માવજી મહેશ્વરી
ઘડીભર મારા મગજમાં સન્નાટો છવાઈ ગયો. રત્નાકરજીએ છેક સુધી આગ્રહ રાખેલો કે હું બોડીગાર્ડ સાથે લઈ જાઉ. મને એકાએક મારી મૂર્ખતા સમજાઈ.
‘મેં ઘડિયાળ જોઈ. સાડાચાર થતા હતા. હું બારણું ખોલી બહાર નજર નાખી આવી, ગણપત દેખાતો ન હતો. કદાચ તે પોતાના ઘેર ચાલ્યો ગયો હતો. મેં ઝડપભેર વિચારવા માંડ્યું અહીંથી નીકળીને ક્યાં ક્યાં જઈ શકાય તેની ગણતરીઓ માંડી. પાલનપુરમાં એરપોર્ટ નથી એટલે ટ્રેન અથવા બસ સિવાય બહુ બહુ તો કાર ભાડે કરી શકું, પણ સૌથી મોટી મુસીબત હતી કે જવું તો ક્યાં જવું ? મારી સલામતી માટે મુંબઈ સિવાય બીજું કોઈ સ્થળ ન હતું.
પહેલો વિચાર આવ્યો કે અમદાવાદ ચાલી જાઉં. ત્યાં કોઈ હૉટેલમાં બે ચાર દિવસ રહું. તે દરમિયાન રત્નાકરજી ઠીક થઈ જશે. એમની સાથે ચર્ચા કરીને આગળનો નિર્ણય લઈ શકાશે. સમય કેમેય આગળ સરતો ન હતો. મારું બેચેન થઈ ગયેલું મન વિચારવા જ દેતું ન હતું. મને થયું કે ગણપત આવે તે દરમિયાન મારી બેગ ભરી લઉં. મારી પાસે બે બેગ હતી. એક બેગમાં મારા કપડાં અને થોડાંક પુસ્તકો નાખ્યા.
બીજી નાની બેગ જે આ પડી છે તેમાં મારા ડોક્યુમેન્ટસ અને બીજી પરચુરણ ચીજો ટુવાલ અને વધારાના એકાદ જોડી કપડાં નાખી હું ગણપત આવે તો તો એને જવાનું શું બહાનું આપવું તે વિચારી ગણપતની રાહ જોવા લાગી. રોજ સાડા ચાર વાગે આવી જતો ગણપત હજુ દેખાતો ન હતો. મારી ધડકનો તેજ થતી હતી.
તે દરમિયાન એક એવોય વિચાર આવી ગયો કે પાલનપુરના ડીએસપી પાસે ચાલી જાઉં તેમને મારી હકીકત જણાવું અને પોલીસ પ્રોટેક્શન લઈ લઉં, પણ અચાનક અહીં પોલીસ પહેરો મુકાશે તો કદાચ વાત ફેલાશે તેથી એ વિચાર માંડી વાળ્યો. મને ગણપત ઉપર ગુસ્સો આવતો હતો કે તે મને કહીને ગયો ન હતો. મારી પાસે તેના નંબર પણ ન હતા.
મને એવુંય થયું કે હું શા માટે આટલી ગભરાઉં છું ? અભિજિતે સતર્ક રહેવાનું કહ્યું છે. આ સ્થળ હાલને હાલ છોડી જવાનું તો કહ્યું નથી. મારે શા માટે ઉતાવળ કરવાની જરૂર છે ? મારું મન કોઈ આશ્વાસન સ્વીકારવા તૈયાર ન હતું. મારું આંતરમન કહેતું હતું કે, સોનલ કોઈ આફત નજીક આવી રહી છે. અહીંથી જલદી ભાગી જા. મારાથી ગણપતને મળ્યા સિવાય જવાય તેમ ન હતું. મારે તેને થોડા રૂપિયા પણ આપવા હતા.
