Mon Oct 05 2026

Logo

કોર્ટના દસ્તાવેજો સોશ્યલ મિડિયા પર શેર ન કરવા હાઈ કોર્ટની વિજય માલ્યાને તાકીદ

2026-09-22 20:41:00
Author: Mumbai Samachar Team
કોર્ટના દસ્તાવેજો સોશ્યલ મિડિયા પર શેર ન કરવા હાઈ કોર્ટની વિજય માલ્યાને તાકીદ

મુંબઈ : મની લોન્ડરિંગ કેસમાં આરોપી અને ઉદ્યોગપતિ વિજય માલ્યાને બોમ્બે હાઈકોર્ટે કોર્ટની કાર્યવાહી સંબંધિત દસ્તાવેજો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ ટકોર કરી છે. જસ્ટિસ મિલિંદ જાધવે માલ્યાના વકીલ સિનિયર એડવોકેટ અમિત દેસાઈને તેમના ક્લાયન્ટને ભવિષ્યમાં આવું ન કરવાની ચેતવણી આપવા જણાવ્યું હતું.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના વકીલ આશિષ મહેતાએ કોર્ટને જણાવ્યું કે માલ્યાએ હાઈકોર્ટમાં દાખલ થનારા ઈડીના સોગંદનામાને કોર્ટમાં રજૂ કરવામાં આવે તે પહેલાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરી દીધું હતું. ઈડીએ 8 સપ્ટેમ્બરે સોગંદનામું દાખલ કર્યું હતું અને તે જ દિવસે માલ્યાની કાનૂની ટીમને તેની નકલ આપવામાં આવી હતી. 9 સપ્ટેમ્બરે આ મામલે સુનાવણી થવાની હતી.

આ અંગે હાઈકોર્ટે કહ્યું કે આ યોગ્ય વર્તન નથી અને મામલો ગંભીર છે. જસ્ટિસ જાધવે કહ્યું કે માલ્યા જે કંઈ રજૂ કરવા માંગે છે તે કોર્ટમાં રજૂ કરી શકે છે, પરંતુ કોર્ટની પ્રક્રિયાને અસર થાય તે રીતે દસ્તાવેજો સોશિયલ મીડિયા પર મૂકવા યોગ્ય નથી. અત્રે ઉલ્લેખનીય છે કે માલ્યાએ 2020માં હાઈકોર્ટમાં અરજી કરી હતી અને બેંકો સાથેનો નાણાકીય વિવાદ ઉકેલાઈ ગયો હોવાનો દાવો કરતાં તેમની સામે નોંધાયેલા ફોજદારી કેસો બંધ કરવાની માંગ કરી હતી. જોકે, ઈડીએ પોતાના જવાબમાં કહ્યું છે કે ભારતમાં કાયદાકીય કાર્યવાહીથી માલ્યા હજુ પણ બચી રહ્યા છે અને માત્ર સંપત્તિની વસૂલાત થઈ જવાથી મની લોન્ડરિંગના આરોપો સમાપ્ત થતા નથી.

ઈડીના જણાવ્યા  મુજબ, ઓગસ્ટ 2021 સુધીમાં રૂ. 14,131.6 કરોડની જંગમ અને સ્થાવર સંપત્તિ એસબીઆઈની આગેવાની હેઠળના બેંકોના કન્સોર્ટિયમને સોંપવામાં આવી હતી. માલ્યા માર્ચ 2016માં ભારત છોડીને ગયા હતા અને નવેમ્બર 2016માં તેમને ફરાર આરોપી જાહેર કરવામાં આવ્યા હતા. તેમની સામે કિંગફિશર એરલાઇન્સને અપાયેલી રૂ. 9,000 કરોડની બેંક લોનમાંથી ઓછામાં ઓછા રૂ. 3,500 કરોડની રકમની કથિત હેરાફેરી અને મની લોન્ડરિંગના આરોપો છે.

બોમ્બે હાઈકોર્ટે મંગળવારે આ મામલાની સુનાવણી 13 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે અને સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ)ને પોતાનો જવાબી સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. માલ્યાની સંપત્તિઓ ઈડીએ 2016માં જપ્ત કરી હતી, જ્યારે 2019માં વિશેષ અદાલતે એસબીઆઈ અને અન્ય ધિરાણકર્તા બેંકોને દેવાની વસૂલાત માટે આ સંપત્તિઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.