Fri Oct 02 2026

Logo

પુરવઠા સ્થિતિ તંગ રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે  સતત છઠ્ઠા સત્રમાં કોપરમાં આગેકૂચ

2026-09-22 19:57:19
Author: Ramesh Gohil
પુરવઠા સ્થિતિ તંગ રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે  સતત છઠ્ઠા સત્રમાં કોપરમાં આગેકૂચ

વિશ્વ બજાર પાછળ કોપર અને ટીન સહિતની ધાતુમાં જળવાતી તેજી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 
મુંબઈઃ
શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જ ખાતે કોપરનો સ્ટોક ઘટીને વર્ષ 2023 પછીની સૌથી નીચી 43,900 ટનની સપાટીએ પહોંચ્યાના નિર્દેશો સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સતત છઠ્ઠા સત્રમાં કોપરમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં એક મહિને ડિલિવરી શરતે ભાવ વધુ 0.6 ટકા વધીને ટનદીઠ 14,745 ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ કોપરની આગેવાની હેઠળ અન્ય ધાતુઓમાં પણ સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું.

આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ માત્ર કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. બે અને એકનો જોવા મળેલો ઘટાડો અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. પાંચથી 37 સુધીની તેજી જોવા મળી હતી. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ટીનના ભાવ કિલોદીઠ રૂ. 37 વધીને રૂ. 5338, નિકલ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 15 વધીને અનુક્રમે રૂ. 1618 અને રૂ. 1499, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. 13 વધીને અનુક્રમે રૂ. 1413 અને રૂ. 1403, કોપર આર્મિચર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. 10 વધીને અનુક્રમે રૂ. 1391 અને રૂ. 970 અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને રૂ. 203ના મથાળે રહ્યા હતા. 

વધુમાં આજે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે બ્રાસ શીટ કટિંગ્સ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. 1005 અને રૂ. 450ના મથાળે રહ્યા હતા. 
જોકે, આજે માત્ર કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને નિરસ માગ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. 1298 અને રૂ. એક ઘટીને રૂ. 356ના મથાળે રહ્યા હતા, જ્યારે ખપપૂરતી છૂટીછવાઈ માગને ટેકે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. 308ના મથાળે ટકેલા રહ્યા હતા.