનાં કારણે જ તે ‘સિરિયલ કીસર’ તરીકે પણ ફેમસ થયો છે.
24 માર્ચ 1979ના મુંબઈમાં જન્મેલા ઈમરાન હાશ્મીએ શાળાનું શિક્ષણ માણેકજી કૂપર સ્કૂલમાં લીધું છે અને સ્નાતકની ડિગ્રી સિડનહામ કોલેજમાં મેળવી છે. 2003ની ઈમરાનની અભિનય કારકિર્દીની શરૂઆત થઈ ત્યારથી 2021 સુધી દર વર્ષે તેની બે-ત્રણ ફિલ્મો રિલીઝ થતી હતી. બોક્સઓફિસ પર તેની ફિલ્મો ચાલે કે ન ચાલે પણ ઈમરાન હાશ્મીની ફિલ્મો સતત આવ્યા કરતી હતી. સન-2022નું વર્ષ એવું છે કે એ વર્ષે તેની એકપણ ફિલ્મ રજૂ થઈ નહોતી.
જોકે, 2023માં તેની સલમાન ખાન અને કેટરીના કૈફ સાથેની ‘ટાઈગર થ્રી’ રજૂ થઈ અને એમાં ઈમરાન પૂર્ણપણે ‘નેગેટિવ એવાં પાત્રમાં દેખાયો હતો. આ ફિલ્મમાં તેણે પાકિસ્તાનના આઈએસઆઈ એજન્ટની ભૂમિકા ભજવી હતી. 2025માં તેની પહેલી તેલુગુ ફિલ્મ આવી, જેમાં પવન કલ્યાણની મુખ્ય ભૂમિકા હતી અને ઈમરાનની નેગેટિવ ભૂમિકા હતી. આ ફિલ્મને બોક્સઓફિસ પર સારી એવી સફળતા મળી હતી.
‘આવારાપન-ટુ’ એ આ વર્ષમાં ઈમરાન હાશ્મીની એકમાત્ર રિલીઝ છે. આ ફિલ્મની તેની ભૂમિકા ‘એન્ટી હીરો’ જેવી છે અને 19 વર્ષે રજૂ થનારી આ સિકવલને લોકો કેટલી સ્વીકારે છે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. જોકે, આ ફિલ્મ સની દેઓલ-પ્રિટી ઝિંટા અને રાજકુમાર સંતોષની ‘બટવારા-1947 સામે છે ત્યારે ઈમરાનની સોલો હીરો તરીકેની ફિલ્મ કેટલી સફળ થાય છે એ જોવું રહ્યું.
ઈમરાને ઓટીટી પર પણ હાથ અજમાવ્યો છે અને તેને ત્યાં પણ જોઈએ એવી સફળતા મળી નથી. 2019માં તેણે ‘નેટફિલક્સ’ની સીરિઝ ‘બોર્ડ ઓફ બ્લડ’ કરી, પછી 2024માં ‘શો ટાઈમ’ નામની સિરીઝ ડિઝની હોટસ્ટાર માટે કરી અને 2026માં તે ‘નેટફિલક્સ’ની સિરીઝ ‘તસ્કરી’માં દેખાયો હતો.
હા, એટલું જરૂર છે કે ઈમરાને પોતાની કારકિર્દી દરમિયાન અનેક પ્રકારની અલગ-અલગ ભૂમિકાઓ કરી છે. એ વાત અલગ છે કે તેને જોઈએ એવી સફળતા મળી નથી, પણ 2003થી કારકિર્દીની શરૂઆત કરનાર ઈમરાન 23 વર્ષે પણ હજી હીરોની ભૂમિકા મેળવે છે અને એ જ તેની સૌથી મોટી સફળતા છે.
OTTનું હોટસ્પોટઃ 15 ઑગસ્ટથી 21 ઑગસ્ટ શું જોશો?
આગામી શુક્રવાર એટલે કે 21 ઑગસ્ટે ‘જિયો હોટસ્ટાર’ પર અત્યારની સુપરડુપર હીટ ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ જોવા મળશે. અહમદ ખાન દિગ્દર્શિત આ ફિલ્મમાં 40 કરતાં વધુ કલાકાર હતા. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટણી, જેક્લીન ફર્નાન્ડિસ, રવિના ટંડન, તુષાર કપૂર, અર્શદ વારસી, જેકી શ્રોફ, શ્રેયસ તળપદે, કિરણકુમાર, રાજપાલ યાદલ, આફતાબ શિવદાસની, કૃષ્ણા અભિષેક અને પરેલ રાવલ અભિનીત આ ફિલ્મ ઓટીટી પર પ્રથમ વાર રજૂ થઈ રહી છે.
* ‘જિયો હોટસ્ટાર’ પર જ 15 ઑગસ્ટ 108 બેઝ હોસ્પિટલ -ઉરી શરૂ થઈ રહી છે. જે માત્ર શનિ-રવિ રજૂ થશે. આ સિરીઝમાં એરિકા ફર્નાન્ડિસ અને ગશમીર મહાજનીની મુખ્ય ભૂમિકા છે.
* નેટફિલક્સ: આ ચેનલ પર 21 ઑગસ્ટ તમિળ કોમેડી ફિલ્મ ‘પ્યાર પ્રેમા કલ્યાણમ’ રજૂ થશે. મૂળ તમિળમાં બનાવાયેલી આ ફિલ્મ હિન્દી, તેલુગુ, ક્ધનડ અને મલયાલમમાં રજૂ થશે. એલન દિગ્દર્શિત આ ફિલ્મના મુખ્ય કલાકારો સાન્વે મેઘના, એમ. એસ. ભાસ્કર અને યોગીબાબુ છે. આ ફિલ્મ સીધી ઓટીટી પર જ રિલીઝ કરવામાં આવી છે.
‘નેટફિલક્સ’ પર આજે (14 ઑગસ્ટે) શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના અભિનીત ફિલ્મ ‘કોકટેલ-ટુ’ રજૂ થવાની છે.
* ઝી ફાઈવ: અહીં આજે (શુક્રવાર 14 ઑગસ્ટે) કંગના રનૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’ ફિલ્મ રજૂ થશે. જેના મુખ્ય કલાકારો કંગના રનૌત અને ગિરીજા ઓક છે અને આ ફિલ્મનું દિગ્દર્શન મનોજ તાપડિયાનું છે. આ ચેનલ પર 21 ઑગસ્ટે થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જય નાયગન’ રજૂ થવાની શક્યતા છે.