Fri Oct 02 2026

Logo

શો-શરાબા: કહાની એક... દાવેદાર અનેક!

2026-09-18 12:26:00
Author: Divyakant Pandya
શો-શરાબા: કહાની એક... દાવેદાર અનેક!

દિવ્યકાંત પંડ્યા

થોડાં જ અઠવાડિયા પહેલાં લોકપ્રિય ફિલ્મ `હનુમાન અંશ' રિલીઝ થઈ, જે નીમ કરોલી બાબાના જીવન અને તેમના પ્રભાવથી પ્રેરિત હતી. રસપ્રદ વાત માત્ર એટલી નથી કે આ વિષય પર ફિલ્મ બની. રસપ્રદ વાત એ છે કે આ જ વર્ષમાં નીમ કરોલી બાબા પર આધારિત બીજી ફિલ્મ `શ્રી બાબા નીબ કરોરી મહારાજ' પણ આવી ચૂકી છે એટલે કે થોડા મહિનાના અંતરે એક જ આધ્યાત્મિક વ્યક્તિત્વ પર બે ફિલ્મ્સ દર્શકો સુધી પહોંચી. સામાન્ય દર્શક માટે આ સંયોગ લાગતો હોય, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ કોઈ નવી વાત નથી.

સિનેમાની દુનિયામાં એક વિચિત્ર ટેવ છે. કોઈ એક ફિલ્મમેકરને કોઈ રસપ્રદ ઐતિહાસિક વ્યક્તિ, સંત, ક્રાંતિકારી, રાજકારણી કે સેલિબ્રિટી પર ફિલ્મ બનાવવાનો વિચાર આવે અને અચાનક એવું લાગે કે દેશભરના બીજા ઘણા ફિલ્મમેકર્સને પણ એ જ વ્યક્તિમાં રસ પડી ગયો. જાણે બધા એક જ સમયે એક જ વિચાર સુધી પહોંચી ગયા હોય. પરિણામે એક જ વ્યક્તિ પર એકસાથે અનેક ફિલ્મ્સ, વેબ સિરીઝ અથવા બાયોપિક્સ બનવા લાગે છે.

જોકે આ ટ્રેન્ડ નવો નથી. તેનું એક જૂનું ઉદાહરણ 1966માં જોવા મળ્યું હતું. એ વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝ પર આધારિત બે ફિલ્મ્સ આવી હતી `સુભાષ ચંદ્ર' અને `નેતાજી સુભાષચંદ્ર બોઝ'. ભારતના સૌથી રહસ્યમય અને પ્રભાવશાળી સ્વાતંત્ર્ય સેનાનીના જીવનને બંને ફિલ્મ્સએ પોતાની રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. એ સમયે પણ લોકોને આશ્ચર્ય થયું હતું કે એક જ વર્ષે એક જ વ્યક્તિ પર બે ફિલ્મ્સ કેમ આવી રહી છે.

પરંતુ આવી ઘટનાનો સૌથી મોટો અને ચર્ચાસ્પદ દાખલો 2002માં જોવા મળ્યો. એ વર્ષ જાણે ભગતસિંહના નામે લખાયું હોય એવું લાગતું હતું. મે મહિનામાં સોનુ સુદ અભિનીત `શહીદ-એ-આઝમ' આવી. જૂનમાં અજય દેવગણ અભિનીત `ધ લેજન્ડ ઓફ ભગત સિંહ' આવી. એ જ સમયગાળામાં `23થર્ડ માર્ચ 1931: શહીદ' પણ આવી જેમાં બોબી દેઓલ હતો.

થોડાં અઠવાડિયાંના અંતરે ત્રણ ફિલ્મ્સ, ત્રણ અલગ અભિગમ, ત્રણ અલગ સ્ટારકાસ્ટ અને એક જ ક્રાંતિકારી. ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના હતી. દુર્ભાગ્યે, ત્રણેય ફિલ્મ્સ એકબીજાની સ્પર્ધક બની ગઈ. દર્શકોનું ધ્યાન વહેંચાઈ ગયું અને બોક્સ ઓફિસ પર તમામ ફિલ્મ્સને તેની અસર પડી. એક જ મહાન વ્યક્તિની વાર્તા કહેવાની હોડમાં ફિલ્મ્સ એકબીજાને જ નુકસાન પહોંચાડતી હોય છે.

