Mon Oct 05 2026

Logo

ફિલ્મનામા: પાકિસ્તાન જઈને એક ખબરી પકડે છે પગેરું...

2026-09-18 15:55:00
Author: Naresh Shah
ફિલ્મનામા: પાકિસ્તાન જઈને એક ખબરી પકડે છે પગેરું...

નરેશ શાહ

મલોય ક્રિષ્ન ધર ભારતના ઈન્ટેલિજન્સ બ્યુરોના એક ઉચ્ચ પદાધિકારી છે. છેલ્લાં બે દશક કરતાં વધુ સમયથી નિવૃત્ત મલોય ધર 2005ની સાલમાં ફરી ચર્ચામાં આવેલાં, કારણ કે ત્યારે તેમણે પોતાના જાતઅનુભવના આધારે `ઓપન સિક્રેટ: ઈન્ડિયાઝ ઈન્ટેલિજન્સ અનવીલ્ડ (ખુલ્લા રાઝ: ભારત કે ખુફિયા જગત કા અનાવરણ) પુસ્તક લખેલું, જેમાં તેમણે ભારત માટે કામ કરતી ખાનગી ઈન્ટેલિજન્સ સંસ્થાઓ, તેની કાર્યશૈલી અને મર્યાદાઓની વાત કરેલી. 

આમ જુઓ તો (પોતાના કાર્યકાળ દરમિયાનની) વાતો કે તેનું એનાલિસિસ કરવું એ પ્રોટોકોલ અને સર્વિસ કરાર મુજબ વિશ્વાસઘાત જ ગણાય, કારણ કે રાજદ્વારી કક્ષાએ અમુક વાતો કદી જાહેર પ્લેટફોર્મ પર વ્યક્ત કરી શકાતી નથી. એની વે, બંગાળમાં જન્મેલા મલોય કૃષ્ણ ધર 2022 પછી ફરી ચર્ચામાં આવ્યા હતા અને `ધુરંધર' ફિલ્મ પછી તો ખાસ યાદ આવ્યા છે. નિમિત્ત છે ઘરનું જ એક પુસ્તક: `મિશન ટૂ પાકિસ્તાન' (એન ઈન્ટેલિજન્સ એજન્ટ ઈન પાકિસ્તાન)!

ઈન્ટેલિજન્સ બ્યુરોના ઉચ્ચ પદેથી રિટાયર થયા પછી મલોય ધરે (અનેક પુસ્તકોની જેમ) `મિશન ટૂ પાકિસ્તાન' પુસ્તક સત્ય ઘટનાઓ પર આધારિત રહીને લખ્યું હતું, જેમાં ભારતની ગુપ્તચર સંસ્થા પાકિસ્તાનની બોર્ડર પરની હિલચાલ પાછળની બાતમી લાવવા માટે એક ભારતીય એજન્ટને પ્લાન્ટ કરે છે. 

એ એજન્ટ પાકિસ્તાનમાં નકલી ઓળખ સાથે એક અસલી પાકિસ્તાની પરિવારનો સદસ્ય બનીને ગોઠવાઈ જઈને ઉચ્ચ લેવલની સૈન્યની લગતી ઈન્ફોર્મેશન ભારતને પહોંચાડે છે, જેને કારણે 1966માં અખનૂર બોર્ડર પર પાકિસ્તાન સામેનું આપણું ધિંગાણું મહિનાઓ સુધી ચાલવાની બદલે માત્ર સોળ દિવસમાં આટોપાઈ ગયેલું. પાકિસ્તાને યુનોમાં જઈને નાક લીટી તાણવી પડેલી અને પછી અખનૂર તેમ જ કાશ્મીરમાં પારોઠના પગલાં ભરવા પડયા હતાં.

`મિશન ટૂ પાકિસ્તાન' નામના મલોય કૃષ્ણ ધરના આ સાચુકલા પ્રસંગો-બનાવો અને ખાનગી વાતોને હાઈલાઇટસ કરતાં પુસ્તક પરથી `મુખબીર: અ સ્ટોરી ઓફ સ્પાય' નામની વેબસિરીઝ ડિરેકટર શિવમ નાયર અને જયપ્રદ દેસાઈએ બનાવી છે, જે `ઝી ફાઈવ' ઓટીટી પ્લેટફોર્મ પર છે.