છ વાગવા આવ્યા હતા. ખબર નહીં ગણપત ક્યાં ખોવાઈ ગયો હતો. આમ એ સોસાયટી વિસ્તાર કહેવાય પણ એ મકાનની આસપાસ ખાસ કોઈ વસ્તી ન હતી. મકાન સુધી પાકો રસ્તો પણ ન હતો. થોડે દૂર ગ્રામ્ય વિસ્તાર તરફ જવાનો એક સાંકડો ડામરનો રસ્તો પસાર થતો હતો. એના પરથી જતા છકડા અને ટ્રકનો અવાજ આવતો. તે સિવાય કોઈ વાહન આવતાં નહીં. મને સંભળાયેલો અવાજ પેટ્રોલકારનો જ હતો તેમાં કોઈ શંકા ન હતી. ઘરનો મેઈન ડોર ખુલ્લો હતો. મારા મનમાં ખતરાની ઘંટી વાગી.
હું સાવધ થઈ ગઈ. પહેલા એમ થયું કે બેગ લઈને બહાર જાઉં. પણ એ વિચાર આવ્યો તે સાથે જ બે-ત્રણ જણ બાઉન્ડરી કૂદયા હોય તેવો અવાજ સંભળાયો. મારા કાન એટલા સરવા હતા કે એ બાબતમાં શંકા ન રહી કે કોઈ મારા તરફ આવી રહ્યું છે. રાડારાડ કરવાનો કોઈ અર્થ ન હતો. મારું હૃદય જોર જોરથી ધડકતું હતું. મારાથી હવે બહાર જવાય તેમ ન હતું.
મારી બેય બેગ ઉપરના ઓરડામાં હતી. નીચે બાથરૂમ સિવાય સંતાઈ રહેવાનો અર્થ ન હતો અને ઉપરના ઓરડા તરફ જવા સિવાય છૂટકો ન હતો. હું ઝડપથી દાદર ચડવા લાગી. દાદરાના વળાંક પાસેથી ખુલ્લા દરવાજોનો નીચેનો હિસ્સો દેખાતો હતો. હું શ્વાસ રોકીને ખૂણામાં લપાઈને ઊભી રહી જેથી મારા પગ ન દેખાય. હું બારણા તરફ જોઈ રહી. થોડી જ ક્ષણોમાં મને ઘરના બારણામાં પ્રવેશતા ત્રણ જણના પગ દેખાયા. ત્રણેયે જીન્સ અને રેક્જીનના બૂટ પહેરેલા હતા. મોત મારી સામે હતું.
મારી પાસે કોઈ હથિયાર ન હતું. ફરી એકવાર મને મારા બોડીગાર્ડ યાદ આવ્યા. અવાજ ન થાય તે રીતે બબ્બે પગથિયાં ચઢી ઉપરના ઓરડામાં જઈ મેં અંદરથી ઓરડો બંધ કરી નાખ્યો. મારું શરીર ધ્રૂજતું હતું. હું અહીં એ ઓરડામાં કેટલો સમય સલામત હોઈશ તેની મને ખબર હતી. પેલા લોકોએ જો મને જોઈ લીધી હશે તો ઉપર આવવાના હતા અને નહીં જોઈ હોય તોય આવવાના હતા. મેં ઓરડાની સિચ્યુએશન જોઈ લીધી. એ ઓરડાની પૂર્વ બાજુની ભીંતને સમાંતર લાંબી ગેલેરી હતી.
ગેલેરીને લોખંડની જાળી હતી. ગેલેરીમાં જવા માટે એક દરવાજો હતો. મેં પગથિયાં ચડતા બૂટનો અવાજ સાંભળ્યો. હું નખશીખ ધ્રૂજી ગઈ. જોકે એ લોકોનો ઈરાદો શું હતો તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હતું. મેં તેમના ચહેરા જોયા ન હતા. મને ખબર હતી કે એમાં સંજય કે જય કે તેના મામાઓ નહીં જ હોય. આવી મૂર્ખાઈ તેઓ ન કરે, પણ જે આવ્યા છે તે જરૂર સંજયના જ માણસો હશે. એ લોકો મને ઉપાડી જશે તો મારા શરીરની મિજબાની કર્યા વગર રહેવાના ન હતા. આ વિચારે હું છળી ઊઠી હતી.
હું શ્વાસ ગણતી ઊભી હતી અને બંધ દરવાજા ઉપર જોરથી લાત પડી. મેં બંધ દરવાજાને જોયા કર્યું. ત્યાં બીજી લાત પડી. સાથે જ બૂમ સંભળાઈ, ‘અબે ઓ એંન્જલીના જોલીકી ઓલાદ, સીધી તરહસે ખોલ દે વરના હમ દરવાજા તોડના જાનતે હૈ.’
