ગાંધીનગરઃ ભાજપે ત્રણ જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરી હતી. ડાંગ જિલ્લાના પ્રમુખ તરીકે સુરેશભાઈ મોતીરામ ચૌધરી, ભરૂચના પ્રમુખ તરીકે પરેશભાઈ કાંતિભાઈ લાડ તથા નર્મદાના પ્રમુખ તરીકે શબ્દશરણ ભાઈલાલ તડવીની નિમણૂક કરાઈ હતી. ભાજપના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના કારણે નર્મદાના જિલ્લા પ્રમુખ નીલ રાવને બદલી નંખાયા હતા.
નર્મદા જિલ્લા ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર થયો હતો. નીલ રાવની જગ્યાએ શબ્દશરણ તડવીની નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતો. નીલ રાવને લઈને અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મનસુખ વસાવાએ નીલ રાવ સામે સંગઠનમાં મનમાની અને અન્ય ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. આંતરિક વિખવાદ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં થયેલી હારના પગલે પ્રદેશ મોરચા દ્વારા આ કડક અને આવશ્યક પગલું લેવામાં આવ્યું હતું.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP દ્વારા ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે.
— BJP Gujarat (@BJP4Gujarat) September 22, 2026
નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. pic.twitter.com/eV4Jrn32Lz
નવા પ્રમુખ બનેલા શબ્દશરણ તડવીનો રાજકીય અનુભવ લાંબો અને પ્રભાવશાળી રહ્યો છે. તેઓ વર્ષ 2012માં નાંદોદ વિધાનસભા બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2016માં તેમને રાજ્ય સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું અને તેઓ વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી તરીકે સેવારત રહ્યા હતા. જોકે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.પરાજય બાદ પણ સંગઠનમાં તેમની સક્રિયતા જળવાઈ રહી હતી અને તેમને આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે જિલ્લા સંગઠનની કમાન તેમના હાથમાં સોંપવામાં આવતા, આગામી સમયમાં પક્ષને મજબૂત કરવા અને નારાજ નેતાઓ તથા કાર્યકર્તાઓને સાથે લઈને આગળ વધવાની મોટી જવાબદારી તેમના પર રહેશે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નીલ રાવ સામે દારૂ અને જુગારના અડ્ડા ચલાવતા બુટલેગરો સાથે આર્થિક તથા અંગત સાંઠગાંઠ હોવાના સનસનાટીભર્યા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. આ મામલે સ્થાનિક નેતાઓએ ગાંધીનગર ખાતે મોવડીમંડળ સમક્ષ રજૂઆતો કરી હતી. નવા પ્રમુખ તરીકે શબ્દશરણ તડવીની વરણી થતાં જ સાંસદ મનસુખ વસાવાએ સંતોષ વ્યક્ત કરીને પક્ષના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયથી ભરૂચ અને નર્મદા બંને જિલ્લાઓમાં પક્ષનું સંગઠન વધુ મજબૂત થશે અને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષને મોટો રાજકીય ફાયદો મળશે.
આ ફેરબદલથી નર્મદા ભાજપમાં ચાલતો આંતરિક ગૃહકલેશ પૂર્ણ થશે અને કાર્યકરોમાં નવો ઉત્સાહ સંચાર થશે. વહીવટી પારદર્શિતા લાવવા અને આગામી વિધાનસભા ચૂંટણી 2027 લક્ષી વ્યૂહરચનાને આ નિર્ણયથી વધુ બળ મળશે તથા વિસ્તારમાં ભાજપની પકડ વધુ મજબૂત બનશે.