ઓવર ટૂ વેબસિરીઝ.
`મુખબીર'નો અર્થ છે બાતમીદાર-ખબરી અને આ વેબસિરીઝ `મિશન ટૂ પાકિસ્તાન' પર નહીં, પણ આ પુસ્તક પર આધારિત છે. મતલબ કે જરૂર લાગી ત્યાં નાટકીયતા કે ટ્વિસ્ટ લાવવા માટે પાંચ લેખક (અસીમ અરોરા, સૌરભ સ્વામી, વૈભવ મોદી, કરણ ઓબેરોય, અરશદ સૈયદ) એ પોતપોતાની આંગળી ટેઢી કરી છે, પણ ઝાઝી સુયાણીવાળી કહેવતની જેમ અહીં વૈતર વંઠયું નથી. 

`મુખબીર' વેબસિરીઝ પ્રમાણમાં ઘણી સારી રીતે બનાવવામાં આવી છે. એ સાચી ઘટનાઓની વાત કરતી હોવાથી તેમાં લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, પાકિસ્તાનના જનરલ આહ્યા ખાન પણ આપણને જોવા મળે છે. મોટાભાગની સિરિયલનું લોકાલ 1970ના દશકનું લાહોર, પાકિસ્તાન છે અને આર્ટ ડિરેકટર એ ફીલ લાવવામાં સફળ થયા છે કે આપણે સતત પાકિસ્તાનમાં હોઇએ એવું લાગે છે.

પુસ્તક આધારિત વેબસિરીઝની કહાણી એવી છે કે આપણા માટે પાકિસ્તાનમાં રહીને કામ કરતાં એક ફળનો વેપારી પકડાઈ જતાં આઈએસઆઇના ઝૈદી (દિલીપ શંકર - જસ્ટ સુપર્બ) તેને શૂટ કરી દે છે પણ 1962 પછી પાકિસ્તાન સાથેના તંગ બનેલા વાતાવરણને કારણે એક જાસૂસને પાકિસ્તાનમાં ઘૂસાડવો જરૂરી છે અને મૂર્તિ (પ્રકાશ રાજ) નામના અફસર એક અનાથ મુસ્લિમ યુવાનને હરફન બુખારી (ઝૈન ખાન દુરાની) બનાવીને લાહોરમાં, વાઘા બોર્ડરથી ઘુસાડે છે.

હરફન બુખારીએ છેક પાકિસ્તાનના જનરલ આહ્યા ખાન (પરફેકટ કલાકાર હર્ષ છાયા)ના દિમાગમાં ચાલતાં કાવતંનું પગેરું મેળવીને ભારતને સચેત કરવાનું છે અને આ આખું મિશન કઈ રીતે પાર પડે છે તેની વાત `મુખબીર' વેબ સિરિઝમાં છે.

યાદ રહે, `મુખબીર'માં 1965ના સમયકાલની વાત છે એટલે અમુક વાતો, સિક્યોરિટી, સાધનો, માધ્યમોને  એ જમાનાને ધ્યાનમાં રાખીને જોવી પડે છે. કેટલીક વાતો જો કે સરળતાથી ગળે ઉતરતી નથી. જેમ કે, હરફન બુખારીને લાહોરના બુખારી પરિવારના માજી કે અન્ય સભ્યો સ્વીકારી લે છે. હરફન બુખારી પાકિસ્તાનના સર્વોચ્ચ જનરલ આહ્યા ખાનના બંગલમાં ઘૂસી જાય અથવા આહ્યા ખાનની ગાયિકા-રખાત અનારના ઘરમાં છુપાવવા માટેના હરફનના પ્રયાસો...

આ લખનારની દૃષ્ટિએ `મુખબીર' જોવાનું મજબૂત કારણ અલગ છે. આપણા ભારતીય કલાકારોએ પાકિસ્તાની તરીકે કરેલો અભિનય ખરેખર દર્શનીય છે. `મુખબીર'માં દિલીપ શંકર, હર્ષ છાયા તો અભિનયમાં અવ્વલ જ રહ્યાં છે પણ એ ઉપરાંત ઝોયા અફરોઝ, સત્યદિપ મિશ્રા, અતુલ કુમાર, સુશિલ પાંડે, ઈત્યાદિ ઈત્યાદિ કલાકારોનો અભિનય જોઈને પણ દિલ ખુશ થઈ જાય છે. એ પણ યોગાનુયોગ છે કે `તનાવ' (ઈઝરાયલી સિરીઝ `ફૌદા'ની રિ-મેક)ની જેમ `મુખબીર'માં પણ મુખ્ય મુદ્દો કાશ્મીર જ છે.