મારું મગજ ઝડપભેર વિચારવા લાગ્યું. મને ખબર હતી એ મણિરામ ઝવેરીના ઘરના દરવાજા હતા. આસાનીથી નહીં તૂટે. મેં ન છૂટકે મોટી બેગ રહેવા દીધી અને નાની બેગ ખભે ભેરવી ધીમેથી ગેલેરીવાળો દરવાજો ખોલી નીચે જોયું. મને થયું કે પેલા દરવાજામાંથી બહાર કૂદી પડું, પણ જો કૂદકો મારું તો મરું નહીં તો બૂરી રીતે ભંગાઈ જાઉં એ નક્કી હતું. ગેલેરી ઉત્તર દક્ષિણ હતી.
ગેલેરીના દક્ષિણ છેડે પેન્ડુલાનું એક વૃક્ષ બરાબર લોખંડની જાળીને અડતું હતું. મને એક ખતરનાક વિચાર આવ્યો. એને અમલમાં મૂકવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. મેં ધીમેથી ગેલેરીવાળો દરવાજો બહારથી બંધ કર્યો અને પેન્ડુલાના વૃક્ષ પરથી કેવી રીતે ઊતરી શકાય તેનો અંદાજ બાંધ્યો. તે દરમિયાન એક ઘટના બની. અચાનક ગણપતે મારા નામની બૂમ મારી. મને વિચાર આવ્યો કે ગણપતનો અવાજ ફક્ત મેં જ નહીં દાદરા પર ઊભેલા લોકોએ પણ સાંભળ્યો હશે.
એમને માટે હવે બહાર જવું જોખમભર્યું હતું. સિવાય કે તેઓ ગણપતને મારી નાખે અથવા અન્ય કોઈ રીતે ચૂપ કરી દે. મને લાગ્યું કે મારા પાસે કમ સે કમ પાંચ દસ મિનિટનો સમય તો છે જ અને આ પાંચ મિનિટ કદાચ મારી જિંદગી બચાવી લે. મેં પેન્ડુલાના વૃક્ષ પરથી નીચે ઊતરવાનું જીવલેણ જોખમ ઉઠાવ્યું. હું આજ સુધી કોઈ ઝાડ ઉપર ચડી નથી કે ન તો એવો કોઈ અનુભવ છે.
મારામાં કોણ જાણે ક્યાંથી હિંમત આવી મેં પેન્ડુલાની ડાળ પકડીને ધીમેથી તેના સીધા થડ ઉપર પગ ટેકવવાનો પ્રયત્ન કર્યો. એ વૃક્ષ જેટલું ઊંચું હતું એટલું જાડું ન હતું. યોગાનુયોગે મારા વજનને કારણે પેન્ડુલા કમાનની જેમ ઝુક્યું. એક ક્ષણ મારો જીવ ગળામાં આવી ગયો. જેવું મેં જોયું કે મારો અને જમીનનો પાંચેક ફૂટનો ફાંસલો છે ત્યારે અચાનક મેં ડાળ છોડી દીધી. હું જમીન ઉપર હતી અને મને કશું જ વાગ્યું ન હતું. મારી બચી રહેવાની જિજીવિષા તીવ્ર બની ગઈ.
એજ વખતે મેં ફરી ગણપતની બૂમ સાંભળી. મારે કઈ બાજુ જવું તે હું નક્કી કરી શકતી ન હતી. મકાનની આસપાસ કોઈ કાર આવી એવો મને અંદાજ હતો. એ કાર હજુ ત્યાં ઊભી હશે કે નહીં, એ કારમાંથી બધા જ બહાર આવી ગયા હશે કે હજુ ડ્રાઈવર અંદર હશે તેની પણ મને ખબર ન હતી. હું દક્ષિણ ભીત સરસી દબાયેલા પગલે આગળ વધી. અચાનક ગણપતની નજર મારા ઉપર પડી. મને આ રીતે ભાગતી જોઈ તેની આંખો ફાટી રહી. તે કંઈ બોલે તે પહેલા મેં નાક ઉપર આંગળી મૂકી તેને ચૂપ રહેવાનો ઈશારો કર્યો.