લગભગ બે દાયકા પછી આ જ ઘટના ફરી રાણી લક્ષ્મીબાઈ સાથે બની. જાન્યુઆરી 2019માં કંગના રનૌતની `મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી' આવી. ત્યારબાદ નવેમ્બરમાં `ધ વોરિયર ક્વીન ઓફ ઝાંસી' રિલીઝ થઈ. ફરી એકવાર બે અલગ ટીમને લાગ્યું કે દર્શકો આ જ ઐતિહાસિક વ્યક્તિત્વની વાર્તા જોવા તૈયાર છે. એક ફિલ્મ વધુ મોટા બજેટ અને સ્ટાર પાવર સાથે આવી, બીજી તુલનાત્મક રીતે નાની હતી, પરંતુ સવાલ એ જ રહ્યો કે એક જ સમયે બંનેને આ જ વિષય કેમ યાદ આવ્યો?

2019માં જ બીજું રસપ્રદ ઉદાહરણ જોવા મળ્યું. સામાન્ય ચૂંટણીના સમયગાળામાં `મોદી: જર્ની ઓફ અ કોમન મેન' વેબ સિરીઝ આવી અને તેના થોડા સમય પછી `પીએમ નરેન્દ્ર મોદી' ફિલ્મ રિલીઝ થઈ. એક જ રાજકીય વ્યક્તિત્વ એક જ સમયગાળામાં બે અલગ માધ્યમમાં દર્શકો સામે હાજર હતું. કોઈ પણ રાજકીય અભિપ્રાયથી દૂર રહીને જોઈએ તો પણ આ ઇન્ડસ્ટ્રીના એ જ જૂના સ્વભાવનું ઉદાહરણ હતું.

તાજેતરનાં વર્ષોમાં પણ આ પેટર્ન ચાલુ જ છે. 2025માં `સંત તુકારામ' અને `અભંગ તુકારામ' જેવી ફિલ્મ્સ આવી. આ બધા ઉદાહરણને એકસાથે જોઈએ ત્યારે એવું માનવું મુશ્કેલ બને છે કે આ બધું માત્ર સંયોગ છે. તેનું સૌથી સરળ કારણ એ છે કે ફિલ્મમેકર્સ ઘણીવાર એક જ સાંસ્કૃતિક વાતાવરણને પ્રતિસાદ આપી રહ્યા હોય છે. 

કોઈ ઐતિહાસિક વ્યક્તિની જન્મજયંતી હોય, કોઈ ખાસ વર્ષગાંઠ હોય, કોઈ રાજકીય ચર્ચા ચાલી રહી હોય અથવા સોશ્યલ મીડિયા પર કોઈ નામ ફરી ચર્ચામાં આવ્યું હોય ત્યારે એકસાથે ઘણા સર્જકોનું ધ્યાન એ જ વિષય તરફ જાય છે. લોકો પહેલેથી જ એ વ્યક્તિને ઓળખતા હોય છે. માર્કેટિગ સરળ બની જાય છે અને નિર્માતાઓને લાગે છે કે જોખમ થોડું ઓછું રહેશે. કેટલાક પહેલા રિલીઝ કરવા માંગે છે. કેટલાકને લાગે છે કે તે વધુ સારી ફિલ્મ બનાવી શકે છે અને કેટલાકને માત્ર એટલો જ ડર હોય છે કે ક્યાંક એક મોટો મોકો હાથમાંથી ન નીકળી જાય.

બાયોપિક્સમાં આ બાબત વધુ સ્પષ્ટ દેખાય છે, કારણ કે કોઈ પણ ઐતિહાસિક વ્યક્તિ પર કોઈનો કોપિરાઇટ નથી. ભગતસિંહ કોઈના નથી. સુભાષચંદ્ર બોઝ કોઈના નથી. રાણી લક્ષ્મીબાઈ કોઈની નથી. એકવાર કોઈ વ્યક્તિ જાહેર સ્મૃતિનો ભાગ બની જાય પછી કોઈપણ ફિલ્મમેકર તેની વાર્તા કહી શકે છે. ત્યાંથી એક પ્રકારની દોડ શરૂ થાય છે.

સિનેમામાં પ્રેરણા ઘણીવાર ચેપી હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિ લોકપ્રિય બને છે. ક્યારેક કોઈ ફિલ્મ લોકપ્રિય બને છે અને ક્યારેક એ વ્યક્તિ પર ફિલ્મ બનાવવાનો વિચાર જ લોકપ્રિય બની જાય છે, દર્શકો ટિકિટ ખરીદે એ પહેલાં જ! 

લાસ્ટ શોટ
2019માં આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ સિનેમાના દિગ્ગજ સ્ટાર એન.ટી. રામા રાવના જીવન પર જાન્યુઆરીમાં `એનટીઆર: કથાનાયકુડુ' અને ફેબ્રુઆરીમાં `એનટીઆર: મહાનાયકુડુ' બે ભાગમાં આવી અને માર્ચમાં `લક્ષ્મીઝ એનટીઆર' પણ આવી.