ગણપત ઝડપથી મારી પાસે આવ્યો. તેના મોં પર હવાઈઓ ઉડતી હતી. ભીંત પાસે જાસુદનું મોટું ઝાડ હતું. મેં ગણપતના બેય ખભા પકડીને તેને ઝાડ પાછળ બેસાડી દીધો અને તેને કાનમાં કહ્યું, ‘ગણપત આપણા ઘરમાં ત્રણ જણ ઘુસી આવ્યા છે. એ મને મારી નાખવા માગે છે. તેઓ ઘરની અંદર છે. તારો અવાજ સાંભળીને જલદી બહાર નહીં આવે. હું બાઉન્ડરી કૂદીને ભાગું છું. તું સોનલબેન ક્યાં છો? એવી બૂમ મારતો રહે.
ઘરમાં જતો નહીં. એ લોકો બહાર નીકળી જાય તે પછી ઘર બંધ કરજે. એ લોકોને ખબર નથી કે હું બહાર છું. એ જો ઉપરનો દરવાજો તોડે તો ભલે તોડે.’ ગણપત બિચારો ડરી ગયો હતો. છતાં એ વફાદાર માણસે જોરથી મારા નામની બૂમ મારી. તે દરમિયાન મકાનની પાછલી સાઈડની બાઉન્ડરી પર ચડીને મેં આજુબાજુ જોયું અને કૂદકો મારી દીધો. મને ત્યાં ઊભા રહ્યા પછી ખ્યાલ આવ્યો કે એ તરફ તો વગડો હતો. મેં ઈશ્વરને યાદ કર્યા અને શહેર તરફ નીકળી પડી.
મેં જરા દૂર પહોંચીને મારા એ મકાન સામે જોયું. આસપાસના વગડા વચ્ચે એકદમ અલગ પડી જતું હતું. ખબર નહીં એ લોકો દરવાજો તોડશે કે પછી ગણપત પાસેથી મારો પત્તો મેળવશે? એ વખતે મને એવોય વિચાર આવી ગયો કે જો ગણપત બીકનો માર્યો બોલી નાખશે કે હું બાઉન્ડરી કૂદીને ભાગી છું તો એમનો રસ્તો આસાન થઈ પડશે. હું આ વિસ્તારથી અજાણી હતી. જ્યાં સુધી કોઈ રોડ ઉપર ન ચડું ત્યાં સુધી વાહન મળે તેમ ન હતું, પણ કહેવાય છે કે જ્યારે તમને ઈશ્વર મદદ કરવાનો હોય ત્યારે તમને જે જોઈતું હોય તે મળે રહે.
હું કાચા રસ્તે ઉતાવળે જઈ રહી હતી અને પાછળથી રીક્ષા આવવાનો અવાજ સંભળાયો. જાણે રીક્ષાવાળાને પણ ખબર પડી ગઈ કે આ છોકરી મુસીબતમાં છે. તેણે મારી બાજુમાં રીક્ષા ઊભી રાખતા કહ્યું, ‘છોડી આવું બેન?’ મેં આવું વાક્ય પહેલીવાર સાંભળ્યું. મને એવી સ્થિતિમાં પણ મનોમન હસવું આવ્યું કે આ રીક્ષાવાળો મને ક્યાં છોડી આવવાનું કહે છે. તેની રીક્ષા ખાલી હતી. તેની આંખો જોતાં તેણે કદાચ પીધુંય હતું, પણ તે જે રીતે બેન બોલ્યો મને ગમ્યું. મેં તેને કહ્યું, ‘ભાઈ રેલવે સ્ટેશન જવું છે. કેટલો સમય લાગશે?’
‘બેસી જાઓ બેન આ રહ્યું રેલવે સ્ટેશન, હમણાં જ પોકાડી દઉં.’ રીક્ષાવાળાએ જરાવાર લાગશે એવું કહ્યું તો ખરું છતાં ખાસ્સી વીસેક મિનિટ પછી પાલનપુરનું રેલવે સ્ટેશન દેખાયું. ઊતરતી વખતે રીક્ષાવાળો શંકાથી મને જોઈ રહ્યો હતો. હું પૈસા ચૂકવી સીધી અંદર ચાલી ગઈ. હું ડરી ગઈ હતી તે છતાં હું ઝડપથી વિચારવા લાગી. સૌથી પહેલા મેં પ્લેટફોર્મ ટિકિટ લઈ લીધી જેથી બહાર નીકળવા સમયે મુસીબત ન થાય. (ક્રમશ:)